Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

અભૂતપૂર્વ રાજકીય સીનેરીયોઃ કડવા પાટીદાર આઉટઃ લેઉવા ઈન

વિધાનસભાની ચૂંટણીમાં જ્ઞાતિવાદને મતદારરાજાએ આપ્યો અનોખો પરચો... : ભાજપની સીટ ઉપર કડવા પાટીદાર નીતિન પટેલ - સૌરભ દલાલ જ ચૂંટાયા : જયારે દિગ્ગજો હરીભાઈ પટેલ, ચીમનભાઈ સાપરીયા, કાંતિભાઈ અમૃતીયા, રઘુભાઈ ગડારા, નીતિનભાઈ ફળદુ, રજનીભાઈ પટેલ, ધનજીભાઈ પટેલનો પરાજય * જયારે લેઉવા પટેલ આર. સી. ફળદુ, જીતુ વાઘાણી, જયેશ રાદડીયા, ગોવિંદ પટેલ, અરવિંદ રૈયાણી, વી.ડી. ઝાલાવડીયા, કુમાર કાનાણી સહિતના ચૂંટાયા

રાજકોટ, તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષ દ્વારા નવસર્જન જયારે ભાજપ દ્વારા પુનરાવર્તનનો નારો લગાવવામાં આવ્યો હતો. ગઈકાલે જાહેર થયેલ પરિણામ બાદ આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પરિવર્તન પણ રહ્યુ અને નવસર્જન પણ થયુ હોય તેવો ઘાટ ઘડાયો છે. પાટીદારો માટે સત્તામાં નવસર્જન આવ્યુ છે. જેમાં કડવા પાટીદાર સત્તાસ્થાનેથી આઉટ થઈ રહ્યાનું અને લેઉવા પાટીદાર ઈન થયા હોવાનું સ્પષ્ટ ચિત્ર બહાર આવ્યુ છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પાટીદાર ફેકટર ખૂબ ધગ્યુ હતું. છેલ્લા અઢી વર્ષમાં અનામત આંદોલનની આગ ખૂબ લાગી હતી. પાટીદારોને સાચવવા ભાજપ અને કોંગ્રેસ બંનેએ રીતસર હોડ લગાવી હતી. બંને પક્ષ દ્વારા પાટીદારોને છુટા હાથે લ્હાણી કરવામાં આવી હતી.

ગઈકાલે જાહેર થયેલા પરિણામમાં ભાજપ તરફથી ચૂંટણી લડેલા કડવા પાટીદાર દિગ્ગજ ગણાતા હરીભાઈ પટેલ -ઉપલેટા, ચીમનભાઈ સાપરીયા - જામજોધપુર, કાંતિભાઈ અમૃતીયા - મોરબી, રઘુભાઈ ગડારા - ટંકારા, નીતિનભાઈ ફળદુ-માણાવદર, રજનીભાઈ પટેલ - ઉત્તર ગુજરાત, ધનજીભાઈ પટેલ - સુરેન્દ્રગરના સહિતનો કારમો પરાજય થયો છે.

અત્રે એ ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોઈપણ સરકાર હોય તેમાં કડવા પાટીદારો પાસે મહત્તમ સત્તા હતી. રાજય સરકારમાં મહત્વના ખાતા પણ કડવા પાટીદાર સમાજના ઉમેદવાર પાસે જ હતા.

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ તરફથી કડવા પાટીદાર સમાજના નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને સૌરભભાઈ દલાલ ચૂંટાયા છે.

ત્યારે લેઉવા પટેલ સમાજની વાત કરીએ તો જીતુભાઈ વાઘાણી - ભાવનગર, આર.સી. ફળદુ - જામનગર, જયેશ રાદડીયા - જેતપુર, ગોવિંદભાઈ પટેલ- રાજકોટ, અરવિંદભાઈ રૈયાણી - રાજકોટ, કિશોરભાઈ કાનાણી - સુરત, વી. ડી. ઝાલાવડીયા - સુરત, પ્રવિણભાઈ ઘોઘારી - સુરત ચૂંટાયા છે.

જો કે રાજકોટ, સુરત, અમદાવાદ, વડોદરા મહાનગરપાલિકામાં વસતા લેઉવા અને કડવા પાટીદારોએ ભાજપ ઉપર ઓળઘોળ થઈ જંગી બહુમતીથી ચૂંટાવી દીધા છે. શહેરી વિસ્તારના લેઉવા અને કડવા પાટીદારો ભાજપની સાથે જ રહ્યા છે.

મોટા ભાગની ચૂંટણીમાં પાટીદાર ફેકટર મુખ્ય પરિબળ તરીકે ઉભરે છે ત્યારે ગુજરાત વિધાનસભાના આગામી પાંચ વર્ષના કાર્યકાળમાં લેઉવા પટેલ સમાજનો ખૂબ દબદબો રહેવાની શકયતા બળવતર બની છે. જયારે કડવા પાટીદાર સત્તા સ્થાનેથી દૂર રહેવાના સંજોગો નિર્માણ થયા છે.

છેલ્લા અઢી વર્ષમાં પાટીદાર અનામત આંદોલનના ઝંઝાવાતથી સત્તામાં પરિવર્તનમાં કોઈ ફેરફાર થયો નથી. પરંતુ પાટીદાર સમાજના મુખ્ય લેઉવા અને કડવા પાટીદાર અગ્રણીઓના સ્થાનમાં આમુલ પરિવર્તન આવ્યુ છે. આગામી લોકસભાની ૨૦૧૯ની ચૂંટણીને ધ્યાનમાં રાખી હવે ભાજપ કયા પાટીદારોને કેટલુ મહત્વ આપે છે તે તો સમય જ કહેશે.

(3:24 pm IST)