Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

સુરતમાં મતગણતરી દરમિયાન હેડ કોન્સ્ટેબલની તબિયત લથડતા મોત

સુરત:શહેરના મજુરાગેટ, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પરના બંદોબસ્ત દરમિયાન ઉમરપાડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલની અચાનક તબિયત લથડયા બાદ તેમનું મોત નીપજ્યું હતું.

પ્રાપ્ત માહિતી મુજબ કામરેજ ગામમાં આવેલા શુભમંગલ એપાર્ટમેન્ટમાં રહેતા હેડ કોન્સ્ટેબલ દીપચંદ નવલસિંહ બારીયા (ઉં.વ. ૪૫) ઉમરપાડા પોલીસ મથકમાં ફરજ બજાવતા હતા. આજરોજ મજુરાગેટ, ગાંધી એન્જિનિયરિંગ કોલેજ ખાતે મતગણતરી કેન્દ્ર પર તેમની ડયૂટી હતી. દરમિયાન અચાનક તેમને લોહીની ઊલટી થયા બાદ તબિયત લથડી ગઈ હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તબીબોએ તેમને મૃત ઘોષિત કર્યા હતા. મૃતક દીપચંદ બારિયાને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમના અકાળે મોતથી પરિવારમાં શોક છવાઈ ગયો છે.

પીએમ કરનાર ડો. આર. ડી. બર્મને કહ્યંુ હતું કે, દીપચંદ બારિયાના ફેફસાં અને શ્વાસનળીમાં લોહી જવાથી મોત થયું હતું. દીપચંદ બારિયાને પેટની બીમારી હતી. આજરોજ પેટમાં નળી ફાટી જતા લોહી નીકળ્યું હતું. જેને લીધે લોહીની ઊલટીઓ થઈ હતી. જે લોહી ફેફસાં અને શ્વાસનળીમાં જવાથી તેઓ મોતને ભેટયા હતા. બનાવ અંગે ઉમરા પોલીસ તપાસ કરી રહી છે.

(5:05 pm IST)