Gujarati News

Gujarati News

News of Monday, 19th November 2018

નર્મદા જળમાં પેસ્ટીસાઇડ્સનું ચકાસણી માટે મશીનો મૂકાશે

કરોડો રૂપિયાના ખર્ચે મશીનો ખરીદાશે : લોકોના આરોગ્યને ધ્યાને રાખી વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા નિર્ધારિત માપદંડ મુજબ પાણી ગુણવત્તા જાળવવાનો પ્રયાસ

અમદાવાદ, તા.૧૯ :  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા શહેરીજનોને ખુલ્લી નર્મદા કેનાલમાંથી પીવાનું પાણી પૂરું પડાતું હોઇ આ પાણીમાં ભળતાં પેસ્ટિસાઇડ્સ(જંતુનાશક દવાઓ)ના પૃથક્કરણ કરવાની દિશામાં કરોડો રૂપિયાના ખર્ચે બે મશીન ખરીદવાની દિશામાં ચક્રો ગતિમાન કરાયાં છે. આજની વોટર સપ્લાય કમિટી સમક્ષ તંત્રની સેન્ટ્રલ લેબોરેટરી દ્વારા પીવાના પાણી સંબંધિત પૃથક્કરણ માટે ગેસ ક્રોમેટોગ્રાફી, ઓટોમેટિક ફોર હેડ ટેસ્ટ ટ્યૂબ ફિલિંગ મશીન જેવા વૈજ્ઞાનિક સાધનો ખરીદવા સંદર્ભે સૌથી ઓછા ભાવના એપલેબ એન્જિકેમના અંદાજી ભાવથી એક ટકા ઓછા ભાવના એટલે કે રૂ.૧.૪૪ કરોડના ટેન્ડરને મંજૂરી માટે મુકાયું હતું.  અમ્યુકો સૂત્રોના મતે, નર્મદા કેનાલના પાણીમાં ભળતા કાર્સિનોજંકસ જેવા પેસ્ટિસાઇડ્સથી આવું પાણી પીનાર વ્યકિતને લાંબા ગાળે કોઇપણ પ્રકારનું કેન્સર કે અન્ય બિમારીઓ થઇ શકે છે.  વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા પીવાના પાણીના પૃથક્કરણ હેતુની સરકારી લેબ માટે નિર્ધારિત કરેલા માપદંડ મુજબ વિવિધ વૈજ્ઞાનિક સાધન જરૂરી હોઇ તે માટે તંત્ર દ્વારા કવાયત આરંભાઇ છે. અગાઉ સત્તાવાળાઓ દ્વારા પાણીમાં હેવી મેટલ ચકાસવા માટેના મશીન ખરીદાયા હતા તેમજ રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોતરપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અનેે જાસપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ખાતે ટીડીએસ, ટર્બિડિટી, કેલ્શિયમ વગેરેની ઓટોમેટિક ચકાસણી કરવાના મશીન આગામી જાન્યુઆરી મહિનામાં મુકવાનું આયોજન ચાલી રહ્યું છે. આ માટે રૂ.૯૬ લાખનો સંબંધિત કંપનીને કોન્ટ્રાકટ અપાઇ ગયો છે. આ ઉપરાંત પાણીમાંના બેકટેરિયા ચકાસવા માટે વપરાતી ટેસ્ટ ટ્યૂબની ઝડપભેર સફાઇ કરવા માટેનું અત્યાધુનિક મશીન પણ ખરીદાશે. આ મશીનથી એક સાથે પાંચથી છ હજાર ટેસ્ટ ટ્યૂબ સાફ કરી શકાશે, જેના કારણે તંત્ર દ્વારા પીવાના પાણીના સેમ્પલની ચકાસણીમાં ગતિ આવશે. આ જ પ્રકારે હવે નર્મદા કેનાલમાં પણ પાણીમાં પેસ્ટીસાઇડ્સનું પ્રમાણ ચકાસવા મશીનો મૂકવાનું આયોજન હાથ ધરાયું છે.

(10:06 pm IST)