Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કોલેજ જવાને લઈને પિતાએ ઠપકો આપતા સુરતી વિદ્યાર્થીએ એસિડ ગટગટાવ્યું

સુરત: શહેરમાં કોલેજ જવાને લઈ પિતાએ આપેલા ઠપકા બાદ ગોડાદરા વિસ્તારના બી.કોમ.ના વિદ્યાર્થીએ એસિડ ગટગટાવી આપઘાત કરી લીધો હતો.

પ્રાપ્ત માહિતી મુજબ સુરતના ગોડાદરા ખાતેની શિવકૃપા સોસાયટીમાં રહેતો તુષાર સુનિલ કોષ્ટી (ઉં.વ.૧૮) ભેસ્તાનમાં આવેલી જી.એન. પંડયા કોલેજમાં એફ.વાય.બી.કોમ.માં અભ્યાસ કરતો હતો. દરમિયાન આજે સવારે તેણે ઘરમાં એસિડ ગટગટાવી લીધું હતું. તુષારે એસિડ પી લીધું હોવાની જાણ થતા પરિવારજનોએ તેને ૧૦૮-એમ્બ્યુલન્સમાં સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડયો હતો, જ્યાં તબીબોએ તુષારને મૃત જાહેર કર્યો હતો. મૃતક તુષારનો બીજો એક ભાઈ છે. તુષારના અણધાર્યા પગલાં બાદ પરિવારજનોમાં શોક છવાઈ ગયો છે.

પોલીસે જણાવ્યું હતું કે, તુષાર કોલેજમાં જતો નહીં હોઇ પિતાએ તેને કામધંધો કરવાને લઈ ઠપકો આપ્યો હતો. જેને લીધે તેણે માઠું લાગી આવતા આજે સવારે ઘરમાં એસિડ પી જીવનનો અંત આણ્યો હતો. બનાવ અંગે લિંબાયત પોલીસ તપાસ કરી રહી છે.

(5:05 pm IST)