Gujarati News

Gujarati News

News of Saturday, 19th December 2020

વિધાનસભામાં લઘુમતી સમાજના પ્રશ્નોને વાચા આપનાર ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ જારી કરાશે

રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવા માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટીની માંગ

અમદાવાદ : 18મી ડિસેમ્બર આંતરરાષ્ટ્રીય લઘુમતી દિવસ નિમિતે ગુજરાતમાં માઈનોરિટી કોરડીનેશન કમિટિ (MCC) તરફથી જાહેરાત કરવામાં આવી છે કે આ વર્ષથી ગુજરાતનાં ધારાસભ્યોના રિપોર્ટ કાર્ડ જારી કરવામાં આવશે. જે ધારાસભ્ય લઘુમતી સમાજનાં પ્રશ્ન વધુ સંખ્યામાં વિધાનસભામાં ઉઠાવશે તેના નામ સાર્વજનિક મંચથી લેવામાં આવશે

    MCCના કન્વીનર મુજાહિદ નફીસે જણાવ્યું હતું કે વર્ષ 2009-10માં ભારતના મુસ્લિમ પુરુષ (ગ્રામીણ)ની બેરોજગારીની દર 1.9 % હતી જે 2017-18 માં વધી ને 6.7% થઇ ગઈ છે. મુસ્લિમ પુરુષ (શહરી)ની બેરોજગારીની દર 2009-10 માં 2.5% હતી જે 2017-18 માં વધીને 7.5% થઈ ગઈ છે.

માઈનોરીટી કો- ઓર્ડીનેશન કમિટીએ માંગ કરી છે કે રાજ્યમાં લઘુમતી કલ્યાણ મંત્રાલયની (વિભાગ) સ્થાપના કરવામાં આવે,રાજ્યના બજેટમાં લઘુમતી સમુદાયના વિકાસ માટે નક્કર રકમની ફાળવણી કરવામાં આવે. રાજ્યમાં લઘુમતી આયોગની રચના કરવામાં આવે અને તેને બંધારણીય મજબૂતી માટેનું વિધેયક વિધાનસભામાં પસાર કરવામાં આવે. રાજ્યના લઘુમતી બહુસંખ્યા ધરાવતા વિસ્તારોમાં ધોરણ 12 સુધીની સરકારી શાળાઓ ખોલવામાં આવે. મદ્રસાના શિક્ષણને ગુજરાત બોર્ડની સમકક્ષ માન્યતા આપવામાં આવે,લઘુમતી સમુદાયના ઉત્થાન માટે વિશેષ આર્થિક પેકેજ આપવામાં આવે. સાંપ્રદાયિક હિંસાથી વિસ્થાપિત લોકોના પુન:ર્વસન માટે સરકાર નીતિ બનાવે.વડાપ્રધાનના નવા 15 મુદ્દાના કાર્યક્રમનો સંપૂર્ણપણે અમલ કરવામાં આવે.લઘુમતી સમુદાય માટે The Minorities (Prevention of Atrocities) Act બનાવવામાં આવે. મોબ લીંચિંગ જેવી ઘટનાઓ વિરુધ્ધ કડક કાયદો બનાવવામાં આવે

ગુજરાતમાં મુસ્લિમ સમુદાયની છોકરીઓ 1-5 ધોરણમાં 10.58% ડ્રોપ આઉટ થઇ રહી છે. છતાં પણ સરકાર તેની ઉપર કોઈ નક્કર કામગીરી ન કરવામાં આવતી હોવાનો આક્ષેપ કરાયો છે. રાજયમાં લઘુમતી કલ્યાણ મંત્રાલય નથી.

લઘુમતી વિસ્તારોમાં 12 ધોરણ સુધીની શાળા ખોલવી જોઈએ જેથી ડ્રોપ આઉટ સંખ્યા ઓછી થઈ શકે અને આ પાછલા સમાજ પણ રાજ્ય અને દેશનાં વિકાસમાં સક્રીય યોગદાન આપી શકે

(9:05 pm IST)