Gujarati News

Gujarati News

News of Friday, 19th November 2021

ગાંધીનગરમાં સે-24માં ધમધમતા કતલખાના બંધ કરવા સ્થાનિક લોકોની રજુઆત

ગાંધીનગર : ગાંધીનગર શહેરના સે-ર૪માં આવેલા ઈન્દિરાનગરમાં છેલ્લા ઘણા સમયથી મટન માર્કેટ અને કતલખાના ધમધમી રહયા છે ત્યારે સરકારી જમીન ઉપર ઉભી થયેલી આ હાટડીઓ બંધ કરાવવા માટે રજુઆત કરનાર સ્થાનિકોને આ અસામાજીક તત્ત્વો દ્વારા ધમકીઓ પણ આપવામાં આવતી હોવાની ફરિયાદ મ્યુનિ.કમિશનરને કરવામાં આવી છે. અગાઉ આ સ્થળેથી ગૌહત્યા પણ પકડાઈ હતી જેના આરોપીઓને પાસા પણ કરવામાં આવ્યા હતા.

હાલમાં સમગ્ર રાજયમાં નોનવેજની ગેરકાયદે હાટડીઓ બંધ કરાવવાની ઝુંબેશ ચાલી રહી છે ત્યારે રાજયના પાટનગર ગાંધીનગરમાં સે-ર૪ ઈન્દિરાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ગેરકાયદે રીતે મટન માર્કેટ અને કતલખાનાંઓ ધમધમી રહયા છે ત્યારે આ મામલે સ્થાનિકોની ફરીયાદ છતાં કોઈ પગલાં ભરાતાં નથી ત્યારે ફરીવાર ઈન્દિરાનગરના રહીશોએ મ્યુનિ.કમિશનરને રજુઆત કરી છે કે ગેરકાયદેસર ચાલતાં આ કતલખાનાંઓ ખુબજ માથાભારે શખ્સો ચલાવી રહયા છે. જેની ફરીયાદ કરનાર અન્ય વેપારીઓને ધાકધમકી આપીને તેમની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવે છે અને હુમલા પણ કરાય છે. અગાઉ આ મટન માર્કેટમાં વર્ષ ર૦૧૧માં ગૌહત્યા પણ થઈ હતી. જેના કારણે આરોપીઓને પાસા પણ કરવામાં આવી હતી. પરંતુ ફરીથી આ ખાટકીઓ બેરોકટોકપણે કતલખાનાં ચલાવી રહયા છે. આ સ્થિતિના કારણે સે-ર૪ ઈન્દિરાનગરમાં રહેતા ૭૦૦ જેટલા હિંદુ પરિવારો ખુબજ ભયનો માહોલ અનુભવે છે તેમની સામે ફરીયાદ પણ કરી શકાતી નથી. બીજું સરકારી જમીન ઉપર મટન માર્કેટ ધમધમતું હોવા છતાં કોઈ રોકટોક નહીં થવાના કારણે હાલ ૧પ જેટલી દુકાનો ઉભી થઈ ગઈ છે. આવનારા સમયમાં આ ગેરકાયદેસર કતલખાનાંઓ બંધ કરાવવામાં નહીં આવે તો અમદાવાદના જુહાપુરા જેવી સ્થિતિ ઉત્પન્ન થશે તેવો ભય પણ વસાહતીઓએ દર્શાવ્યો છે ત્યારે આ મામલે હવે કોર્પોરેશન શું પગલાં ભરે છે તે જોવું રહયું.

(5:23 pm IST)