Gujarati News

Gujarati News

News of Monday, 20th January 2020

સગા નાનાભાઇના દુષ્કર્મથી બહેને બાળકીને જન્મ આપ્યો

ભાઇ-બહેનના સંબંધને લજવતી ઘટનાથી ચકચાર : સગા નાનાભાઇના કુકર્મથી જન્મેલ બાળકીને કચરાપેટીમાં ત્યજી દેવાઇ હતી : પોલીસ તપાસમાં ચોંકાવનારો ઘટસ્ફોટ

અમદાવાદ,તા. ૧૯ : સુરતના પનાસ ગામ પાસે કચરાપેટીમાંથી પતંગની દોરીમાં લપેટાયેલી નવજાત બાળકી મળી આવવાના ચકચારભર્યા પ્રકરણમાં બહુ ચોંકાવનારો અને શરમજનક ખુલાસો સામે આવ્યો છે કે, ખુદ ૧૮ વર્ષીય યુવતી પર તેના સગા નાનાભાઇએ જ દુષ્કર્મ આચરી તેણીને ગર્ભવતી બનાવી હતી અને સગા ભાઇના દુષ્કર્મને લઇ બહેનને નવજાત બાળકી જન્મતાં તેને કચરાપેટીમાં ત્યજી દેવાઇ હતી. ચકચારભર્યા આ પ્રકરણમાં ઉમરા પોલીસે ગુનો નોંધી આજુબાજુમાં રહેતી મહિલાઓની તપાસ કરી હતી. જેમાં ૧૮ વર્ષની યુવતીએ આ બાળકીને જન્મ આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે જ્યારે આ યુવતીની આકરી પૂછપરછ કરી ત્યારે આ ચોંકાવનારી વિગતો સામે આવી હતી.આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, સુરતના પનાસ ગામના એસએમસી ક્વાટર્સમાં રહેતી ધારા રમેશ ગોડસે (ઉ.વ.૧૫) શુક્રવારે સવારે નાસ્તો લેવા દુકાને ગઈ હતી.

    દરમ્યાન તેને રસ્તામાં એક કચરાપેટીમાં બાળકના રડવાનો અવાજ સંભળાયો હતો. તેણે નજીકની કચરાપેટીમાં જોતા એક બાળક પતંગની દોરીમાં લપેટાયેલું દેખાયું હતું. તેણે તેને બહાર કાઢીને પાસેની એક દુકાન પાસે બેસીને તેના ગળામાં વીંટાયેલા દોરા કાપ્યા હતાી તેમજ તેને કપડાં પહેરાવ્યા હતા. ધારા બાળકને દુકાન પાસે લઈને બેઠી હતી ત્યારે તેની માતા આવીને તેને પૂછ્યું કોનું બાળક છે. ત્યારે તેણે જવાબ આપ્યો કે, બાળક કચરા પેટીમાંથી મળ્યું છે. જેને પગલે ૧૦૮ને કોલ કરીને બોલાવતા પોલીસને જાણ કરી હતી. ૧૦૮ બાળકને સિવિલ હોસ્પિટલ લઈ ગઈ હતી. પોલીસે જણાવ્યું હતું કે, યુવતીના પિતા અવસાન પામેલા છે અને તે માતા-ભાઈ સાથે નાનીના ઘરે રહે છે.

            ઘરમાં બધા એક રૂમમાં સુવે છે. જેમાં તેના નાનાભાઈએ એકાદ વર્ષ પહેલા જાન્યુઆરીમાં તેની સાથે જબરદસ્તી કરી હતી. ત્યાર પછી આવી હરકતો નાનાભાઈએ કરીને અવાર નવાર કરી હતી. જેના કારણે તે ગર્ભવતી બની હતી. યુવતીએ બાળકીને જન્મ આપી પોતાની જાતે નાળ કાપી નાખી લોહીવાળા કપડા પણ ધોઈ નાંખ્યા હતા. બાળકી રડે નહીં તે માટે મોઢે હાથ મૂકીને કચરાપેટીમાં નાંખી દીધી હતી.

ઉમરા પોલીસે ભોગ બનનારની ફરિયાદ લઈને તેના ૧૭ વર્ષીય નાના ભાઈ સામે દુષ્કર્મનો ગુનો નોંધ્યો છે. હાલમાં ૧૭ વર્ષીય કિશોરને પોલીસે પૂછપરછ શરૂ કરી છે અને તેનું મેડિકલ કરાવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ શરૂ કરી છે. પોલીસે વધુમાં જણાવ્યું હતું કે, જો બાળકીને પરિવાર ન સ્વીકારે તો બાળગૃહમાં મોકલી આપવામાં આવશે. જો કે, આ બનાવને પગલે સભ્ય સમાજમાં ભારે ચકચાર મચી ગઇ છે. 

(9:26 pm IST)