Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

અક્ષરધામની મુલાકાતથી કેનેડાના પ્રધાનમંત્રી જસ્ટીન ટ્રુડો અભિભુત

અમદાવાદ, તા.ર૦: ગઈ કાલે બપોરે ૧ર વાગ્યે કેનેડાના પ્રધાનમંત્રી પોતાના સમગ્ર પરિવાર સાથે અક્ષરધામ પરિસર ખાતે આવી પહોંચ્યા હતા. અક્ષરધામમાં પ્રવેશતાં જ સૌપ્રથમ તેઓએ અક્ષરધામના સર્જક પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજ તેમજ પોતાના સ્વર્ગસ્થ પિતાશ્રી અને કેનેડાના પૂર્વ પ્રધાનમંત્રી શ્રી ટુડોની સ્મૃતિ કરતાં તેમણે કહયુ હતું કે, 'મારી અક્ષરધામની આ મુલાકાત વેળાએ મારા પિતાશ્રી તેમજ પ્રમુખસ્વામીજી બંને સ્વર્ગમાંથી પ્રસન્નતાનું સ્મિત વરસાવી રહયા હશે.

કલાત્મક મયુરદ્વારમાંથી અક્ષરધામમાં પ્રવેશતાં તેઓ પ્રારંભથી જ અક્ષરધામના સૌદર્ય અને સંદેશથી પ્રભાવિત થઇ ગયા હતા.બી.એ.પી.એસ.ની અનેક આંતરરાષ્ટ્રીય સેવા-પ્રવૃતિઓના કન્વીનર અને વરિષ્ઠ સંતવર્ય પૂજય ઇશ્વરચરણદાસ સ્વામી તથા અક્ષરધામના મહંત પૂજય આનંદસ્વરૂપદાસ સ્વામીએ માનનીય પ્રધાનમંત્રીશ્રીનું ભગવાનના પ્રાસાદિક પુષ્પહાર અર્પણ કરી તેમજ કુમકુમ તિલક કરી ભારતીય પરંપરા મુજબ સ્વાગત કર્યુ હતું. અક્ષરધામ મોડેલ   રૂમમાં સમગ્ર સંકુલનો પરિચય પ્રાપ્ત કરી તેઓએ અક્ષરધામ મંદિર તરફ જતાં પૂર્વે પોતાના પરિવાર સાથે આ મંદિર સાથેની સ્મૃતિ-છબી પડાવી હતી.

ભારતીય રાષ્ટ્રધ્વજના વેશમાં સજજ બાળકોએ પ્રધાનમંત્રીના સ્વાગતમાં મંદિરના પ્રાંગણમાં ખૂબ સુંદર નૃત્ય પ્રસ્તૃત કર્યુ હતું. અક્ષરધામ મહામંદિરમાં બિરાજમાન ભગવાન શ્રી સ્વામિનારાયણની ભવ્ય મનોહર પ્રતિમા સમક્ષ નતમસ્તક થઇ તેઓએ પ્રભુનાં ચરણોમાં પુષ્પ અર્પણ કર્યા હતાં. ભગવાન શ્રી સ્વામિનારાયણ તેમજ મહાન ભારતીય અવતારોના સાનિધ્યમાં ઉભા રહી તેઓએ બંને દેશમાં પ્રગતિ પરસ્પર સંપ અને વિશ્વશાંતિ માટે પ્રાર્થના કરી હતી.

ત્યારબાદ તેઓએ અભિષેક મંડપમાં જઇ ભગવાન સ્વામિનારાયણની તપોમૂર્તિ શ્રી નીલકંઠવર્ણી પર પવિત્ર જળથી અભિષેક કરવાનો લ્હાવો પ્રાપ્ત કર્યો હતો. અહીં વરિષ્ઠ સંતોએ તેઓને ભગવાનની પ્રાસાદિક નાડાછડી બાંધી મંગલ આશીર્વાદ પાઠવ્યા હતા. પ્રધાનમંત્રીશ્રીએ પોતાના સમગ્ર પરિવાર સાથે અભિષેકનો લાભ પ્રાપ્ત કરી વિશ્વમાં શાંતિ તેમજ પ્રગતિ માટે પ્રાર્થના કરી હતી.

બરાબર બપોરે ૧ વાગ્યે પ્રધાનમંત્રીશ્રી  ટુડો તેમજ પરિવારે અક્ષરધામથી વિદાય લીધી હતી.

(4:25 pm IST)