Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

૨૦૧૪ કરતાં ઘટ્યું, ૨૦૧૨ કરતાં વધ્યું

ગુજરાતમાં BJPના વોટનું પ્રમાણ

નવી દિલ્હી તા.૧૯: તાજેતરની ગુજરાત વિધાનસભાની ચંૂટણીની મતગણતરીના આંકડા પ્રમાણે કુલ મતોમાં BJPનો હિસ્સો ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીના હિસ્સા કરતાં ઘટ્યો છે અને ૨૦૧૨ની ચૂંટણીઓના હિસ્સા કરતાં વધ્યો છે. મતોના હિસ્સાની ટકાવારીમાં કોગ્રેસના હિસ્સામાં અગાઉ કરતાં સુધારો થયો છે, પરંતુ એ સુધારો રાહુલ ગાંધી પ્રણિત પક્ષને વિજય માટે પૂરતા પ્રમાણમાં બેઠકો મેળવવાની દૃષ્ટિએ સંતોષકારક નહોતો.

૨૦૧૪માં કુલ મતોમાંથી BJPએ ૬૦ ટકા મત મેળવ્યા હતા. ગઇ કાલે ચૂંટણીપંચે જાહેર કરેલાં પરિણામો મુજબ કુલ મતોમાંથી BJPએ ૪૯.૧ ટકા મતા મેળવ્યા હતા અને ૨૦૧૨ની રાજ્ય વિધાનસભાની ચૂંટણીમાં ૪૮ ટકા મત મળ્યા હતા.

બીજી બાજુ કોંગ્રેસના મતોના હિસ્સામાં વધારો થયો છે. કોંગ્રેસને ૨૦૧૪ની લોકસભાની ચૂંટણીમાં ૩૩ ટકા, ૨૦૧૨ની ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ૩૯ ટકા અને ગઇ કાલે જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામોમાં ૪૧.૪ ટકા મત મળ્યા હતા. હાલમાં બન્ને પક્ષોના મતોનો તફાવત લગભગ ૭.૭ ટકા છે. ૨૦૦૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીથી કોગ્રેસ અને BJP વચ્ચે મતોનો તફાવત સતત ઘટતો રહ્યો છે. ૨૦૦૭માં કુલ મતોમાં BJPનો હિસ્સો ૪૯.૧૨ ટકા અને કોંગ્રેસનો હિસ્સો ૩૯.૬૨ ટકા હોવાથી ૯.૪૯ ટકાનો તફાવત હતો.

૨૦૧૪ની  લોકસભાની ચૂંટણીમાં BJPએ સત્તા મેળવી ત્યારે મતોના તફાવતની ટકાવારી લગભગ ૩૦ ટકા હતી. એ ચૂંટણીમાં સમગ્ર ભારતમાં મોદીવેવને પગલે ગુજરાતની લોકસભાની તમામ બેઠકો BJPએ જીતી હતી. ૨૦૧૪માં સફાયો થયા પછી કોંગ્રેસે બેઠકોની સંખ્યાની બાબતમાં પર્ફોર્મન્સ સુધાર્યો હતો. ૨૦૧૨ના લેવલની તુલનામાં કોંગ્રેસે બેઠકોની સંખ્યાની બાબતમાં પણ સુધારો દર્શાવ્યો છે.

ગઇ કાલે જાહેર કરવામાં આવેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામોમાં અપક્ષ ઉમેદવારોએ ૪.૩ ટકા મત મેળવ્યા હતા. ૧.૮ ટકા મતદારોએ નોટા (કોઇને મત નહીં)નું બટન દબાવ્યું હતું. રાજકીય પક્ષોમાં કોંગ્રેસ અને BJP સિવાયના કોઇ પણ પક્ષે એક ટકા કરતાં વધુ મત મેળવ્યા નથી.

(11:54 am IST)