Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

બે હોસ્પિટલોમાંથી મચ્છરોના બ્રિડિંગ મળ્યા : ઉંડી ચકાસણી

સોલા સિવિલ અને યુએન મહેતામાં બ્રિડિંગ મળ્યા : અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને સંબંધિત હોસ્પિટલના સત્તાધીશોને કડક તાકીદ કરી : સફાઇ-સ્વચ્છતાનો હુકમ

અમદાવાદ, તા.૧૯ : અમદાવાદ શહેરમાં ચોમાસાની સીઝનને લઇ મચ્છરજન્ય કે પાણીજન્ય રોગચાળો વકરે નહી તે માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર દ્વારા ખાસ તકેદારી અને કાળજી લેવાઇ રહી છે. ખાસ કરીને અમ્યુકોના આરોગ્ય વિભાગ દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં શૈક્ષણિક સંસ્થાઓ, ધંધા-રોજગારના એકમો સહિતના વિવિધ સ્થળોએ કડક ચેકીંગ અભિયાન છેલ્લા કેટલાક દિવસોથી શરૂ કરવામાં આવ્યું છે. જેમાં આજે અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓએ સોલા સિવિલ હોસ્પિટલ, અસારવાની સિવિલ હોસ્પિટલ સંકુલમાં આવેલી યુએન મહેતા હોસ્પિટલ સહિતની સરકારી હોસ્પિટલમાં ખાસ ચેકીંગ ઝુંબેશ હાથ ધરાિ હતી. જે દરમ્યાન અમ્યુકોના આરોગ્ય વિભાગના અધિકારીઓને સોલા સિવિલ હોસ્પિટલ અને યુએન મહેતા હોસ્પિટલમાંથી કેટલાક સ્થાનો પરથી મચ્છરોના બ્રીંડીગ મળી આવ્યા હતા. આરોગ્ય વિભાગના અધિકારીઓએ મચ્છરોના આ બ્રીડીંગના કારણે મચ્છરોના ઉપદ્રવ અને તેના કારણે ફેલાતા રોગને લઇ ગંભીર ચેતવણી અને તાકીદ આ બંને હોસ્પિટલના સત્તાધીશોને કર્યા હતા. હોસ્પિટલ સત્તાધીશોએ પણ તાબાના સ્ટાફ અને કર્મચારીઓને તાત્કાલિક જે સ્થાનોએ મચ્છરોના બ્રીડીંગ મળ્યા હતા, ત્યાં સફાઇ અને દવાના છંટકાવની કામગીરી કરી આરોગ્ય વિષયક પગલા ભર્યા હતા. એએમસીના હેલ્થ વિભાગે આજે શહેરમાં કડક ચેકિંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન સરકારી હોસ્પિટલોમાં મચ્છરોના બ્રિડિંગ મળી આવતાં સરકારી હોસ્પિટલ વર્તુળમાં પણ ભારે ચકચાર મચી ગઇ હતી. હેલ્થ વિભાગને સરકારી હોસ્પિટલો એવી યુએન મહેતા હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં મચ્છરોના બ્રિડિંગ મળ્યા છે. આ સિવાય મેડિમેક્સ હોસ્પિટલમાં પણ મચ્છરોના બ્રિડિંગ મળ્યા છે. આ હોસ્પિટલોના બેઝમેન્ટ અને પાણીની ટાંકી પાસે વધુ પ્રમાણમાં પાણી ભરાયેલું જોવા મળ્યા હતા.

(8:12 pm IST)