Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સીએ તેહમુલના આગોતરા જામીન પર ગુરૂવારે ચુકાદો

૬.૮૫ કરોડની નાણાંકીય ઉચાપતના કેસમાં : આરોપી તેહમુલ શેઠનાએ તેના માણસોની મદદથી અન્ય વ્યકિતઓની સાથે છેતરપીંડી આચરી હોઇ શકે : સરકાર

અમદાવાદ, તા.૧૯ : એન્વાયર્નમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ટ્રસ્ટી તરીકે અન્ય ટ્રસ્ટીઓની જાણ બહાર ટ્રસ્ટના શહેરની સાઉથ ઇન્ડિયન બેંક લિ.ના ખાતામાંથી  રૂ.૬.૮૫ કરોડની નાણાંકીય ઉચાપત કરવાના ચકચારભર્યા કેસમાં આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાની આગોતરા જામીન અરજીમાં એડિશનલ સેશન્સ જજ એસ.એલ.ઠક્કરે પોતાનો ચુકાદો આવતીકાલ પર મુકરર કર્યો છે. આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાની આગોતરા જામીનઅરજીનો વિરોધ કરતાં મુખ્ય સરકારી વકીલ સુધીર બી.બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, એન્વાયર્નમેન્ટ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરમાં ફરિયાદી શિવાંગી અમિતભાઇ પંચાલ, તેમના પિતા પન્નાલાલ મોદી અને બહેન પારૂલ મોદી ટ્રસ્ટી તરીકે હતા. ફરિયાદી શિવાંગીબહેનના પિતાનું નિધન થતાં ટ્રસ્ટમાં તેઓ મહિલા જ ટ્રસ્ટી તરીકે બચ્યા હોઇ ટ્રસ્ટનો વહીવટ સારી રીતે સંભાળી શકાય તે હેતુથી તેમણે કુટુંબના વિશ્વાસુ મિત્ર અને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાને એપ્રિલ-૨૦૦૬થી ટ્રસ્ટી તરીકે નીમી તેમને ટ્રસ્ટનો વહીવટ સોંપ્યો હતો. બાદમાં આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તેહમુલ શેઠનાએ ફરિયાદી શિવાંગી પંચાલ અને તેમના બહેન પારૂલબહેનને વિસ્વાસમાં લઇ તેમની જાણ બહાર ખાતુ ખોલાવવા માટે એકાઉન્ટ ઓપનીંગ ફોર્મમાં સહીઓ લઇ સાઉથ ઇન્ડિયન બેંક લિમિટેડ બેંકમાંથી ખાતુ ખોલાવ્યું હતું. આરોપી તેહમુલ શેઠનાએ આ બંને ટ્રસ્ટી મહિલાઓની જાણ બહાર ખાતામાંથી આશરે રૂ.૬.૮૫ કરોડના વ્યવહારો કરી  બેંકમાંથી આરોપી તેહમુલ શેઠનાએ જાતે, તેમના પીએ વિજય સોલંકી અને અન્ય મળતીયા માણસો દ્વારા આ કરોડો રૂપિયા ઉપાડી લઇ ફરિયાદી ટ્રસ્ટ, તેની બંને ટ્ર્સ્ટી મહિલાઓ સાથે ગંભીર વિશ્વાસઘાત અને છેતરપીંડી આચર્યા છે. મુખ્ય સરકારી વકીલ સુધીર બ્રહ્મભટ્ટે કોર્ટનું ધ્યાન દોર્યું હતું કે, આરોપી તેહમુલ શેઠનાએ તેના માણસોની મદદથી અન્ય વ્યકિતઓ સાથે પણ આ જ પ્રકારની નાણાંકીય છેતરપીંડી આચરી હોવાની શકયતા નકારી શકાય તેમ નથી.  ભારત દેશમાં આર્થિક ગુનાઓનું પ્રમાણ ચિંતાજનક હદે વધી રહ્યું છે ત્યારે આવા વ્હાઇટ કોલર ક્રાઇમને કોર્ટે સહેજપણ હળવાશથી લેવો જોઇએ નહી. જો આરોપીના આગોતરા જામીન મંજૂર કરાય તો તેના દ્વારા કેસના સાક્ષીઓ અને પુરાવાઓ સાથે ચેડા થવાની શકયતા પણ નકારી શકાય તેમ નથી. આ સંજોગોમાં કોર્ટે આરોપી ચાર્ટર્ડ એકાઉન્ટ તેહમુલ શેઠનાની આગોતરા જામીન અરજી ફગાવી દેવી જોઇએ. સરકારપક્ષની આ દલીલો ધ્યાનમાં લીધા બાદ કોર્ટે આરોપી સી.એ તેહમુલ શેઠનાના આગોતરા જામીન અરજી પરનો ચુકાદો આવતીકાલ પર મુકરર કર્યો છે.

(8:43 pm IST)