Gujarati News

Gujarati News

News of Wednesday, 19th September 2018

ગણપતિ મહોત્સવ : વડસરિયા ગણેશ મંદિરમાં ભકતો ઉમટ્યા

સૂંઢ વગરના ૧૨૦૦ વર્ષ જુના બાલસ્વરૂપ ગણેશજીઃ વડસરિયા ગણેશ મંદિર ટ્રસ્ટ દ્વારા ભવિષ્યમાં વિશ્વકક્ષાની સંસ્કૃત યુનિવર્સિટી તેમજ ગૌશાળા બનાવવાનું આયોજન

અમદાવાદ,તા. ૧૯: વિધ્નહર્તા દુંદાળા દેવ ગણપતિ દાદાનો મહોત્સવ હાલ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદથી નજીકના અંતરે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના વડસર ગામે આવેલા સુપ્રસિધ્ધ ૧૨૦૦ વર્ષ જૂના, સ્વયંભૂ અને વિશ્વના એક માત્ર સૂંઢ વગરના ગણેશજીની મૂર્તિ ધરાવતાં વડસરિયા ગણેશ મંદિરમાં હાલ લાખો શ્રધ્ધાળુઓ દાદાના દર્શનાર્થે ઉમટી રહ્યા છે. દિન પ્રતિદિન ગણેશભકતો અને દર્શનાર્થીઓની વધતી જતી ભીડ અને ભારે ધસારાને લઇ હવે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક રબારી-ભરવાડ સમાજના ગ્રામજનો દ્વારા દેશ-વિદેશથી આવતા દાદાના ભકતો અને શ્રધ્ધાળુઓ માટે વિશેષ વ્યવસ્થા, સુવિધા અને રોકાણ સહિતની સગવડો કરવાની વિચારણા હાથ ધરાઇ છે. એટલું જ નહી, આગામી ભવિષ્યમાં વડસર ખાતે મંદિરની પાછળના ભાગે જ વિશાળ ખુલ્લી જમીનમાં વિશ્વ કક્ષાની સંસ્કૃત યુનિવર્સિટી અને ગૌશાળા બનાવવાનું પણ આયોજન છે એમ  વડસરિયા ગણેશ મંદિરના મહંત ભૂપેન્દ્રભાઇ શાસ્ત્રીજી અને મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પરેશભાઇ પટેલે જણાવ્યું હતું. વડસરિયા ગણેશ મંદિર પાછળની વિશાળ જગ્યામાં ભવિષ્યમાં ઉભી થનારી સંસ્કૃત યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માત્ર સંસ્કૃત ભાષાનું જ નહી પરંતુ આપણા ધર્મ, વેદ, શાસ્ત્રો, જયોતિષથી માંડી કોમ્પ્યુટર જ્ઞાન અને પીએચડી સહિત ઉચ્ચ અભ્યાસ સહિતનું પધ્ધતિસરનું શિક્ષણ અને નિપુણતા પ્રાપ્ત કરાવાશે કે જેથી સમાજમાં સારા સંસ્કારો અને સભ્ય સમાજની નવી પેઢીનું નિર્માણ થઇ શકે. એટલું જ નહી, ધર્મના પ્રાણ સમાન ગૌમાતાના આશીર્વાદ અને સંસ્કૃતિના જતનના આશયથી વિશ્વ કક્ષાની અદ્યતન ગૌશાળાનું આયોજન કરાશે. વડસરિયા ગણેશજીની સૌથી નોંધનીય અને વિશેષ બાબત એ છે કે, અહીં વિશ્વમાં એક માત્ર ગણેશજીની સૂંઢ વગરની મૂર્તિ છે, જે સ્વયંભૂ છે અને ગણેશજી અહીં બાલસ્વરૂપમાં રિધ્ધિ-સિધ્ધિ સાથે બિરાજમાન છે. દાદાના દર્શન માત્રથી અહીં શ્રધ્ધાળુ ભકતોની માનતા અને ઇચ્છાની પૂર્તિ થતી હોવાની ધાર્મિક માન્યતાછે. આ ઐતિહાસિક અને અનન્ય મહાત્મ્ય ધરાવતું મંદિર ૧૨૦૦ વર્ષ જૂનું છે, જેનો ઇતિહાસ વર્ણવતાં વડસરિયા ગણેશ મંદિરના મહંત ભૂપેન્દ્રભાઇ શાસ્ત્રીજી જણાવે છે કે, વડસર ગામના નગરશેઠ શ્રી વડુશા(વૈષ્ણવ વણિક)ની ગાયો ચરવા માટે ગામના એક રબારી ભરવાડ રોજ લઇને જતા હતા. સંધ્યાકાળે ગાયોનું દૂધ દોહતી વખતે ખબર પડી કે, તે પૈકીની એક ગાય દૂધ આપતી ન હતી, જેની જાણ નગરશેઠ વડુશાને થતાં તેમણે રબારી-ભરવાડને બોલાવી કહ્યું કે, મારી એક ગાયનું દૂધ તું દોહી લે છે અને ચોરી કરે છે, તેવુ આળ લગાવ્યું. જો કે, રબારી ભરવાડે કહ્યું કે, તે દૂધની ચોરી નથી કરતો, મારી પર ખોટુ આળ લગાવાય છે. બાદમાં રબારી ભરવાડે જાતે એ ગાયની તપાસ રાખી તો, ખબર પડી કે, આ ગાય સાંજ પહેલા એક અવાવરૂ જગ્યાએ જઇને તેના ચાર આંચળમાંથી બધુ જ દૂધ ત્યાં ઉભી રહી ભૂમિ પર અભિષેક કરતી હતી. રબારી ભરવાડે આ વાતની જાણ વડુશા શેઠને કરી, તેમણે બીજા દિવસે જાતે રૂબરૂમાં ઘટના જોવાની વાત કરી. પરંતુ એ જ રાત્રે નગરશેઠ શ્રી વડુશાને શ્રી વડસરિયા ગણેશજીએ સ્વપ્નમાં આવીને જણાવ્યું કે, હું જમીન નીચે બાળસ્વરૂપે રિધ્ધિ-સિધ્ધિ સાથે બિરાજમાન છું, મને બહારકાઢી મારી મૂર્તિને સ્થાપિત કરો અને મંદિર બનાવો. આ રબારી ભરવાડ તો નિર્દોષ છે. બીજા દિવસે નગરશેઠ શ્રી વડુશા અને ગ્રામજનોએ વાજતે ગાજતે ગાય દૂધ ઝારતી હતી, ત્યાં ખોદકામ કરી એક જ પથ્થરમાંથી બનેલી સૂંઢ વગરના બાલસ્વરૂપ ગણેશજીની રિધ્ધિ-સિધ્ધિ સાથેની આખી મૂર્તિ બહાર કાઢી અને ત્યારબાદ ભવ્ય મંદિરનું નિર્માણ કરાયું હતું. બાદમાં ગામના નામ વડસર પરથી વડસરિયા ગણેશજી નામથી જગપ્રસિધ્ધ બન્યા. સમગ્ર વિશ્વમાં સૂંઢ વગરના આ બાલસ્વરૂપ ગણેશજીનું એક જ મંદિર છે, જે છેલ્લા ૧૨૦૦ વર્ષથી તેનો ઇતિહાસ, મહિમા અને પરચાઓની ગાથા પ્રસરાવતું રહ્યું છે. વડસર ગામના રબારી-ભરવાડને ચોરીના આળમાંથી મુકત કર્યા હોઇ તેઓ આ ગણેશજીને ખૂબ જ ભકિત અને આસ્થા સાથે પૂજે છે. વડસર ગામના પટેલ શ્રેષ્ઠી શ્રી દઉ પરિવાર વર્ષોથી આ મંદિરની સેવા કરે છે, વડસરિયા ગણેશ મંદિરના મેનેજીંગ ટ્રસ્ટી પરેશભાઇ પટેલ સહિત સમગ્ર દઉ પરિવાર અને સ્થાનિક ગ્રામજનોના ખંતપૂર્વકના પ્રયાસોથી થોડા સમય પહેલાં જ આ મંદિરનો જીર્ણોધ્ધાર કરી વિશાળ પરિસર અને સુવિધાયુકત બનાવાયું છે. મંદિર પટાંગણમાં જ શ્રી મુખેશ્વર મહાદેવ, શ્રી અન્નપૂર્ણા માતાજી, અંબાજી માતાજી અને બળિયાદેવના પણ મંદિરોની પ્રાણ પ્રતિષ્ઠા ફેબ્રુઆરી-૨૦૧૮માં કરાઇ હતી. વડસરિયા ગણેશજીનો એટલો મહિમા છેે કે, દર મંગળવારે અને દરેક મહિનાની વદ ચોથ એટલે કે, સંકષ્ટ ચતુર્થી અને અંગારકી ચતુર્થીએ તો હજારો-લાખોની સંખ્યામાં ગણેશ ભકતો-શ્રધ્ધાળુઓ દાદાના દર્શનાર્થે આવે છે.

ગુજરાત, મહારાષ્ટ્ર અને રાજસ્થાન જ નહી પરંતુ વિદેશમાંથી પણ શ્રધ્ધાળુઓ દાદાનો મહિમા અને પરચા સાંભળી ખાસ દર્શનાર્થે આવે છે. ગણેશચતુર્થીથી શરૂ થયેલા ગણેશ મહોત્સવને લઇ ગણેશભકતોનું અહીં ઘોડાપૂર ઉમટી રહ્યું છે. સૂંઢ વગરના બાલસ્વરૂપ ગણપતિ દાદાના દર્શન માત્રથી મનુષ્યની પીડા-ચિંતા, મુશ્કેલીઓ ટળી જતી હોવાની અને તેમની દરેક મનોકામના-ઇચ્છાઓ પરિપૂર્ણ થતી હોવાની માન્યતાને લઇ આજે વડસરિયા ગણેશ વિશ્વ પ્રસિધ્ધ બન્યા છે. ગણપતિ બાપ્પા મોરિયા, પુઢચ્યા વરસી લવકરિયા..બોલો વડસરિયા ગણેશજીની જય....

(10:14 pm IST)