Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

૫૦ તોલા સોનું પહેરીને પ્રચાર કરનારા 'ગોલ્ડન' ઉમેદવારની ડિપોઝીટ થઇ ડુલ્લ

અમદાવાદ તા. ૧૯ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મોટી પાર્ટીઓ સાથે નાની પાર્ટી અને અપક્ષ ઉમેદવરોએ પણ ભારે ઉત્સાહ સાથે ચૂંટણી લડી હતી. જેમાં અમદાવાદ જીલ્લાની દરિયાપુર બેઠક એક ખાસ બાબતને લઈને ચર્ચામાં છે. આ સીટ પરથી ચૂંટણી લડેલા 'ગોલ્ડન કેન્ડિડેટ'તરીકે જાણીતા ઉમેદવારની ડિપોઝીટ પણ ગઈ હતી.

અમદાવાદની દરિયાપુર-૫૧ વિધાનસભા બેઠક પરથી કુંજલ પટેલ ચૂંટણી લડી રહ્યાં હતાં. કુંજલ પટેલ શિવસેનાના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યાં હતાં. તેમણે સોનાના ઘરેણા પહેરવાનો ભારે શોખ છે. તેમણે પોતાના એફિડેવિટમાં ૪૫ તોલા સોનાના ઘરેણા હોવાનું જણાવ્યું હતું. કુંજલ પટેલે મીડિયા સમક્ષ પણ કબુલ્યું હતું કે તેમના ઘરે ૧૧૫ તોલા સોનું છે અને તેઓ પોતે ૫૦ તોલા સોનાના ઘરેણા પહેરે છે. એફિડેવિટમાં તેમણે જણાવ્યું હતું કે સસરા દ્વારા આપવામાં આવેલી સંપત્ત્િ। એફિડેવિટમાં ન જણાવી શકું.

શિવસેના તરફથી ચૂંટણી લડનારા કુંજલ પટેલ લોકો વચ્ચે વોટ માંગવા પણ ખુબ બધી જવેલરી પહેરીને જ જતા હતાં. ગળામાં જાડી સોનાની ચેઈન, હાથમાં પણ એવા જ જાડા બ્રેસલેટ પહેરીને ચૂંટણી પ્રચાર માટે જતાં હતાં. ચૂંટણી માટેના એફિડેવિટમાં તેમણે ૪૯ લાખની સંપત્ત્િ।, ૨૪ હજાર રોકડા, ૪૫ તોલા સોનું અને બે કાર દર્શાવી હતી.

આ ગોલ્ડન કેન્ડિડેટનો ચૂંટણીમાં પરાજય થયો હતો. કોંગ્રેસના ગ્યાસુદ્દીન શેખ અને ભાજપના ભરત બારોટ સામે મેદાને પડેલા કુંજલ પટેલની ડિપોઝીટ પણ જપ્ત થઈ ગઈ હતી. કુંજલ પટેલને માત્ર ૧૩૯૩ મત જ મળ્યાં હતાં. જયારે વિજેતા ગ્યાસુદ્દીન શેખને ૬૩૭૧૨ વોટ અને બીજા નંબરે રહેલ ભાજપના ભરત બારોટને ૫૭૫૨૫ મત મળ્યાં હતાં.

(9:46 am IST)