Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

મોદી વડાપ્રધાન બન્યા છતા ભાજપની બેઠકોમાં સૌથી મોટો ઘટાડો, ૧૫૧નો દાવો નિષ્ફળ

પ્રજા પરિવર્તન ઈચ્છે જ છે, કોંગ્રેસ તે ઈચ્છા પુરી કરશેઃ ભરતસિંહ

અમદાવાદ, તા. ૧૯ :. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ પરિણામને ગુજરાતની જનતાને ચુકાદો માની હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો હતો. ગુજરાત વિધાનસભા ૨૦૧૭ની ચૂંટણી પરિણામમાં ભાજપ સાત સીટોમાં બહુમતી કરતા વધારે સીટો મેળવી. પરંતુ મોદીની ભાજપા સરકારે કરેલો ૧૫૧ સીટોનો દાવો નિષ્ફળ ગયો અને અત્યાર સુધીના ભાજપ સરકારે સૌથી ઓછી બહુમતી મેળવી છે. તેના પરથી અનુમાન કરી શકાય કે ગુજરાતની જનતા પરિવર્તન ઈચ્છી રહી છે અને કોંગ્રેસ પક્ષ ગુજરાતમાં પરિવર્તન જરૂરથી લાવશે. ગુજરાતની જનતાને કોંગ્રેસ પક્ષને ૪ ટકા વધારે મત આપી કોંગ્રેસ પક્ષને ૮૦ સીટો પર વિજય અપાવ્યા છે. તે બદલ ગુજરાતની જનતાને ધન્યવાદ માનીએ છીએ. ગત વખત કરતા કોંગ્રેસ પક્ષે વધારે સીટો પર વિજય મેળવ્યો છે.મોદીજીની ભાજપ સરકારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જ જનતાના અઢળક નાણા ખર્ચ્યા, સરકારી તંત્રનો દુરૂપયોગ કર્યો અને મોદીજી વડાપ્રધાન બન્યા તે છતાં પણ વિધાનસભાની ચૂંટણીમાં કોઈ વધારો કરી શકી નહીં, પરંતુ ભાજપ પોતાના પાંચ મંત્રી અને એક સ્પીકરની હાર થઈ છે. ગુજરાતની જનતા પણ માને છે કે, ભાજપ સરકારે કેટકેટલી જગ્યાઓએ સત્તાનો દુરૂપયોગ કર્યો છે. જનતા પણ પુછી રહી છે કે ભાજપ સરકારે ઈવીએમમાં ગોટાળા કરીને તો વિજય નથી મેળવ્યોને? ઈવીએમમાં ગોટાળાની ઘણી ફરીયાદો આવી છે. કોંગ્રેસ પક્ષે ચૂંટણી પંચને તેની રજૂઆત પણ કરી છે અને કોંગ્રેસ પક્ષને ચૂંટણી પંચ પર વિશ્વાસ છે.

ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ શ્રી રાહુલ ગાંધીએ ગુજરાતની જનતાનો હૃદયપૂર્વક આભાર વ્યકત કર્યો છે.

(11:30 am IST)