Gujarati News

Gujarati News

News of Thursday, 19th September 2019

હવે કારનું લાયસન્સ લેવા માટે ગીયરવાળી કારને બદલે ઓટોમેટિક કાર થકી ટેસ્ટ આપી શકાશે

ટેસ્ટની પ્રક્રિયા પણ હળવી બનાવવામાં આવી

અમદાવાદ, તા.૧૯: ગુજરાતની તમામ આરટીઓમાં ડ્રાઈવિંગ ટેસ્ટ હવે સેન્સરથી સજ્જ ટ્રેક પર લેવામાં આવે છે. તેમાંય ફોર વ્હીલરનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોએ ખૂબ જ આકરી પરીક્ષા આપવી પડે છે, જેમાં ભાગ્યે જ કોઈ પહેલી ટ્રાયલમાં પાસ થઈ શકે છે. જોકે, ગુજરાત સરકારે એક મોટી જાહેરાત કરતાં કારનું લાઈસન્સ કઢાવવા માગતા લોકોને મોટી રાહત મળી શકે તેમ છે.

અત્યારસુધી કારના લાઈસન્સ માટેની ટેસ્ટ ફરજિયાતપણે ગીયરવાળી કાર દ્વારા જ આપવી પડતી હતી. ઓટોમેટિક કાર ચલાવવામાં સરળ છે, પરંતુ તેના દ્વારા ડ્રાઈવિંગ ટેસ્ટ નહોતી આપી શકાતી. કારના લાઈસન્સ માટેની ટેસ્ટમાં કારને ઢાળ પર ઉભી રાખીને ચઢાવવાથી માંડીને રિવર્સ પાર્કિંગ તેમજ ઝીગઝેગ ડ્રાઈવિંગ અને રિવર્સ ટેસ્ટ આપવાની રહે છે.

જોકે, આજે જ સરકારે જાહેરાત કરી છે કે, હવે ઓટોમેટિક કાર દ્વારા પણ ડ્રાઈવિંગ ટેસ્ટ આપી શકાશે. આ ઉપરાંત, કારમાં લાગેલા રિવર્સ કેમેરાને પણ અત્યારસુધી ડ્રાઈવિંગ ટેસ્ટ દરમિયાન ઢાંકી દેવામાં આવતો હતો. જોકે, હવે ટેસ્ટ આપનાર પાર્કિંગ કેમેરાનો પણ ઉપગોય કરી શકશે. જેનાથી ટેસ્ટના રિવર્સ તેમજ પેરેલલ પાર્કિંગમાં ખૂબ જ સરળતા રહેશે, અને ઓટોમેટિક કાર હોવાથી ઢાળ ચઢાવવાનો ટેસ્ટ પણ સરળતાથી પાસ કરી શકાશે.

આરટીઓમાં ખૂબ જ મોટી સંખ્યામાં રોજેરોજ લોકો ડ્રાઈવિંગ ટેસ્ટ આપવા માટે આવતા હોય છે. જોકે, સેન્સર આધારિત ટ્રેક અમલમાં આવ્યા બાદ મોટાભાગના લોકોને કાર માટે એકથી વધુ વાર ટેસ્ટ આપવો પડતો હતો, અને આરટીઓના ધક્કા ખાવા પડતા હતા. નિયમોમાં થયેલા ફેરફારથી હજારો લોકોને મોટી રાહત મળે તેવી શકયતા છે.

(4:06 pm IST)