Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

દર્દીઓ પાસે પૈસા વસુલ કરતી ઘણી હોસ્પિટલની સામે પગલા

અમદાવાદની ૧૭ મોટી હોસ્પિટલો સામે પગલા : અમદાવાદમાં જ મા કાર્ડ અંતર્ગત આશરે બે લાખ દર્દીને એક વર્ષમાં સારવાર : માપદંડ મુજબ બીજે મેડિકલ શ્રેષ્ઠ

અમદાવાદ,તા.૧૯ : રાજ્યભરમાં ગરીબ તથા આર્થિક રીતે નબળાં પરિવારોને ગંભીર પ્રકારના રોગોની સારવાર નિઃશુલ્ક મળી રહે તે માટે રાજ્ય સરકારે માં કાર્ડ, માં વાત્સલ્ય યોજના અને કેન્દ્ર સરકારે આયુષ્યમાન કાર્ડ અંતર્ગત તબીબી સેવા-સુશ્રુષા પૂરી પાડવાની સ્તુત્ય યોજના અમલી બનાવી છે. રાજ્યભરમાંથી સંખ્યાબંધ જરૂરિયાતમંદ દર્દીઓએ આ યોજનાનો ભરપૂર લાભ લીધો છે. જો કે સરકાર આ યોજના અંતર્ગત તમામ ગરીબ-આર્થિક રીતે નબળા લોકોની આર્થિક જવાબદારી લેતી હોવા છતાં; કેટલીક ખાનગી હોસ્પિટલો સેવાના આ કાર્યમાં પણ વ્યવસાય કરી લેવાની માનસિકતા ધરાવતી હોવાનું સામે આવ્યું છે. અમદાવાદમાં મા કાર્ડ ધારકો પાસેથી પૈસા વસુલતી શહેર-જિલ્લાની હોસ્પિટલો કઇ અને છેલ્લા બે વર્ષમાં તારીખઃ૩૧.૦૫.૨૦૧૯ની સ્થિતએ સરકારે તેમની સામે શા પગલાં લીધા તે મતલબના અમદાવાદના જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ પૂછેલા એક પ્રશ્નના લેખીત જવાબમાં નાયબ મુખ્યમંત્રી (આરોગ્ય) નીતિન પટેલે જણાવ્યું હતું કે; તારીખઃ ૩૧.૦૫.૨૦૧૯ની સ્થિતિએ અમદાવાદની ક્રિષ્ના શૅલ્બી હોસ્પિટલ, બોડી લાઇન હોસ્પિટલ, સૅવિયર હોસ્પિટલ, શેઠ વાડીલાલ સારાભાઇ જનરલ હોસ્પિટલ, શૅલ્બી હોસ્પિટલ (નરોડા), સ્ટાર હોસ્પિટલ, નારાયણ હિધ્યાલયા હોસ્પિટલ, જીસીએસ મેડિકલ કોલજ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર, આનંદ સર્જિકલ હોસ્પિટલ, ગ્લોબલ હોસ્પિટલ, એચસીજી મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલ (મીઠાખળી), લાઇફકેર ઇન્સ્ટિટયૂટ ઓફ મૅડિકલ સાયન્સ એન્ડ રિસર્ચ સેન્ટર, શિવાલિક હોસ્પિટલ, ર્સ્ટલિંગ હોસ્પિટલ, સંજીવની હોસ્પિટલ અને સાલ હોસ્પિટલ દ્વારા માં કાર્ડ હોવા છતાં દર્દીઓ પાસેથી પૈસા વસુલ્યા હતાં. આ પ્રકારની સ્થિતિને અટકાવવા અને 'માં કાર્ડ' હોય તેવા દર્દીઓ પાસેથી પૈસા ન વસુલાય તે માટે આ તમામ ૧૭ મોટી હોસ્પિટલોને બરતરફ કરવાના પગલાં લીધાં છે. દરમિયાન રાજ્ય વિધાનસભા ગૃહમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પ્રશ્નોત્તરીકાળ દરમિયાન માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત સરકાર અને મેડિકલ કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના માપદંડો પ્રમાણે ચાલતી અમદાવાદની બીજે મેડીકલ કોલેજ સૌથી જૂની અને પ્રતિષ્ઠિત કોલેજ છે.

પ્રશ્નોત્તરીકાળ દરમિયાન અમદાવાદની બીજે મેડીકલ કોલેજમાં  મંજુર મહેકમ સંદર્ભે ધારાસભ્ય દ્વારા પૂછાયેલા પ્રશ્નનો પ્રત્યુત્તર પાઠવતાં નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, મેડિકલ કોલેજમાં તબીબી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓનો અભ્યાસ ઓપીડી ઉપરાંત ઈનડોરથી પેશન્ટની સારવાર, વિદ્યાર્થીઓના પ્રેક્ટીકલ વગેરે કામગીરી ચાલતી હોય છે. આવા સંજોગોમાં રાજ્યમાં રહેલી ડૉક્ટરોની અછત દૂર કરવાના આશય સાથે તબીબી શિક્ષણની વધુને વધુ સુવિધા ઉભી કરવા તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખાસ પ્રયાસો હાથ ધર્યા હતા જેને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આગળ વધાર્યા છે. આવા પ્રયાસોના કારણે રાજ્યમાં ૫૧૦૦ કરતાં વધુ મેડિકલની સીટ ઉપલબ્ધ છે.

(8:17 pm IST)