Gujarati News

Gujarati News

News of Tuesday, 20th February 2018

હવે લગ્ન માટે કેવી કેવી માંગણી કરે છે છોકરીઓ!?

મોટી ઉંમરે પણ યુવકોનું ગોઠવાતું નથીઃ જ્ઞાતિમાં છોકરીઓ મળવી મુશ્કેલ થયું

મુંબઇ તા. ૨૦ : અમદાવાદના એક પોશ વિસ્તારમાં રહેતા પિયૂષ પાસે એ બધું હતું જે ૨૮ વર્ષની ઉંમરે એક યુવક પાસે હોવું જોઈએ. તેની પાસે સારી જોબ હતી, પોતાની કાર હતી, અને ૨ બીએચકે ફલેટ પણ, જેમાં તે પોતાના પેરેન્ટ્સ અને નાના ભાઈ સાથે રહેતો હતો. આમ તો પિયૂષ માટે યોગ્ય છોકરી શોધવાના પ્રયાસ તેના મમ્મી-પપ્પા ઘણા સમયથી કરતા હતા, પણ જોઈએ એવું કયાંય ગોઠવાતું નહોતું.

જ્ઞાતિમાં ખાસ અવર-જવર ન હોવાથી પિયૂષના માતા-પિતાના સંપર્કો પણ મર્યાદિત હતા. જે પણ છોકરી તેઓ પિયૂષ માટે શોધતા તેને કાં તો પિયૂષ ના પાડી દેતો, કે પછી છોકરી તેને ના પાડી દેતી. કયારેક તો વાત શરુ થતાં પહેલા જ પૂરી થઈ જતી. આખરે આ શોધ લાંબી ચાલ્યા બાદ પિયૂષના માતા-પિતાએ મેરેજ બ્યૂરોમાં તેનું નામ લખાવવાનું નક્કી કર્યું.

દીકરો ૨૮ વર્ષનો થઈ ગયો હોવા છતાં તેનું કયાંય યોગ્ય ઠેકાણે ન ગોઠવાતા તેના મા-બાપ થોડી-ઘણી ચિંતામાં તો હતા જ, પણ તેમને એમ હતું કે મેરેજ બ્યૂરોમાં તો પિયૂષને યોગ્ય કન્યા ચોક્કસ મળી જ જશે. આખરે એક દિવસ તેઓ પિયૂષ અને તેના સારા ફોટોગ્રાફસને લઈને એક મેરેજ બ્યૂરોમાં ઘણી આશાઓ સાથે પહોંચ્યાં.

મેરેજ રજિસ્ટ્રેશન માટે ફોર્મ ભર્યા બાદ અને જે જરુરી પ્રક્રિયા હતી તે પૂરી થયા બાદ મેરેજ બ્યૂરોની રિસેપ્શનિસ્ટ સાથે પિયૂષની મમ્મીએ અમસ્તા જ વાત કરવાનું શરુ કર્યું. આજ-કાલની છોકરીઓ કેવા છોકરા ગમાડે છે, તેમને કેવી સ્વતંત્રતા જોઈએ છે અને કેટલી છોકરીઓ મેરેજ બ્યૂરોમાં રજિસ્ટ્રેશન કરાવે છે વગેરે જેવા સવાલો તેમણે રિસેપ્શનિસ્ટને પૂછ્યા.

જોકે, જયારે તેમણે તેના જવાબ સાંભળ્યા ત્યારે તો તેમના હોશ જ ઉડી ગયા. રિસેપ્શનિસ્ટે એક કિસ્સો તેમને સંભળાવતા કહ્યું કે, એક છોકરીએ તો છોકરાને માત્ર એટલા માટે ના પાડી દીધી હતી કારણકે તેના ઘરના બે બેડરુમમાં જ એસી હતા, પણ ડ્રોઈંગ રુમમાં એસી નહોતું. એક છોકરીએ તો છોકરા પાસે સિડાન કાર ન હોવાથી તેને ના પાડી દીધી હતી.

એટલું જ નહીં, પિયૂષની મમ્મીને તો એવું પણ જાણવા મળ્યું કે, મોટાભાગની છોકરીઓ હવે જોઈન ફેમિલીમાં રહેવા માટે તૈયાર નથી થતી. એટલું જ નહીં, છોકરાને જો ભાઈ-બહેન કે મોટો પરિવાર હોય તો પણ તે તેમને હા પાડતા ખચકાય છે. કેટલીક છોકરીઓ તો પોતે ભલે બી.કોમ કે બીબીએ હોય, પણ તેમને છોકરો તો સીએ કે એમબીએ જ જોઈતો હોય છે. સેલેરી પેકેજમાં પણ આ જ વાત લાગુ પડે છે.

આ ઉપરાંત, છોકરાની જો ટ્રાન્સફરેબલ જોબ હોય તો પણ છોકરીઓ તેને જલ્દી પરણવા માટે તૈયાર નથી થતી. છોકરાની પૈતૃક સંપત્તિ કેટલી છે તેની પણ ખાસ તપાસ થાય છે. કેટલાક કિસ્સામાં તો તેનું કેરેકટર કેવું છે તે જાણવા માટે ડિટેકિટવને પણ રોકવામાં આવે છે. છોકરીઓ પરણતા પહેલા જ મેરેજ કઈ રીતે કરવાના છે હનિમૂન પર કયાં જવાનું છે તે બધું લિસ્ટ પહેલાથી જ તૈયાર કરીને બેઠી હોય છે.

આ સમસ્યાનો પિયૂષ જેવા હજારો મધ્યમ વર્ગના યુવકના મા-બાપ આજે સામનો કરી રહ્યા છે. ટીવી અને ફિલ્મોનું ચલણ વધતા, અને સોશિયલ મીડિયામાં પણ લોકોનું શો-ઓફ જોઈ-જોઈને છોકરીઓની અપેક્ષાઓ એટલી બધી વધી રહી છે કે કયારેક તે તેમના માટે યોગ્ય સાથી પસંદ કરવામાં અને કયારેક લગ્ન ટકાવી રાખવામાં પણ બાધારુપ બને છે.

તેમાંય સૌથી વધુ મરો તો જે જ્ઞાતિમાં છોકરીઓની સંખ્યા ઓછી છે તેવા યુવકોને થાય છે. પૈસાદાર યુવકોનું તો આરામથી ગોઠવાઈ જાય છે, પરંતુ મધ્યમવર્ગના કે કારકિર્દી માટે સ્ટ્રગલ કરતા યુવકો માટે ઈચ્છિત પાત્ર મળવું ઘણું જ અઘરું પડી જાય છે. માટે જ આજે સમાજમાં કયાંય ગોઠવાતું ન હોય તેવા યુવકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે.

આજકાલ યંગસ્ટર્સને ઓનલાઈન પ્રેમ તો ફટાફટ થઈ જાય છે, પણ આવા રિલેશન્સનો અંત પણ તેનાથી પણ ફટાફટ આવી જાય છે. તાજેતરમાં જ ગુજરાત હાઈકોર્ટમાં પણ આવો એક કેસ આવ્યો હતો, જેમાં ઓનલાઈન પરિચયમાં આવેલું એક કપલ મેરેજ કર્યાના ગણતરીના દિવસોમાં જ છૂટું પડી ગયું હતું. છોકરા અને છોકરી બંનેને એકબીજા સાથે અપેક્ષાઓ અતિશય હોય છે, પણ કોમ્પ્રોમાઈઝ કરવા કોઈ તૈયાર નથી થતું, જેનાથી ડિવોર્સનું પ્રમાણ પણ વધી રહ્યું છે.(૨૧.૪)

(9:28 am IST)