Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

જન વિકલ્પનો ફિયાસ્કો, બાપુની રાજકીય મહત્વાકાંક્ષા અધુરી રહી ગઇ

૯૫ ઉમેદવાર હારી ગયા : બળવાખોર નેતાઓ પણ હાર્યા

નવી દિલ્હી તા.૧૯ : ઓગસ્ટ મહિનામાં કોંગ્રેસ પાર્ટીએ શંકરસિંહ વાઘેલાને મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર ન કરતા તેમણે પાર્ટી વિરુદ્ઘ બળવો પોકાર્યો હતો અને પાર્ટી છોડી દીધી હતી. પરંતુ તેમના આ નિર્ણયથી તેમને કોઈ ફાયદો ન થયો અને કોંગ્રેસ પાર્ટીને પણ મોટું નુકસાન થયુ હોય તેમ પણ નથી લાગી રહ્યું.

 

શંકરસિંહ વાઘેલાએ ઓલ ઈન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીમાં પોતાના ૯૫ ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા હતા, જે દરેક હારી ગયા છે. જો ટોટલ વોટની વાત કરવામાં આવે તો ગુજરાતમાં થયેલા કુલ મતદાનમાંથી ૮૨,૦૦૦(૦.૩ ટકા) મતો જ આ ઉમેદવારોને મળ્યા છે.

 

આ સિવાય શંકરસિંહ વાઘેલા સાથે મળીને કોંગ્રેસ સામે બળવો પોકારીને ભાજપમાં જોડાયેલા ૭ નેતાઓમાંથી માત્ર બે જ જીતી શકયા છે. જામનગર-ઉત્ત્।રથી ધર્મેન્દ્રસિંહ જાડેડા અને ગોધરા બેઠક પરથી સી.કે.રાઉલજીને જીત મળી છે. આ સિવાય રાદ્યવજી પટેલ(જામનગર-ગ્રામીણ), ડો.તેજશ્રી પટેલ(વિરમગામ), રામસિંહ પરમાર(ઠાસરા), માનસિંહ ચૌહાણ(બાલાસિનોર) અને અમિત ચૌધરી(માણસા) હારી ગયા છે.

શંકરસિંહ વાઘેલા આ બાબતે જણાવે છે કે, મોટાભાગના ઉમેદવારો ઘણાં ઓછા માર્જિનથી હાર્યા છે. આ સિવાય સ્થાનિક સમીકરણો પણ તેમની હાર માટે જવાબદાર છે.

કોંગ્રેસ પાર્ટીએ પોતાની તાકાત પર ભરોસો રાખવાને બદલે હાર્દિક, અલ્પેશ અને જિગ્નેશ જેવા નવા આવેલા નેતાઓ પર આશ્રિત રહી. જો હું કોંગ્રેસમાં હોત તો પાર્ટી ચોક્કસપણે જીત મેળવતી.

(11:36 am IST)