Gujarati News

Gujarati News

News of Monday, 19th July 2021

વોટ્સએપ પર ભ્રષ્ટાચારના પુરાવા ACBને આપી શકાશે

ભ્રષ્ટ્રાચારીઓને આંતરવા એસીબી પણ હાઈટેક બની : હવે ફરિયાદી ડિજિટલ પુરાવાઓને પેન ડ્રાઈવ કે પછી સીડી દ્વારા એસીબીની ઓફિસે પહોંચાડી શકશે

ગાંધીનગર, તા.૧૯ : ભ્રષ્ટાચારીઓને પકડવા માટે હવે એન્ટી કરપ્શન બ્યૂરો પણ સમય સાથે હાઈટેક બની રહ્યું છે. કોઈપણ ફરિયાદી સરળતાથી પોતાની ફરિયાદ તેમજ પુરાવા પહોંચાડી શકે તે માટે હવે એસીબી દ્વારા વોટ્સએપ નંબર પણ શરુ કરવામાં આવ્યો છે. ઉપરાંત, ફરિયાદી ડિજિટલ પુરાવાને પેન ડ્રાઈવ કે પછી સીડી દ્વારા એસીબીની ઓફિસે પહોંચાડી શકશે.

અત્યારસુધી ફરિયાદી રુબરુ મુલાકાત કે પછી ટોલ ફ્રી નંબર દ્વારા એસીબીમાં કોઈ ભ્રષ્ટાચારી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકતા હતા. જોકે, હવે કોઈપણ સરળતાથી એસીબી સુધી પહોંચી શકે તે માટે વોટ્સએપ નંબર જાહેર કરાયો છે. એસીબીના જણાવ્યા અનુસાર, કોઈપણ ફરિયાદી ભ્રષ્ટાચાર આચરનારા વિરુદ્ધના પુરાવા ૯૦૯૯૯૧૧૦૫૫ પર મોકલી શકશે. પુરાવા મોકલનારા વ્યક્તિનું નામ પણ ગુપ્ત રાખવામાં આવશે.

જે કોઈ ભ્રષ્ટાચારી વિરુદ્ધ કોઈ જાગૃત નાગરિક ફરિયાદ કરવા માગતો હોય તે એસીબીને તેના ફોટા, પુરાવા તો મોકલી શકે છે. તેમજ આવક કરતાં વધુ મિલકત ધરાવતા સરકારી કર્મચારીની પ્રોપર્ટી, વાહનો, કે પછી તેની પાસે જમીન, મકાન સહિતની કોઈપણ વસ્તુ હોય તો તેની માહિતી પણ આપી શકે છે. ઉપરાંત, ટોલ ફ્રી ૧૦૬૪ અને એસીબીની અમદાવાદ ઓફિસ ૦૭૯-૨૨૮૬૯૨૨૮ પર ફોન કરીને પણ ફરિયાદ કરી શકાય છે. એસીબીને વોટ્સએપ દ્વારા જે પણ વિગતો પ્રાપ્ત થશે તેની સત્યતા ચકાસ્યા બાદ ફરિયાદ નોંધવામાં આવશે.

ઉપરાંત, કોઈપણ વ્યક્તિ પેન ડ્રાઈવ કે સીડી દ્વારા પુરાવા આપવા આવે તો તેની પૂછપરછ પણ નહીં કરવામાં આવે. વોટ્સએપ પર મળતી ફરિયાદો માટે એક ખાસ ટીમની પણ રચના કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે, એસીબી દ્વારા ૨૦૨૦માં કુલ ૨૦૦થી વધારે સફળ ટ્રેપ કરી હતી, અને ૪૨થી વધુ અપ્રમાણસર મિલકતોના કેસ કરવામાં આવ્યા છે. વર્ષમાં પણ અત્યારસુધી ૧૦૦ કેસ થઈ ચૂક્યા છે. એસીબીની તાજેતરની કામગીરી જોઈએ તો લાખો રુપિયા સાથે અમદાવાદ જિલ્લાના એક કોન્સ્ટેબલને પકડવા ઉપરાંત, કેટલાક સિનિયર અધિકારીઓને પણ લાંચ લેતા રંગેહાથ પકડવાના કેસોનો સમાવેશ થાય છે. એસીબી દ્વારા કોઈપણ કેસના મૂળ સુધી પહોંચી શકાય તે માટે સામાન્ય જનતાનો પણ સહકાર મેળવવાના હેતુથી હવે વોટ્સએપનો ઉપયોગ કરવાનું પણ શરુ કરાયું છે.

(7:41 pm IST)