Gujarati News

Gujarati News

News of Monday, 19th October 2020

વડોદરાના અલકાપુરી વિસ્તારમાં હોટલમાં પાંચમા માળેથી અસ્થિર મગજના યુવકે પડતું મુકતા અરેરાટી

વડોદરા: શહેરના  અલકાપુરી રોડ પર આવેલી સુદર્શન હોટલના પાંચમા માળેથી પડતું  મૂકનાર અસ્થિર મગજના અજાણ્યા યુવકનું મોત નિપજ્યુ છે. જ્યારે અન્ય એક યુવકની લાશ હાઇવે પરથી મળી આવી છે. આણંદના કરણભાઇ પટેલ  આજે સવારે અલકાપુરી રોડ પરથી જઇ રહ્યા હતા ત્યારે તેમની નજર સુદર્શન હોટલ પાસે એક લાશ પર  પડતા તેમણે પોલીસને જાણ કરી હતી.  જેથી ગોત્રી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુદર્શન હોટલ લાંબા સમયથી બંધ હાલતમાં છે. તેનો ગેટ સાંકળથી બાંધેલો હતો. તે ગેટમાંથી અજાણ્યો અસ્થિર મગજનો યુવક બહાર દાદર પરથી પાંચમા માળ સુધી જતો રહ્યો હતો અને ત્યાંથી નીચે પડતુ મૂકવાથી તેનુ મોત થયુ હતું.  પ્રાથમિક તપાસમાં એવુ જાણવા મળ્યુ હતું કે આ અસ્થિર મગજનો યુવક છેલ્લા બે-ત્રણ દિવસથી આ વિસ્તારમાં ફરતો હતો.  મૃતક પાસેથી એવી   કોઇ જ વસ્તુ મળી નથી જેના પરથી તેની ઓળખ  થઇ શકે. જ્યારે અન્ય એક બનાવમાં  અમદાવાદથી સુરત જતા હાઇવે પર  ગોલ્ડન બ્રિજ પાસેના ફૂટપાથ પરથી એક અજાણ્યા યુવકની લાશ મળી હતી. ફૂટપાથ પર પડી જવાના કારણે ઇજા થવાથી તેનું મોત થયુ હોવાનું હરણી પોલીસે જણાવ્યું છે. આ મૃતકની પણ હજીસુધી ઓળખ થઇ શકી નથી. 

(5:56 pm IST)