Gujarati News

Gujarati News

News of Friday, 19th July 2019

૨૬મી પછી ૩ ઓગસ્ટ સુધી ચોમાસુ જામવાના યોગ છેઃ અંબાલાલ પટેલ

ઓગસ્ટમાં વરસાદ સારો પડવાના પણ યોગ, ઘટ પુરાઈ જશે

અમદાવાદઃ રાજયભરમાં હાલ વરસાદ ખેંચાતાં ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યુ છે. જો કે, ચોમાસું સક્રિય થવાના યોગ જોતાં રાજયમાં ૨૧મી જુલાઈથી ૨૩ દરમિયાન ઝાપટાં પડી શકે છે. આ ઉપરાંત રાજયભરમાં ફરીથી ૨૬મી જુલાઈથી ચોમાસું સક્રિય થવાના યોગ છે. જે દરમિયાન ૨૮મી જુલાઈથી ૩ ઓગસ્ટ સુધી સાર્વત્રિક સારો વરસાદ પડી શકે છે તેમ હોવાનું હવામાન જયોતિષી અંબાલાલ દા.પટેલે જણાવ્યું હતું. જે વિસ્તારોમાં હાલ વરસાદની ઘટ વર્તાઈ રહી છે ત્યાં ઓગસ્ટમાં ભરપાઈ થઈ જવાના યોગ છે. ચોમાસું આગામી દિવસોમાં તેની ઝડપ પકડશે અને સાર્વત્રિક સારો વરસાદ પડશે. રાજયભરમાં હાલ ભર અષાઢ મહિનામાં ઉનાળા જેવી ગરમી પડતાં લોકો અકળાઈ ઊઠયા છે. બીજી તરફ દિવસ અને રાતે ઠંડા પવનો ફૂંકાઈ રહ્યા છે જેને લઈ લોકોમાં પણ ચિંતાનું મોજું છે. જો કે, ઓગસ્ટમાં રાજયભરમાં સારો વરસાદ પડવાના યોગ સર્જાતાં મેઘમહેર થઈ શકે છે. જયાં વરસાદની ઘટ છે તેવા વિસ્તારોમાં પણ ભારે વરસાદની શકયતાઓ છે. ચોમાસુ ભલે મોડું શરૂ થયું છે પણ રાજયમાં સારો વરસાદ પડશે તેવા યોગ છે.

(11:31 am IST)