Gujarati News

Gujarati News

News of Friday, 19th October 2018

વીમા કંપનીઓને જવાબદારીમાંથી છટકવા નહિ દઈએ, ખેડૂતોને પૂરતો વીમો અપાવશું: ફળદુ

ટાણે-કટાણે ખેતરમાં કંપનીના ધાડા ઉતારી દેવા સામે સરકારની લાલ આંખ

રાજકોટ, તા. ૧૯ :. રાજ્યના કૃષિ મંત્રી શ્રી આર.સી. ફળદુએ આ વર્ષે ઓછા વરસાદને કારણે ઉદ્ભવેલી પરિસ્થિતિમાં ખેડૂતોને નિયમ મુજબ પુરતો પાક વીમો અપાવવાનું વચન આપ્યુ છે. તેમણે પોતે ખેડૂતોની વેદના જાણતા હોવાનું જણાવી સરકાર ખેડૂતોની સાથે હોવાનું આશ્વાસન આપ્યુ છે.  શ્રી ફળદુએ અકિલા સાથેની વાતચીતમાં જણાવેલ કે, આ વર્ષે ખેતીની દ્રષ્ટિએ નબળુ વર્ષ થતા પાક વીમો એ ખેડૂતોનો અધિકાર છે. મેં થોડા દિવસ પહેલા જ ચારેય વીમા કંપનીના અધિકારીઓની બેઠક બોલાવી હતી. જેમાં પાક કાપણીના અખતરામાં કયાંય અન્યાયી કે અનિચ્છનીય પદ્ધતિ નહિ અપનાવવા સ્પષ્ટ સૂચના આપી છે. અમુક ગામમાં વીમા કંપનીના અધિકારીઓ વહેલી સવારે મોટી સંખ્યામાં પહોંચી જતા હોવાની ફરીયાદ મળતા સરકારે તેને ખૂબ ગંભીરતાથી લઈ વીમા કંપનીને યોગ્ય સમયે ખેતરમાં જવા અને યોગ્ય પદ્ધતિથી પાક કાપણીના અખતરાની કાર્યવાહી કરવા જણાવ્યુ છે. ખેતીવાડી ખાતાના અધિકારીઓને સાથે રાખવાના રહેશે અને ખેડૂતની હાજરીમાં જ પંચ રોજકામ કરવાનું રહેશે. ખેડૂતોનો પાક નિષ્ફળ જવાથી ખેડૂતોને પડતી મુશ્કેલીથી સરકાર વાકેફ છે. વીમા કંપનીઓને જવાબદારીમાંથી છટકવાનો કોઈ પ્રયાસ નહિ કરવા સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યુ છે. સરકાર ખેડૂતોને સંતોષકારક વીમો અપાવશે. હાલ ખેતરોમાં કાપણીના અખતરા (વાવેતર અને ઉપજનો સર્વે) ચાલી રહ્યા છે ત્યાર બાદ કેન્દ્ર સરકારને અહેવાલ આપવામાં આવશે. ખેડૂતોને શકય તેટલો વહેલો વીમો અપાવવા માટે સરકાર પ્રયત્નશીલ છે.

(3:30 pm IST)