Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

ભરૂચ જિલ્લામાં વિજ ચોરી ડામવા માટે 17 ગામોમાં 160 બિન કાયદેસર કનેકશન જપ્‍તઃ 45 લાખનો દંડ ફટકાર્યો

ભરૂચ : ભરૂચ જિલ્લાની વીજ કંપનીની વિજીલન્સ ટીમ દ્વારા વીજ ચોરી કરતા તત્વોને ડામવા માટે દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. વાલિયા તાલુકાનાં 17 ગામોમાં પાડેલા દરોડામાં 160 જેટલા બિનકાયદેસર કનેક્શન મળી આવ્યા હતા. બિનકાયદેસર વીજ વપરાશ કરતા ઝડપાયેલા ધારકોને 45 લાખનો દંડ ફટકાર્યો હતો. વીજીલન્સનાં દરોડાને પગલે અન્ય ગામોમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો. શનિવારે સવારે લોકોની ઉંઘ ઉડે તે પહેલા વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા.

વીજ કંપની દ્વારા વિજિલન્સની 56 ટીમો પોલીસ કાફલા સાથે પહોંચી ગઇ હતી. એક સામટા વાહનો ગામમાં ઘસી આવતા લોકોમાં દોડધામ મચી હતી. વિજીલન્સની ટીમોએ પાલેજ સબ સ્ટેશન વિસ્તારમાં આવતા 3 કિલોમીટરનાં સાંસરોદ, વલણ ગામે વિજિલન્સે સામુહિક દરોડા પાડ્યા હતા. 1100 જેટલા કનેક્શનનાં વીજ મીટરોનું ચેકિંગ હાથ ધરતા 60 જેટલા કનેક્શનની ગેરરીતિ સામે આવી હતી.બંન્ને ગામમાંથી વીજ કંપનીએ ચેકિંદગ દરમિયાન ચોરીમાં ઝડપાયેલા ગ્રાહકો રૂપિયા 28 લાખનો દંડ ફટકાર્યો હતો.

બીજી તરફ વાલીયા તાલુકામાં વિજિલન્સની ટીમોએ ધામા નાખ્યા હતા. આ ટીમોએ વાલિયા તાલુકાના દેસાડ, સોડગામ, ભમાડીયા, કરસાડ સહિતનાં 15 જેટલા ગામોમાં વીજ ચેકિંગ હાથ ધર્યું હતું. વીજ ચેકિંગની ટીમોના દરોડાને પગલે વીજચોરોમાં ફફડાટ વ્યાપ્યો છે. વીજ કંપનીનાં અધિકારીઓનાં હાથે ઝડપાયેલી ગેરરીતિ આચરનારા ગ્રાહકોને કુલ રૂપિયા 17.90 લાખનો દંડ ફટકાર્યો હતો. ગેરરીતિમાં ઝડપાયેલા મીટર અને સર્વિસ કેબલો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી આદરી છે.

(5:48 pm IST)