Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

ભાજપના 'લાખેણા' ઉમેદવાર, ચૂંટણીમાં મળી ૧ લાખથી વધુની સરસાઇ

એક ઉમેદવાર છે ઘાટલોડિયા વિધાનસભાના અને બીજા છે સુરતની ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર

નવી દિલ્હી તા. ૧૯ : ચૂંટણીમાં એક એક મત ઉમેદવાર માટે ખુબ મહત્વ ધરાવે છે. ગુજરાતની ચૂંટણીમાં ઘણા ઉમેદવારો ૧૦૦૦થી ઓછા મતથી હારનો સામનો કરવો પડ્યો છે. ત્યારે ભાજપના એવા બે ઉમેદવારો છે તેમણે એક લાખ કરતા વધુ સરસાઈથી વિજય મેળવ્યો છે. જેમાં એક ઉમેદવાર છે ઘાટલોડિયા વિધાનસભાના અને બીજા છે સુરતની ચોર્યાસી વિધાનસભાના ઉમેદવાર.

ઘાટલોડિયા વિધાનસભાની બેઠક પૂર્વ સીએમ આનંદીબેન પટેલની બેઠક ગણાય છે. આ બેઠક પર ભાજપે ભૂપેન્દ્ર રજનીકાંત પટેલને ટિકિટ આપી હતી. જેની સામે કોંગ્રેસે પાટીદાર ઉમેદવાર શશીકાંત પટેલને ઉતાર્યા હતા. વિધાનસભામાં સૌથી વધુ મતદારો ધરાવતા આ વિસ્તારમાં ભાજપના ઉમેદવાર ભૂપેન્દ્રભાઈને ૧,૧૭,૭૫૦ મતની સરસાઈ સાથે કુલ ૧,૭૫,૬૫૨ મત મેળવી વિજય મેળવ્યો છે. જયારે કોંગ્રેસના ઉમેદવાર શશીકાંત પટેલને ૫૭,૯૦૨ મત જ મળ્યાં હતા.

સુરતમાં ભાજપને મળેલા ભવ્ય વિજયમાં ચોર્યાસી વિધાનસભાની બેઠક પર એક લાખથી વધુ સરસાઈ મળી. કોળીપટેલના પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર ભાજપે ઝંખના પટેલને તો કોંગ્રેસે યોગેશ પટેલને ટિકિટ આપી હતી. ચૂંટણીના પરિણામને અંતે ઝંખના પટેલને ૧,૧૦,૮૧૯ મતની સરસાઈ સાથે કુલ ૧,૭૩,૮૮૨ મત મળ્યાં જયારે કોંગ્રેસના ઉમેદવારને માત્ર ૬૩,૦૬૩ મત મળ્યાં હતા.(૨૧.૧૦)

(11:43 am IST)