Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વડોદરાના મુજમહુડા વિસ્તારમાં મહિલાઓએ મંગાવેલ દારૂના જથ્થાને પોલીસે રંગે હાથે ઝડપ્યો

વડોદરા:મુજમહુડા વિસ્તારમાં રહેતી મહિલાઓ મંગાવેલો વિદેશી દારૃ લઇને આવતા કેરિયરને રાવપુરા પોલીસે ઝડપી પાડી દારૃની ૧૮૫ બોટલો જપ્ત કરી છે.

આ અંગેની વિગત એવી છે કે, રાવપુરા પોલીસ ગત રાત્રે પોણાદશ વાગ્યે દાંડિયા બજાર અરવિંદ આશ્રમ પાસે દારૃની ૧૮૫ બોટલો રીક્ષામાં લઇને જતા મહેશ માનસીંગભાઇ ભુરિયા (રહે. દાવડા ભુરિયા ફળિયુ તા. લીમખેડા, જિ.દાહોદ) ને ઝડપી પાડયો હતો. પોલીસે મહેશ ભુરિયા ઉપરાંત રીક્ષા ચાલક રાજ્યસિંહ નટવરસિંહ શિનોરા (રહે. સયાજીપુરા)ને પણ એરેસ્ટ કર્યો હતો.

પોલીસની પ્રાથમિક પૂછપરછ દરમિયાન આરોપીઓએ કબૂલ્યું હતું કે, દારૃનો જથ્થો મુજમહુડામાં રહેતી ભુરીબેન નામની મહિલાએ મંગાવ્યો હતો. જેથી પોલીસે ભુરીબેનને પણ વોન્ટેડ દર્શાવી છે. પોલીસે બે આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, દારૃનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યા હતાં? ભુરીબેનને પકડવાની છે. શહેરમાં અન્ય કોઇ સ્થળે દારૃ સપ્લાય કર્યો છે કે કેમ?તેની તપાસ કરવાની છે. કોર્ટે આરોપીઓના બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

(5:03 pm IST)