Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

વકરેલા વિવાદ બાદ આખરે નિત્યસ્વરૂપદાસે માફી માંગી

રત્નાકર એવોર્ડ પરત કરવાથી વિવાદ પછી માફી :લોકસંગીતના ૧૭ કલાકારોએ રત્નાકર એવોર્ડ પરત કર્યા હતા : દેવતા મામલે બોલાયુ હોય તો માફી માંગીએ છીએ

અમદાવાદ, તા.૧૯ : નીલકંઠવર્ણી વિવાદ શમી ગયા બાદ સ્વામિનારાયણ સંપ્રદાયના એક સ્વામીએ કલાકારો દારૂ પીને કાર્યક્રમો કરે છે તેવું નિવેદન આપ્યું હતું. જેને પગલે રાજયના કલાકારજગતમાં જોરદાર આક્રોશની લાગણી ફેલાઇ ગઇ હતી. ગુજરાતના લોકસંગીતના ૧૭ જેટલા કલાકારોએ સરધાર સ્વામિનારાયણ મંદિર તરફથી આપવામાં આવેલો રત્નાકર એવોર્ડ પરત કર્યો હતો. પરંતુ આ વિવાદ ફરી છંછેડાયો હોય તેમ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઇ રહ્યો છે. સમગ્ર વિવાદ વકરતાં આખરે હવે સરધાર સ્વામિનારાયણ મંદિરના નિત્યસ્વરૂપદાસ સ્વામીનો માફી માગતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે. આ વીડિયો બુધવારનો હોવાનું સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી જાણવા મળી રહ્યુ છે.

                 સોશિયલ મીડિયામાં વાઇરલ થયેલા વીડિયોમાં સરધાર મંદિરના નિત્યસ્વરૂપદાસજી સ્વામી કહી રહ્યા છે કે, સર્વે ધર્મપ્રેમી જનતાને જય સ્વામિનારાયણ, જયશ્રી કૃષ્ણ, જય સિયારામ અને જય મહાદેવ. આપણે બધા સનાતન ધર્મના સંતાનો છીએ. તેને આગળ લઈ જવા માટે તમામ સક્રિય છીએ. તેમ છતાં ક્યારેય સનાતન ધર્મ કે દેવી દેવતા, દેવોના દેવ મહાદેવ કે ભગવાનના કોઈ અવતાર વિશે અમારાથી કંઈ બોલાયું હોય તો અમે ક્ષમા માંગીએ છીએ. આમ, હવે નિત્યસ્વરૂપ દાસજી સ્વામીએ માફી માંગીને કલાકારજગતનો આક્રોશ અને સમગ્ર વિવાદ ખાળવાનો પ્રયાસ કર્યો છે. હવે સ્વામિનારાયણ સંપ્રદાય તરફથી માંગવામાં આવેલી આ માફીનો નારાજ કલાકારો સ્વીકાર કરે છે અને માની જાય છે કે કેમ તે જોવાનું રસપ્રદ રહેશે.

(9:01 pm IST)