Gujarati News

Gujarati News

News of Tuesday, 19th December 2017

કોંગ્રેસથી છેડો ફાડનારા ૭ MLAમાંથી માત્ર રાઉલજી અને ધર્મેન્દ્રસિંહ જીત્યા

તેજશ્રીબેન, અમિત ચૌધરી, રાઘવજી પટેલ, રામસિંહ, માનસિંહ હાર્યા

નવી દિલ્હી તા. ૧૯ : રાજયસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ભગવો ધારણ કરનારા ૧૪ ધારાસભ્યોમાંથી સાત ધારાસભ્યોએ ભાજપની ટિકિટ પરથી ચૂંટણી જંગમાં ઝૂકાવ્યું હતું, જેમાંથી જામનગર(ઉત્ત્।ર)ના ધર્મેન્દ્રસિંહ જાડેજાનો ૪૦૯૬૩ અને ગોધરાના સી.કે.રાઉલજી માત્ર ૨૫૮ મતથી વિજયી બન્યા છે જયારે જામનગર-ગ્રામ્યના રાઘવજી પટેલ, વિરમગામના ડો.તેજશ્રીબેન પટેલ, માણસાના અમિત ચૌધરી, ઠાસરાના રામસિંહ પરમાર અને બાલાસિનોરના માનસિંહ ચૌહાણનો કારમો પરાજય થયો છે. કોંગ્રેસ સાથે છેડો ફાડીને જનવિકલ્પના નામે ચૂંટણી જંગમાં ઝૂકાવનારા કપડવંજના ધારાસભ્ય અને તત્કાલિન વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા અને તેમના પુત્ર બાયડના ધારાસભ્ય મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડ્યા ન હતા.

કોંગ્રેસ સાથે છેડો ફાડીને ભાજપનો ખેસ ધારણ કરનારા ડો. તેજશ્રીબેન પટેલ માટે પાટીદાર સમાજની વસતી આશીર્વાદરૂપ ગણાતી હતી, પરંતુ કોંગ્રેસે આ બેઠક પરથી કોંગ્રેસ પ્રદેશ પ્રમુખના વફાદાર લાખાભાઈ ભરવાડને મેદાનમાં ઉતાર્યા હતા. ભરવાડને મેદાનમાં ઉતારીને પટેલ સમાજ સિવાયના અન્ય સમાજના મત અંકે કરવાનું કોંગ્રેસનું ગણિત સાચું પડ્યું અને તેજશ્રીબેનનો ૬૫૪૮ મતથી પરાજય થયો છે. જો કે, વિરમગામની બેઠક પરથી બે અપક્ષ ઉમેદવારોએ ૨૦ હજારથી વધુ મત લઈને તેજશ્રીબેનના પરાજયમાં મહત્વની ભૂમિકા નીભાવી છે. આ સિવાય માણસાના અમિત ચૌધરી ૫૨૪ મતથી, ઠાસરામાંથી રામસિંહ પરમાર ૭૦૨૮ મતથી જયારે બાલાસિનોરમાં માનસિંહ ચૌહાણનો ૧૦૬૦૨ મતથી પરાજય થયો છે.  અન્ય ધારાસભ્યોમાં વિજાપુરના પ્રહલાદ પટેલ, સિદ્ઘપુરના બલવંતસિંહ રાજપૂત, જસદણના ભોળાભાઈ ગોહેલ, વાંસદાના છનાભાઈ ચૌઘરી અને સાણંદના કરમશીભાઈ કોળીપટેલ ચૂંટણી લડ્યા ન હતા. સાણંદમાં ભાજપે કરમશીભાઈના પુત્ર કનુભાઈને ઉમેદવાર બનાવ્યા હતા અને તેમનો વિજય થયો છે.

(9:46 am IST)