Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

નવા મુખ્યમંત્રી માટે પહાડી પડકારોઃ સંસદની ચૂંટણી અને આંદોલનો

કોંગ્રેસ મજબૂત સ્થિતિમાં આવી ગઇ હોવાથી ગૃહની અંદર અને બહાર સરકારની અગ્નિપરીક્ષા : રાજયની આર્થિક સ્થિતિ અને ખેડૂતોના પ્રશ્નો મુંઝવનારાઃ પોતાના ધારાસભ્યોને સાચવવાનું પણ અઘરૂ

રાજકોટ તા.૧૯ : ગુજરાતમાં ફરી ભાજપને બહુમતી મળતા હવે નવા મુખ્યમંત્રી કોણ ? તે તરફ સૌનુ ધ્યાન ખેંચયુ છે. આવતા પ વર્ષ માટે મુખ્યમંત્રી પદે ગમે તે રહે પરંતુ તેની સામે પહાડ જેવડા પડકારો રહેવાના છે. વડાપ્રધાન અને પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખના વતનના રાજયમાં ભાજપની બહુમતી ઘટીને બે આંકડે (૯૯) આવી ગઇ હોવાથી નવા મુખ્યમંત્રી માટે અવાર-નવાર અગ્નિપરીક્ષા થતી રહેશે.

કોંગ્રેસ પ૭માંથી વધીને ૮૦ની મજબૂત સ્થિતિમાં આવી ગઇ હોવાથી વિધાનસભા અંદર અને બહાર લોકપ્રશ્નોને આગળ કરીને સરકારને ભીડવશે. અમૂક જિલ્લાઓમાં તો ભાજપના એક પણ ધારાસભ્ય ચૂંટાયા નથી તેથી ત્યાં ભાજપની રાજકીય પરિસ્થિતિ વધુ કપરી થશે.

સંખ્યા બળની દ્રષ્ટિએ ભાજપની મર્યાદા ઉપરાંત જુદા જુદા પ્રકારના આંદોલનો ચાલુ રહેવાના અણસાર છે. સરકાર માટે આ આંદોલનો સતત જાગતા રહેવા જેવા હશે. ઉપરાંત રાજ્યની આર્થિક સ્થિતિ સંતોષકારક નથી. ખેડૂતોના પ્રશ્નો સરકારને મુંઝવી રહ્યા છે. ૧૪ મહિના પછી લોકસભાની ચૂંટણી આવી રહી છે. હાલ ગુજરાતની તમામ ૨૬ લોકસભા બેઠકો ભાજપ હસ્તક છે. ભાજપ માટે અત્યારે છે તેના કરતા સ્થિતિ સુધરે નહિ તો તમામ બેઠકો જાળવવી અઘરી થઈ જશે. ભાજપ માટે પોતાના ધારાસભ્યોને સંતુષ્ટ રાખવા એ પણ એક પડકાર ગણાય છે. એકદમ પાંખી બહુમતી હોવાથી ધારાસભ્યોની નારાજગી ગમે ત્યારે રાજકીય પ્રવાહી સ્થિતિ સર્જી શકે છે. આ બધી સંભાવના ધ્યાને લેતા નવા મુખ્યમંત્રીનો માર્ગ ખૂબ સંઘર્ષમય બની રહેવાનું નિશ્ચિત છે.

(3:44 pm IST)