Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

વડગામ ધારાસભ્ય મેવાણીનો પહેલા દિનથી જોરદાર સપાટો

મેવાણીની પ્રજાને આપેલા વચનોની કટિબધ્ધતાઃ વડગામ તેમજ આસપાસના વિસ્તારોના રોડ-રસ્તા અને પાણીના પ્રશ્ને બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર સુપ્રત

અમદાવાદ, તા.૧૯, વડગામ બેઠક પરથી અપક્ષ તરીકે ભવ્ય વિજય હાંસલ કરનાર દલિત યુવા નેતા અને વિજયી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ચૂંટણી જીત્યાના પહેલા જ દિવસથી પોતાની કામગીરી શરૃ કરી દીધી હતી અને સપાટો બોલાવ્યો હતો. પહેલા જ દિવસથી કામગીરી કરવાના દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીની કમીટમેન્ટની ગુજરાતના રાજકારણથી લઇ રાજયના પ્રજાજનોનોમાં પણ જોરદાર નોંધ લેવાઇ છે. વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આજે વડગામ અને તેની આસપાસના વિસ્તારોના રોડ-રસ્તા અને પાણીના પ્રશ્ને બનાસકાંઠા કલેકટરને આવેદનપત્ર સુપ્રત કરી સમસ્યાનું નિવારણ લાવવા માંગણી કરી હતી. મેવાણીએ કલેકટરને સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમે પ્રજાની સમસ્યાના નિવારણ માટે પૂરતો સમય લો પરતુ તેનો ઉકેલ લાવો. જો સમયસર ઉકેલ નહી આવે તો તેમને રસ્તા પર ઉતરી આંદોલન કરતા આવડે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો ગઇકાલે જાહેર થઇ ગયા. ભાજપ જીત્યુ અને કોંગ્રસ હાર્યુ પરંતુ બંને પક્ષના ઉમેદવારો ચૂંટણી પ્રચાર અને છેલ્લા બે-ત્રણ મહિનાની જોરદાર મહેનત બાદ થાક ખાવામાં અથવા તો નવરાશ પળો માણવામાં પડયા હોય ત્યારે બીજીબાજુ, વડગામના અપક્ષ ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા દલિત યુવા નેતા જીગ્નેશ મેવાણીએ આજે પહેલા જ દિવસથી તેમના વિસ્તારની સમસ્યાઓ અને પ્રશ્નો હાથ પર લીધા હતા. મેવાણીએ સ્થાનિક લોકોની રજૂતાત અને સમસ્યાઓ સાંભળીને મહિલાઓ તરફથી જે સમસ્યા તાત્કાલિક ઉકેલવા માંગણી કરાઇ હતી તે રોડ રસ્તા અને પાણીની હતી. જેથી જીગ્નેશ મેવાણી આજે તેમના સમર્થકો અને સ્થાનિક આગેવાનો સાથે બનાસકાંઠા જિલ્લા કલેકટરને રૃબરૃ મળ્યા હતા અને તેમને આ વિસ્તારની સમસ્યાઓ ખાસ કરીને રોડ-રસ્તા અને પાણીના પ્રશ્ને તાત્કાલિક નિવારણ લાવવા રજૂઆત અને માંગણી કરી હતી. મેવાણીએ કલકેટરને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તમારે સમસ્યાઓના નિવારણ માટે સમય જોઇતો હોય તો પૂરતો સમય લો, પંદર દિવસ, એક મહિનો, દોઢ મહિનો પરંતુ સ્થાનિક પ્રજાના પ્રશ્નોનો ઉકેલ લાવો. જો સમસ્યાનું તાકીદે નિરાકરણ નહી આવે તો અમને રસ્તા પર ઉતરતા પણ આવડે છે એમ કહી મેવાણીએ બનાસકાંઠા કલેકટરને તેમના આંદોલનકારી તરીકેના મિજાજમાં ચીમકી પણ આપી હતી.

(9:57 pm IST)