Gujarati News

Gujarati News

News of Saturday, 20th January 2018

સાયબર સિકયોરીટીનું ચેપ્ટર સમાવવાની સક્રિય વિચારણા

મહારાષ્ટ્ર -યૂપીમાં સાયબર ક્રાઇમના સૌથી વધુ કેસો : ધોરણ-આઠ, નવમાં વિષય તરીકે સામેલ કરવા વિચારણા ૩૦મીએ સાયબર સેલના અધિકારીઓને તાલીમ અપાશે

અમદાવાદ,તા. ૨૦ :     સાયબર સીક્યોરીટી વિષય પર મીડિયાપર્સન્સ માટે યોજાયેલા સેમીનાર દરમ્યાન રક્ષાશકિત યુનિવર્સિટીના ડાયરેકટ જનરલ વિકાસ સહાયે એક મહત્વના મુદ્દે જણાવ્યું હતું કે, આવનારી પેઢીઓની સુરક્ષા અને બાળકોને નાનપણથી જ સાયબર થ્રેટસ, એટેક અને ક્રાઇમનો ભોગ બનતા અટકાવી શકાય તે માટે તેઓને શિક્ષણકાળથી જ સાયબર સીકયોરીટી વિશે જો જાગૃત કરાય અને જાણકારી-નોલેજ અપાય તો તે વધુ અસરકારક રહે તેમ છે. આ કારણથી જ રક્ષા શકિત યુનિવર્સિટી દ્વારા સાયબર સીકયોરીટી વિષય અંગેનું એક ચેપ્ટર ધોરણ-૮ અને ૯ના અભ્યાસથી બાળકોના અભ્યાસક્રમમાં સામેલ કરવામાં આવે તે અંગે રાજયના શિક્ષણવિભાગ અને સરકારના સત્તાવાળાઓ સાથે ચર્ચા વિચારણા ચાલી રહી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રક્ષાશકિત યુનિવર્સિટી દ્વારા ઇસીએસના સહયોગથી તા.૩૦મી જાન્યુઆરીના રોજ રાજયના સીઆઇડી ક્રાઇમના સાયબર સેલના અધિકારીઓ અને કર્મચારીઓને સાયબર સીકયોરીટી, સાયબર એટેક અને થ્રેટ્સ સહિતના વિષયો પર ઉપયોગી અને જાણકારી માટે ખાસ તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં તમામ કર્મચારીઓ-અધિકારીઓને સાયબર ક્ષેત્રના જ્ઞાન અને માર્ગદર્શનથી સજ્જ કરવામાં આવશે. આ સિવાય રાજયના તમામ પોલીસ જવાનોને પણ સાયરબ સીકયોરીટી સહિતના તમામ મુદ્દાઓથી જ્ઞાનસભર અને સજ્જ કરવાનું આયોજન છે જો કે, તે અંગે તબક્કાવાર કામગીરી હાથ ધરવામાં આવશે. આ સિવાય આગામી સમયમાં અમદાવાદ શહેર સહિત રાજયના મોટા શહેરોની શાળા-કોલેજોમાં પણ સાયબર સીકયોરીટી વિશે જાગૃતતા અને માહિતીવર્ધક જાણકારી આપવાની ઝુંબેશ ચલાવવામાં આવશે.  દરમ્યાન સાયબર નિષ્ણાત અને ઇસીએસ ઇન્ફોટેકના સીઇઓ વિજય મંડોરાએ જણાવ્યું હતું કે, દેશમાં સૌથી વધુ સાયબર ક્રાઇમ અને એટેકના કેસો મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશમાં નોંધાય છે, દેશભરમાં સાયબર ક્રાઇમના કેસોમાં ગંભીર અને ચિંતાજનક હદે વધારો થઇ રહ્યો છે. છેલ્લા પાંચ વર્ષમાં મહારાષ્ટ્રમાં સાયબર ક્રાઇમના છ હજાર કેસો નોંધાયા હતા, તો, ઉત્તરપ્રદેશમાં સાયબર ક્રાઇમના પાંચ હજાર જેટલા કેસો નોંધાયા હતા. તેમણે ઉમેર્યું હતું કે, હવે કોમ્પ્યુટર યુગમાં આઇપીસી કલમો હેઠળના ગુનાની સરખામણીએ આઇટી એકટના ગુનાઓનો આંક વધુ ઉંચો જઇ રહ્યો છે, ખાસ કરીને સાયબર ક્રાઇમ. ઉલ્લેખનીય છે કે, રાજયની રક્ષાશકિત યુનિવર્સિટી આંતરિક સુરક્ષાથી માંડીને સાયબર સુરક્ષા ઉપરાંત વિવિધ ગુનાઓના ઉકેલ માટે ટેકનોલોજીના ઉપયોગ સહિતના જ્ઞાન-માર્ગદર્શન માટે વિવિધ અભ્યાસક્રમો ચલાવે છે. એટલું જ નહી, પોલીસ તંત્ર સહિત ઇન્ટેલીજન્સ શાખાઓ અને અન્ય વિભાગોના કર્મચારીઓ-અધિકારીઓ માટે આ મુદ્દે સમયાંતરે તાલીમ શિબિર પણ યોજે છે.

(7:23 pm IST)