Gujarati News

Gujarati News

News of Tuesday, 19th October 2021

વડોદરામાં કોર્પોરેશન દ્વારા સોનિયા નગરમાં રહીશોને મકાન ખાલી કરવાની નોટિસ ફટકારવામાં આવી

વડોદરા: મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સોનિયા નગરના રહીશોને પોતાનો સરસામાન વગેરે ખસેડી લેવાની તાકીદ કરાઈ છે. ટૂંક સમયમાં અહીં ના આ દબાણો તોડી પાડવા નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. નાગરવાડા ટીપી સ્કીમ નંબર 9માં ફાઇનલ પ્લોટ નંબર 328, 300, 326 અને 327 માં કલેકટર હસ્તકના પ્લોટમાં સોનિયા નગર વસાહત આવેલી છે. જ્યાં કાચા પાકા અનઅધિકૃત બાંધકામો કરવામાં આવેલા છે. દબાણ કર્તાઓને અગાઉ કોર્પોરેશન દ્વારા નોટિસ અપાઇ હતી, પરંતુ તે સ્વીકારી ન હતી. આર.પી.એડી થી નોટિસ આપી હતી, તે પરત આવી હતી.

તારીખ 8 એપ્રિલ અને તારીખ 10 જૂનના રોજ જાહેર નોટીસ આપીને ગેરકાયદે દબાણો સાત દિવસમાં દૂર કરી જમીનનો કબજો ખુલ્લો કરવા જણાવ્યું હતું. દરમિયાન અહીં રહેતા લોકોને પોતાના સાધનીક પુરાવા અને કાગળ કોર્પોરેશનની રાવપુરા ખાતેની નૂર્મની ઓફિસે રજૂ કરવાનું કહ્યું હતું. જેથી મકાનોની ફાળવણી થઈ શકે. કોર્પોરેશન દ્વારા મંજૂર કરવામાં આવેલી સ્લમ પોલીસી અને તે યોજના, નીતિ નિયમો અને માર્ગદર્શિકા મુજબ કાગળ રજૂ થાય તો લાભાર્થી ફાળાની રકમ ભર્યા પછી આવાસની ફાળવણી થઈ શકે. આ સૂચનાનો પણ વસાહતના લોકો એ અમલ કર્યો નથી. જેથી કોર્પોરેશને આખરી નોટિસ આપી દબાણ ટૂંક સમયમાં દૂર કરાશે તેમ સ્પષ્ટપણે જણાવ્યું છે. જોકે ગયા જૂન મહિનામાં સોનિયા નગરના લોકોએ મોરચા સ્વરૂપે આવી કોર્પોરેશનમાં રજૂઆત કરી હતી કે મકાન માટે વધુ રૂપિયા ભરવાનું કહેવામાં આવે છે. લોકોને સયાજીપુરા ઇ.ડબલ્યુ.એસ પ્રકારના 216 મકાનો પૈકી 87 મકાનો કોમ્પ્યુટરાઈઝ્ડ ડ્રો કરીને અપાયા છે તેમ જાણવા મળ્યું છે.

(5:20 pm IST)