Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સલામતી માટે ચાઇનીઝ દોરી અને તુક્કલ ઉપર પ્રતિબંધ જારી

પોલીસ કમિશનરે જાહેરનામું જારી કર્યું : ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ : જાહેરનામાનો ભંગ કરનાર સામે કાર્યવાહી

અમદાવાદ, તા.૧૯ : છેલ્લા કેટલાક વર્ષોથી ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધની પ્રથા અમલી બની છે. ઉત્તરાયણનો તહેવાર નજીક આવતાં અમદાવાદ શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘે પણ શહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલ પર પ્રતિબંધ ફરમાવ્યો છે. તા.૧૬મી જાન્યુઆરી,૨૦૧૮ સુધી આ જાહેરનામાનો અમલ જારી રહેશે. પોલીસ કમિશનરના આ જાહેરનામાને પગલે હવે શહેરમાં ચાઇનીઝ દોરી અને તુક્કલના વેચાણ, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ રહેશે.શહેર પોલીસ કમિશનર એ.કે.સિંઘ દ્વારા જારી જાહેરનામામાં જણાવાયું છે કે, છેલ્લા કેટલાક વર્ષોથી સ્કાય લેન્ટર્ન(ચાઇનીઝ તુકકલ) ઉડાડવાની પ્રથા શરૂ થઇ છે પરંતુ આવા પ્રકારના સ્કાય લેન્ટર્ન ઉડાડવાથી કોઇ મોટી દુર્ઘટના અથવા જાનહાનિનો બનાવ બની શકે તેમ હોય છે. જે જાહેર સલામતી અને સુરક્ષા માટે જોખમરૂપ હોય છે. સ્કાય લેન્ટર્નના ઉપયોગથી પર્યાવરણને પણ નુકસાન થતુ હોય છે. જેથી અમદાવાદ શહેરની જાહેર સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં લઇ સ્કાય લેન્ટર્નના ઉપયોગ અંગે વાજબી પ્રતિબંધ મૂકવો જરૂરી જણાય છે. ઉપરાંત, કોઇ વ્યકિત, પશુ, પક્ષી, કોઇ મિલકતને ભય, ઇજા કે, નુકસાન થાય તેવી રીતે પતંગ ઉડાડવા પણ પ્રતિબંધ મૂકવામાં આવે છે. પોલીસ કમિશનરે સીઆરપીસીની કલમ-૧૪૪ અને ગુજરાત પોલીસ એકટની કલમ-૩૩(૩)(યુ), ૧૧૩ અન્વયે અમદાવાદ શહેર વિસ્તારમાં સ્કાય લેન્ટર્ન(ચાઇનીઝ તુક્કલ)ના આયાત, ઉત્પાદન, વેચાણ, વેપાર, સંગ્રહ અને ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવ્યો હતો. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યકિત વિરૂધ્ધ આઇપીસી કલમ-૧૮૮ અને ગુજરાત પોલીસએકટની કલમ-૧૩૧,૧૧૭ મુજબ શિક્ષાત્મક અને કાયદાનુસાર કાર્યવાહી કરવામાં આવશે.

(8:44 pm IST)