Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ગાંધીનગરમાં એસટી ડેપોમાં મહિલા મુસાફરના પર્સમાંથી 88 હજારની મતાની ઉઠાંતરી કરનાર ગઠિયા વિરુદ્ધ ગુનો દાખલ

ગાંધીનગર : ગાંધીનગર એસટી ડેપોમાં છેલ્લા થોડા સમયથી ચોરી અને ચીલઝડપની ઘટનાઓ વધી રહી છે ત્યારે માણસાના સોજા ગામની મહિલા મુસાફરના પર્સમાંથી સોનાનો દોરો અને અન્ય દાગીના મળી ૮૮ હજાર મત્તાની ચોરી થઈ ગઈ હતી. ગઈકાલે મહિલાએ આ સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ગઠીયાને પકડવા માટે દોડધામ શરૃ કરી છે.

રાજયના પાટનગર ગાંધીનગરના એસટી ડેપોમાં અવર જવર કરતાં મુસાફરોના કિંમતી માલસામાનની સાથે સોનાના દાગીના, મોબાઈલ સહિતની ચીજવસ્તુઓની ચોરી થવાની ઘટનાઓ વ્યાપક બની છે ત્યારે આ ગઠીયાઓ પકડમાં આવતાં નથી. અવારનવાર એસટીના કર્મચારીઓ દ્વારા ગઠીયાઓને પકડવામાં આવે છે ત્યારે પોલીસ દ્વારા તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. જેના કારણે ડેપોમાં મુસાફરો ભોગ બનતાં રહે છે. ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના સોજા ગામે રહેતા મીનાબેન અજીતસિંહ વાઘેલા ગત મંગળવારે તેમના પુત્ર જયદીપસિંહ સાથે વડોદરાથી બસમાં બેસીને ગાંધીનગર ડેપો ખાતે આવ્યા હતા અને ત્યાંથી તેઓ માણસા જવા માટે વીસનગર જતી બસમાં બેઠા હતા. આ સમયે ટીકીટ લેવા માટે પર્સર્માં હાથ નાંખતા તેની અંદર દાગીના ભરેલું નાનું પર્સ જણાયું નહોતું. જેમાં સોનાનો દોરો અને કાનસેર હતી. ૮૮ હજારના દાગીના ભરેલા પર્સની ચોરી થતાં મીનાબેન હેબતાઈ ગયા હતા અને આસપાસમાં તપાસ કરવા છતાં ગઠીયાનો પતો લાગ્યો નહોતો. ઘરે મહેમાન હોવાથી તેઓ ઘરે સોજા ગામે જતા રહયા હતા અને ગઈકાલે આ સંદર્ભે સે-૭ પોલીસ મથકમાં ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને ગઠીયાને પકડવા માટે મથામણ શરૃ કરી છે. ડેપોમાં આ પ્રકારની ઘટનાઓ અટકાવવા માટે સીસીટીવી સર્વેલન્સ પણ મજબુત બનાવવાની જરૃરીયાત છે. 

(5:24 pm IST)