Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ભાજપ - કોંગ્રેસની કઇ મહિલા ઉમેદવારોનો થયો વિજય?

ભાજપના ૯ અને કોંગ્રેસના ૩ મહિલા ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ૧૮૨ સીટોનું સોમવારે પરિણામ જાહેર થયું. જોકે તેમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસ નથી. વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ૧૨ અને કોંગ્રેસે ૯ મહિલાઓને ટિકિટ ફાળવી હતી. જેમાંથી ભાજપના ૯ અને કોંગ્રેસના ૩ મહિલા ઉમેદવારો જીતવામાં સફળ રહ્યા છે. ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકસભાની તમામ ૨૬ સીટો પર મહિલાઓને પ્રાધાન્ય આપવા અંગે નિવેદન કર્યું હતું. ઉંઝા અને વાવ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારો હરાવીને સૌથી મોટું આશ્યર્ય સર્જયું છે.

કાલોલઃ ભાજપના ઉમેદવાર સુમનબેન ચૌહાણ ૧૦૩૦૨૮ વોટ મેળવી વિજેતા બન્યા. જયારે કોંગ્રેસના ઉમેદવાર પરમાર પ્રદ્યુમનને ૫૩૭૫૧ વોટથી સંતોષ માનવો પડ્યો. કાલોલ સીટ પર ત્રીજા નંબરે રહેલા નોટાને ૪૧૨૦ વોટ મળ્યાં.

ગોંડલઃ ભાજપના ગીતાબા જાડેજા ૭૦૫૦૬ વોટ મેળવીને વિજેતા બન્યા. બીજા નંબરે રહેલા કોંગ્રેસના કથીરિયા અર્જુનભાઈને ૫૫૧૦૯ મત મળ્યા. નીલેશ રૈયાણી હત્યા કેસમાં સજા કાપી રહેલા જયરાજસિંહના પત્ની ગીતાબાએ પતિનો વારસો આગળ ધપાવ્યો છે.

ભાવનગર પૂર્વઃ ભાજપનો ગઢ ગણાતી ભાવનગર પૂર્વ બેઠક પર વિભાવરીબેન દવે ૮૭૩૨૩ વોટ મેળવી વિજેતા બન્યા. તેની સામે કોંગ્રેસમાંથી ચૂંટણી લડતા રાઠોડ નીતાબેનને ૬૪૮૮૧ અને ત્રીજા નંબરે નોટાને ૩૪૫૯ મત મળ્યા.

ચોર્યાસીઃ સુરતની ચોર્યાર્સી બેઠક પરથી ભાજપના ઉમેદવાર ઝંખના પટેલ ૧૭૩૮૮૨ વોટ મેળવી વિજેતા બન્યા. તેમણે કોંગ્રેસના ઉમેદવાર યોગેશ પટેલને ૧૧૦૮૧૯ વોટથી હાર આપી.

લિંબાયતઃ લિંબાયત બેઠક પરથી સંગીતા પાટીલ ફરી એક વખત ભાજપની સીટ જાળવી રાખવામાં સફળ રહ્યા છે. સંગીતા પાટીલને ૯૩૫૮૫ અને કોંગ્રેસના ડો. રવિન્દ્ર પાટીલને ૬૧૬૩૪ વોટ મળ્યા.

વડોદરા શહેરઃ વડોદરા વર્ષોથી ભાજપનો ગઢ રહ્યું છે. વડોદરા સિટી બેઠક પરથી ભાજપના મનીષા વકીલ ૧૧૬૩૬૭ વોટ મેળવી વિજેતા બન્યા. અહીંયા બીજા નંબરે રહેલા કોંગ્રેસના અનિલ પરમારને ૬૩૯૮૪ અને ત્રીજા નંબરે નોટાને ૩૨૫૨ વોટ મળ્યા.

આકોટાઃ વડોદરા જિલ્લાની આકોટા બેઠક પરથી ભાજપના સીમાબેન મોહિલે ૧૦૯૨૪૪ મત મેળવી વિજેતા બન્યા. જયારે કોંગ્રેસના ઉમેદવાર રણજીત ચવાણ ૫૨૧૦૫ વોટ જ મેળવી શકયા.

ગાંધીધામઃ ગાંધીધામ બેઠક પરથી ભાજપના ઉમેદવાર માલતી મહેશ્વરી ૭૯૭૧૩ વોટ મેળવી વિજેતા જાહેર થયા છે. આ બેઠક પર બીજા નંબરે કોંગ્રેસ રહ્યું, જયારે નોટા અને અપક્ષને પણ ૧૦૦૦૦ જેટલા મત મળ્યા છે.

ભૂજઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચારની શરૂઆત ભૂજથી કરી હતી. અહીં ભાજપના ઉમેદવાર નીમા આચાર્ય ૮૬૫૩૨ વોટ મેળવી વિજેતા બન્યા.

ગરબાડાઃ ગરબાડા બેઠક પરથી કોંગ્રેસના ચંદ્રિકા બારીયા ૬૪૨૮૦ વોટ મેળવી વિજેતા જાહેર થયા. ભાજપના મહેન્દ્રભાઈ ભાભોર ૪૮૧૫૨ વોટ મેળવી શકયા હતા.

ઉંઝાઃ ભાજપનો ગઢ ગણાતી ઉંઝા બેઠક પર કોંગ્રેસના ડો. આશાબેન પટેલનો વિજય થયો છે. ભાજપના નારણભાઇ લલ્લુદાસ પટેલને ૬૨૨૬૮ જયારે કોંગ્રેસના વિજેતા ઉમેદવાર ૮૧૭૯૭ વોટ મેળવવામાં સફળ રહ્યા.

વાવઃ વાવ બેઠક પરથી ગેનીબેન ઠાકોરે ગુજરાત સરકારના આરોગ્યમંત્રી શંકર ચૌધરીને હાર આપી છે. ગેનીબેનને ૧૦૨૩૨૮ અને શંકર ચૌધરીને ૯૫૬૭૩ વોટ મળ્યા.

(3:41 pm IST)