Gujarati News

Gujarati News

News of Tuesday, 19th November 2019

નિત્યાનંદ પ્રકરણમાં કાલે હાઈકોર્ટમાં સુનાવણી થશે

હેબિયસ કોર્પસ અરજીમાં શ્રેણીબદ્ધ રજૂઆતો : કોર્ટ સમક્ષ બંને પુત્રીઓને ઉપસ્થિત કરી દેવાનો પોલીસને આદેશ કરવાની માંગ સાથે પુત્રીઓ માટે પિતા દ્વારા અરજી

અમદાવાદ, તા.૧૯ : નિત્યાનંદ આશ્રમ મામલામાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. તપાસના દોર વચ્ચે આવતીકાલે પુત્રીઓ માટે દાખલ કરવામાં આવેલી હેબિયર્સ કોર્પસ અરજી ઉપર સુનાવણી હાથ ધરવામાં આવનાર છે. ગુજરાત હાઈકોર્ટમાં આ મામલો સોમવારના દિવસે પહોંચી ગયો હતો. અભ્યાસ માટે આશ્રમમાં બાળકોને મુકનાર પિતા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં આ  અરજી દાખલ કરવામાં આવ્યા બાદ તેના પર આવતીકાલે સુનાવણી થશે. સુનાવણી ઉપર પણ તમામની નજર કેન્દ્રિત થઇ ગઇ છે. તેમની બે પુત્રીઓને મુક્ત કરાવવાની માંગ પણ આ અરજીમાં કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ તેમની બે પુત્રીઓને રજૂ કરવા અમદાવાદમાં નિત્યાનંદના ગુરુકુળની શાખાને લઇને આમા રજૂઆત કરવામાં આવી છે. ગુમ થયેલી યુવતી નિત્યાનંદિતાની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમ (સીટ) ની રચના કરવામાં આવી છે, જેને પગલે હવે સીટના અધિકારીઓએ નિત્યાનંદ આશ્રમની ગતિવિધિઓને લઇ તપાસનો ધમધમાટ તેજ બનાવ્યો છે. સીટની ટીમમાં ૨ ડીવાયએસપી, ૨ પીઆઈ, ૨ પીએસઆઈ સહિતના અધિકારીઓનો સમાવેશ થાય છે.

                    બીજીબાજુ આશ્રમ સામે પોલીસ ફરિયાદ કરનારા યુવતીના પરિવારને પોલીસ પ્રોટેકશન પૂરું પાડવામાં આવ્યું છે. સીટની ટીમે શંકાસ્પદ ગતિવિધિઓને લઈ આશ્રમમાં તપાસ શરૂ કરી છે. જ્ેમાં નિત્યાનંદિતાની જ્યાં શંકાસ્પદ અવર-જવર રહેતી હતી તેવી પુષ્પક સિટીમાંથી નિત્યાનંદિતાની વસ્તુઓ જપ્ત કરી છે. આ ઉપરાંત રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાએ એસપી રાજેન્દ્ર અસારી અને આઈજી એ.કે.જાડેજાને ગાંધીનગર બોલાવી તપાસ કામગીરી અંગે માહિતી મેળવી હતી. તેમજ બન્ને યુવતીઓને તાત્કાલિક શોધવા કડક સૂચના પણ આપી હતી. બીજીબાજુ, આવતીકાલે યુવતીના પિતાએ પોતાની પુત્રની ભાળ મેળવવા માટે ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરેલી હેબીયર્સ કોર્પસ અરજીની સુનાવણી હાથ ધરાશે ત્યારે અદાલત હવે આ સમગ્ર કેસમાં કેવું વલણ અપનાવે છે તે જોવાનું રસપ્રદ રહેશે.

(8:43 pm IST)