Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

દાગીના પડાવતી ઇરાની ગેંગના સાગરિકની ધરપકડ

દુકાનોમાં દાગીના ખરીદવાના બહાને ચોરી કરતો હતો : અમદાવાદ, ગાંધીનગર, હળવદ, વીરપુર, સુરેન્દ્રનગર સહિતની જવેલર્સની દુકાનમાં ચોરીના ભેદ ઉકેલી લેવાયા

અમદાવાદ,તા.૧૯ :  અમદાવાદ શહેર તથા અન્ય શહેરોમાં તેમજ રાજ્ય બહારનાં શહેરોમાં આવેલી જવેલર્સની દુકાનો તથા શો-રૂમમાં ગ્રાહક બનીને સ્વાંગમાં જઈ દાગીના ખરીદવાના બહાને ચોરી કરતા ઈરાની ગેંગના એક સાગરિતને અમદાવાદમાંથી પકડી પાડવામાં આવ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે અમદાવાદ શહેર, ગાંધીનગર, હળવદ, મહિસાગરના વીરપુર, સુરેન્દ્રનગર, પેટલાદ તથા રાજ્ય બહારના ગ્વાલીયર, ઉદયપુર વગેરે શહેરોના મળીને કુલ ૮ ગુનાઓનો ભેદ ઉકેલી કાઢ્યો હતો. અન્ને મળતી માહિતી મુજબ, ઈરાની ગેંગના મુખ્ય  સુત્રધાર હુસેનઅલી અસ્તરઅલી સૈયદઝાફરી (રહે.સેંદવા, મધ્યપ્રદેશ)નાને અમદાવાદ શહેર વિસ્તારમાંથી પકડી પાડવામાં આવ્યો હતો. આરોપી હુસેનઅલીની પુછપરછ કરતા છેલ્લા પાંચેક વર્ષથી પોતાના સાગરીતો સાથે અમદાવાદ શહેર, ગાંધીનગર, હળવદ, મહિસાગરના વીરપુર, સુરેન્દ્રનગર, પેટલાદ તથા રાજ્ય બહારના ગ્વાલીયર, ઉદયપુર વગેરે શહેરોમાં જવેલર્સની દુકાનો તથા શો-રૂમમાં ગ્રાહક તરીકેના સ્વાંગમાં જઈ દાગીના ખરીદવાના બહાને જવેલર્સના કર્મચારીઓની નજર ચુકવી દાગીના પડાવી નાસી જઈ હોવાની કબુલાત કરી હતી. આરોપી વિરુદ્ધ નવરંગપુર, ગાંધીનગર ઈન્ફોસીટી, મહિસાગર, સુરેન્દ્રનગર અને પેટલાદ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયલ બહાર આવ્યું હતું. આરોપી હુસેનઅલી પોતાના સાગરીતો સાથે પોતાના વતન મધ્યપ્રદેશથી અલગ-અલગ શહેરોમાં આવતા હતા અને સોના-ચાંદીની દુકાનો તથા શો-રૂમમાં ગ્રાહકનો સ્વાંગ રચી જતા હતા. દુકાનદારોને દાગીના બતાવવાનું જણાવી અલગ-અલગ દાગીનાઓ કઢાવતા હતા અને તે દરમિયાન એક સાગરિત દાગીના પસંદ કરવાનો ડોંગ કરતો હતો અને અન્ય સાગરિતો બીજા દાગીના બતાવવા ઈશારો કરતા જેથી દુકાનદારનું ધ્યાન બીજી તરફ ખેંચતા અને આ દરમિયાન દુકાનદારની નજર ચુકવી દાગીના કાઢી લેતા હતો. આરોપી હુસેનઅલી સૈયદ જાફરી ચાર પાંચ વર્ષ અગાઉ કચ્છના ભુજ, મુન્દ્રા, માંડવી, નખત્રાણા, ગધીસા અને અમરેલી પોલીસ સ્ટેશનોમાં તથા દશેક દિવસ અગાઉ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં આવા પ્રકારના કુલ ૬ થી ૭ ગુનાઓમાં પકડાયેલ હતો.

(10:07 pm IST)