Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

HSRP લગાવવા માટેની મુદત હવે ૩૧મી ડિસેમ્બર

આરટીઓ તંત્ર કપરા કાર્યને પહોંચી વળતું નથી : તંત્ર જાગૃતતા અને અસરકારક પ્રયાસો કરવામાં નિષ્ફળ રહેતા લોકો પણ ઉદાસીન બન્યા : કામગીરી અટવાઈ છે

અમદાવાદ, તા.૧૯ : જૂનાં વાહનોમાં એચએસઆરપી(હાઈ સિક્યોરિટી રજિસ્ટ્રેશન પ્લેટ) લગાવવાની મુદતમાં ચાર વાર વધારો કરવા છતાં આજે પણ પરિસ્થિતિમાં કોઇ ફેર પડ્યો નથી. એચએસઆરપી માટેની આખરી મુુદત તા.૩૧ ડિસેમ્બર કરાઇ છે. એકબાજુ આરટીઓ તંત્ર એચએસઆરપી લગાવવાના કપરા કાર્યને પહોંચી વળતુ નથી ત્યારે બીજીબાજુ રાજય સરકાર અને તંત્ર દ્વારા જાગૃતતા અને અસરકારક પ્રયાસો કરવામાં નિષ્ફળ રહેવાના કારણે લોકો પણ એટલા ઉદાસીન રહ્યા છે, આમ આજની તારીખે પણ એચએસઆરપીનો મુદ્દો સત્તાવાળાઓ માટે માથાના દુખાવા સમાન બની રહ્યો છે. આરટીઓમાં તા.૩૦ જુલાઈ સુધી જૂનાં વાહનોમાં નંબર પ્લેટ લગાવવા જે ધસારો થતો હતો તેમાં હવે ચાર માસની મુદત વધતાં જ લોકોમાં ઉદાસીનતા આવી ગઇ છે. એચએસઆરપી નંબર પ્લેટ લગાવવા આવનારાઓની સંખ્યા ઘટીને અડધી થઈ ગઈ છે. આરટીઓ કંપાઉન્ડમાં લોકો ભરઉનાળાના તડકામાં કે વરસતા વરસાદમાં ભીંજાઈને એચએસઆરપી માટે લાઇનો લગાવી કલાકોનો સમય કાઢતા હતા પણ ત્યાં હવે આસાનીથી એચએસઆરપી લગાવવાની કામગીરી થાય છે. વારંવારની સૂચના છતાં જૂનાં વાહનોમાં એચએસઆરપી લગાવવા પ્રત્યે લોકો બેદરકારી રાખી રહ્યા છે અને ઉદાસીન બની રહ્યા છે. એચએસઆરપી લગાવવાની આખરી તારીખ સૌપ્રથમ ર૮ ફેબ્રુઆરી હતી, જે વધારીને હવે ૩૧ માર્ચ કરાઇ હતી, પરંતુ અમદાવાદ સહિત રાજ્યભરમાં લાખો વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી હોઈ ફરી એક વાર મુદત વધારીને તા.૩૧ જુલાઈ કરવામાં આવી. ત્યારબાદ આખરી તારીખ લંબાવીને તા.૩૧ ડિસેમ્બર કરતાં હજુ બહુ સમય બાકી છે તેવું વિચારીને લોકો ઉદાસીન બન્યાછે. વારંવાર આખરી તારીખ લંબાવવાના કારણે એચએસઆરપી બાબતે હવે લોકોનો રસ ઘટ્યો છે. વાહન વ્યવહાર વિભાગનાં સૂત્રોના જણાવ્યા મુજબ હવે પછી આ મુદતમાં વધારો કરવામાં આવશે નહીં. અમદાવાદ આરટીઓમાં રોજની ૯૦૦ નંબર પ્લેટ ફિટ થઇ શકે. ડિમ્ડ આરટીઓ દ્વારા લગાવાતી નંબર પ્લેટ સહિત અંદાજ મૂકવામાં આવે તો હજુ પણ બીજા બેથી ત્રણ વર્ષે માંડ તમામ વાહનમાં એચએસઆરપી લાગી શકે. શહેરમાં ૯૦થી વધુ ડિમ્ડ આરટીઓ ડીલર છે. આરટીઓ કે ડીલરો મળીને ગમે તેટલું કામ કરે તો પણ રોજની તેઓ માત્ર ર૦૦૦થી રપ૦૦ જેટલી નંબર પ્લેટ લગાવી શકે. શહેરનાં ૧૧ લાખ વાહનોનો ટાર્ગેટ પૂરો કરવો હોય તો રોજની ર૦ હજાર જેટલી નંબર પ્લેટ લગાવવી પડે, તેના બદલે માત્ર રપ૦૦ નંબર પ્લેટ લગાવાય છે. બીજીબાજુ, આરટીઓ તંત્રના અધિકારીઓએ દાવો કર્યો હતો કે, કચેરી દરેક વાહનમાં એચએસઆરપી લગાવવા પૂરતી મહેનત કરી રહી છે. હવે અઢી મહિનાની મુદત બાકી હોઇ વાહનધારક આ બાબતને ગંભીરતાથી લે તે માટેના ચોક્કસ પ્રયત્નો હાથ ધરાશે. અમદાવાદમાં હજુ લાખો વાહન ધારકોના વાહનોમાં એચએસઆરપી લગાવવાની બાકી છે.

(11:16 pm IST)
  • આવતીકાલે શુક્રવારે પણ ઇંધણના ભાવમાં મળશે રાહત :પેટ્રોલ -ડીઝલના ભાવમાં થશે ઘટાડો : પેટ્રોલના ભાવમાં 20 પૈસા અને ડીઝલના ભાવમાં સંભવત 10 પૈસા સુધીનો ઘટાડો કરાય તેવી શકયતા : એકધારા વધતા ભાવથી ત્રાહિમામ લોકોને મળશે હળવી રાહત access_time 11:58 pm IST

  • હવેથી CBSE માન્ય સ્કૂલોના વિદ્યાર્થીઓ ગમે ત્યાંથી યુનિફોર્મ,સ્ટેશનરી અને પુસ્તકો ખરીદી શકશે :નવી ગાઈડલાઈન જાહેર દેશની 20 હજારથી વધુ સ્કૂલો થશે પ્રભાવિત access_time 4:30 pm IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવવધારાના પગલે અમદાવાદમાં કોંગ્રેસની સાયકલ રેલી : અમદાવાદમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાની આગેવાનીમાં કાલુપુર રેલ્વે સ્ટેશનથી લાલ દરવાજા સુધી સાયકલ રેલીઃ પેટ્રોલ - ડીઝલના ભાવવધારાના પગલે ૧૫ ફુટ ઉંચા મોંઘવારીનો રાક્ષસ બનાવી વિરોધ દર્શાવ્યોઃ રૂપાલી સિનેમા પાસે પુતળાનું દહન કરાશે access_time 3:54 pm IST