Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જમાલપુર, દરિયાપુર અને વાંકાનેરના કોંગ્રેસના મુસ્લિમ ઉમેદવારોનો વિજય

પીરઝાદા ત્રીજીવાર ધારાસભ્ય બન્યાઃ ગ્યાસુદ્દીન શેખને ગત ટર્મ કરતા ત્રણ ગણા વધુ મત મળ્યાઃ ઇમરાન ખેડાવાલા ટાઇપીસ્ટમાંથી ધારાસભ્ય બની ગયા

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના કોંગ્રેસે છ મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી હતી તે પૈકી ત્રણ બેઠકો દરિયાપુર, જમાલપુર અને વાંકાનેરમાં જીત મેળવવામાં સફળતા મેળવી છે. જયારે ભૂજ અને વાગરા બેઠક ભારે રસાકસી બાદ ભાજપે જીતી લીધી હતી. વાગરા અને ભૂજ બેઠક પરતો ઈવીએમના સીલ ખુલેલા જોવા મળતા પુનઃ મતગણતરીની માગ કરવામાં આવી હતી પરંતુ વાગરામાં ઉહાપોહ થતા રિકાઉન્ટીંગની માગ સ્વીકારવામાં આવી હતી. જયારે સુરત પશ્ચિમમાં કોંગ્રેસના ઈકબાલ પટેલ ૭૭૮૮ર મતથી હારી ગયા હતા. જમાલપુર-ખાડિયા બેઠક પર સૌ પ્રથમ પરિણામો જાહેર થયા હતા જેમાં કોંગ્રેસના ઉમેદવાર ઈમરાન ખેડાવાલા ર૯૩૩૯ મતોની જંગી લીડથી વિજેતા જાહેર થયા હતા.

ઈમરાન ખેડાવાલાની સીધી ટક્કર ભાજપના ભુષણ ભટ્ટ સામે જ હોવાથી તેમની જીત આસાન થઈ ગઈ હતી. જયારે દરિયાપુર બેઠક પર કાંટે કી ટક્કર હતી. જેમાં કોંગ્રેસના ઉમેદવાર ગ્યાસુદ્દીન શેખે તમામ વિપરીત સંજોગો છતાં ભાજપના ઉમેદવાર ભરત બારોટ સામે ૬૧૮૭ મતોથી શાનદાર વિજય મેળવ્યો હતો. ગ્યાસુદ્દીન શેખે હરાવવા ભાજપે અંગતરસ દાખવ્યો હતો અને તેમની સામે કોંગ્રેસના જ સૌથી મજબૂત ઉમેદવાર રાજુ મોમીનને અપક્ષમાંથી ઉભા રખાવી ગ્યાસુદ્દીન શેખને હરાવવા એડીચોટીનું જોર લગાવ્યું હતું તેમ છતાં રાજુ મોમીનને માત્ર ૧ર૭પ મતો જ મળ્યા હતા અને ગ્યાસુદ્દીન શેખ ગત ર૦૧રની ચૂંટણી કરતાંયે ત્રણ ગણા વોટથી વટભેર જીતી ગયા હતા.

જયારે વાંકાનેર બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર મુહમ્મદ જાવેદ પીરઝાદા ૧૩૬૧ મતથી જીતી ગયા હતા. તેમણે ભાજપના ઉમેદવાર જીતેન્દ્ર સોમાણી અને અપક્ષ ઉમેદવાર ગોરધન સરવૈયાએ ભારે ટક્કર આપી હતી. ભાજપના ઉમેદવાર ૭૧રર૭ અને અપક્ષ ઉમેદવાર રપપ૪૭ મત ખેંચી ગયા હતા. તેમ છતાં તેઓએ જોરદાર લડત આપતા અંતે જીત મેળવી હતી.

ભૂજ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર આદમ ચાકી ૧૪૦રર મતથી હારી ગયા હતા. ભાજપના ઉમેદવાર નિમાબેન આચાર્યએ ૮૬પ૩ર મત મેળવ્યા હતા. એક તબક્કે તો કોંગ્રેસના આદમ ચાકીને વિજેતા જાહેર કરી દેવાયા હતા. પરંતુ અંતે નિમાબેન આચાર્ય જીતી ગયા હતા. કોંગ્રેસના ઉમેદવારે ર૭ ઈવીએમના સીલ ખુલ્લા હોવાનો આક્ષેપ કરી રિકાઉન્ટીંગની માગણી કરી હતી. પરંતુ તે માન્ય રાખવામાં આવી ન હતી.

(12:45 pm IST)