Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

અમદાવાદમાં ટીવીએસ ટ્રાન્‍સફર ટ્રેલર કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતિને ઓફિસે બોલાવતી અને નાનો ભાઇ દુષ્‍કર્મ આચરતો

અમદાવાદ: અમદાવાદ શહેરના ઈસનપુર વિસ્તારમાં ટી.વી.એસ ટ્રાન્સફર ટ્રેલર કંપનીની ઓફિસના માલિકની બહેન કામના બહાને રજાના દિવસે યુવતીને જોબ પર બોલાવતી અને નાનો ભાઈ યુવતી પર દુષ્કર્મ આચરતો હતો.

નોકરી અને પગાર જવાના ડરથી યુવતી આરોપીની હેવાનીયત સામે મૂકપ્રેક્ષક બની ગઈ હતી. કંપનીના માલિકના નાનાભાઈએ કરેલા બળાત્કારને પગલે યુવતી ગર્ભવતી થઈ હતી. આરોપીઓએ 6 દિવસ સુધી યુવતીને બારેજા સ્થિત તેઓના મકાનમાં ગોંધી રાખી બાદમાં ઘરે મૂકી ગયા હતા.

મૂળ હરિયાણાની 19 વર્ષીય રેશ્મા (નામ બદલ્યું છે) માતા-પિતા, બહેન અને અપંગ ભાઈ સાથે નારોલ વિસ્તારમાં રહે છે. રેશ્માએ ઈસનપુર ચાર રસ્તા પાસે અમીન કોમ્પ્લેક્ષમાં આવેલી ટી.વી.એસ ટ્રેલર નામની કંપનીની ઓફિસના માલિક સન્ની ઉપ્પલ, તેના ભાઈ સુમિત ઉપ્પલ , પિતા રાકેશ ઉપ્પલ (તમામ રહે, શરણમ ફ્લેટ, બારેજા) અને બહેન રિયા ઉર્ફ શેફાલી સમીરભાઈ (રહે, આકૃતિ ફ્લેટ, નારોલ) વિરુદ્ધ દુષ્કર્મ અને એકબીજાની મદદગારી કરી ગોંધી રાખવા વગેરે કલમો હેઠળ ઈસનપુર પોલીસ સ્ટેશનમાં શુક્રવારે ફરિયાદ કરી છે.

પોલીસ ફરિયાદ મુજબ, જૂન-2019માં રેશ્માએ કંપનીની ઓફિસમાં માલિક સન્ની ઉપ્પલને નોકરી માટે ઇન્ટરવ્યૂ આપ્યો હતો. જેમાં તેનો પગાર મહિનાનો રૂ. 8 હજાર, અઠવાડિયાના 5 દિવસની નોકરી અને બે દિવસની રજા સાથે જોબ શરૂ થઈ હતી. કંપનીમાં સન્ની ઉપ્પલની બહેન રિયા અને ભાઈ સુમિત પણ આવતા હતા.

નોકરી દરમિયાન સુમિત સાથે ઘરોબો અને વાતચીત થતાં તે ધીરે-ધીરે રેશ્મા જોડે છેડછાડ કરતો થયો હતો, પરંતુ માલિકનો ભાઈ હોવાથી રેશ્મા તે બાબતને નજરઅંદાજ કરતી હતી. રેશ્માને રિયા પણ વાતવાતમાં કહેતી કે, સુમિત કહે તેમ તારે કરવાનું, હું તને બોલાવું ત્યારે તારે આવી જવાનું.

ઓગસ્ટ-2019માં રેશ્માને ફોન કરી રિયાએ ઓફિસ બોલાવી અને પોતે નીકળી ગઈ હતી. રેશ્મા ઓફિસ પહોંચી ત્યારે સુમિતે એકલતાનો લાભ લઇ રેશ્મા પર દુષ્કર્મ આચર્યું હતુ. બાદમાં ધમકી આપી કે, આ વાત કોઈને કરી તો ભાઈ સન્નીને કહી તારો પગાર અટકાવી દઈશ. આવું ફરી રજાના દિવસે રિયાએ કર્યું અને ફરી સુમિતે રેશ્મા પર ઓફિસમાં બળાત્કાર કર્યો હતો.

રેશ્માએ નવેમ્બર-2019માં પગાર માંગતા સન્ની અને સુમિતે આવતા મહિને આપી દઈશું તેવો જવાબ આપ્યો હતો. આથી રેશ્માએ રૂ.12 હજારના બાકી પગાર સાથે નોકરી છોડી દીધી હતી.

ડિસેમ્બર-2019થી માર્ચ-2020 સુધી રેશ્માએ બીજા સ્થળે જમાલપુરમાં નોકરી કરી હતી. રેશ્મા પોતાનો બાકી પગાર લેવા અવારનવાર સન્ની અને સુમિત પાસે જતી પણ તેઓ પગાર આપતા ન હતા. જૂન-2020માં લોકડાઉન ખુલતા સુમિતે ફોન કરી નોકરી આવી જવા અને બાકીનો પગાર ચૂકવી દેશે તેવી ખાતરી આપી હતી.

જૂનમાં રેશ્માએ ફરી નોકરી શરૂ કરતાં 6,000 હજાર રૂપિયા સુમિતે આપ્યા બાકીની રકમ ટૂકડે-ટૂકડે આપી દેશે તેમ જણાવ્યું હતું. જૂનના પહેલા અઠવાડિયાથી લઈ ગત તા. 10 નવેમ્બર,2020 દરમિયાન દર શનિવારે અને રવિવારે સુમિત રિયા થકી રેશ્માને કામના બહાને ઓફિસ બોલાવતો અને પગાર નહી આપું, બહેનને ઉઠાવી લઈશ તેવી ધમકી આપી બળજબરી કરી રેશ્મા સાથે શારીરિક સબંધ બાંધતો હતો.

ગત તા.16-11-2020ના રોજ રેશ્મા હરિયાણા ખાતે પ્રસંગમાં ગઈ હતી. તે સમયે સુમિતે ફોન કરી ઓફિસ આવી પગાર લઈ જવા કહ્યું હતું. રેશ્મા ફોન ના ઉપાડે તો તેની મમ્મીને સુમિત ફોન કરી પગારની વાત કરતો હતો. ગત તા.11-12-2020ના રોજ રેશ્મા પગાર લેવા ગઈ તો ઓફિસ બંધ હતી. સુમિત ત્યાં પહોંચ્યો અને રેશ્માને પગારના બહાને પોતાના બારેજા ખાતેના ઘરે લઈ ગયો હતો.

તે સમયે ત્યાં સન્ની, તેના પિતા રાકેશ ઉપ્પલ, સુમિતનો ભાઈ પુનિત અને સન્નીનો પુત્ર હાજર હતા. રેશ્માએ પગારની વાત કરતા સન્ની ઉપ્પલે તારે મારા ભાઈ સુમિત જોડે 6 દિવસ રહેવું પડશે તો પગાર મળશે તેમ જણાવ્યું હતું. આથી રેશ્માએ તેની માતાને ફોન લગાવતા સુમિતે ફોન લઈ સ્વિચ ઓફ કર્યો હતો.

રેશ્માને આરોપીઓએ 6 દિવસ ગોંધી રાખી તેની માતા સાથે વાત પણ ના કરાવી અને ઘરે પણ જવા દીધી ન હતી. રેશ્મા સાથે સુમિતએ બારેજા ખાતે પણ પગાર નહી આપું તેમ કહી બળાત્કાર કર્યો હતો.

(4:50 pm IST)