Gujarati News

Gujarati News

News of Thursday, 19th July 2018

રેપ કેસની તપાસ ૨ મહિનામાં અને ટ્રાયલ ૬ મહિનામાં પૂરો કરવા પોલીસને આદેશ

બાળકીઓ પર દુષ્કર્મની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દુષ્કર્મના આરોપીઓની સજામાં વધારો કરતો વટહુકમ બહાર પાડયો

અમદાવાદ તા. ૧૯ : બાળકીઓ સાથે દુષ્કર્મની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને આ વર્ષે કેન્દ્ર સરકારે દુષ્કર્મના આરોપીઓની સજામાં વધારો કરતો વટહુકમ બહાર પાડ્યો છે. વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ આપેલી માહિતી પ્રમાણે, દુષ્કર્મની સજા ૭ વર્ષથી વધારીને ૧૦ વર્ષ કરી દેવાઈ છે. જયારે ૧૬ વર્ષથી ઓછી ઉંમરની છોકરીઓ પર બળાત્કાર કરનાર આરોપીને ૨૦ વર્ષની જેલની સજા થશે. CID ક્રાઈમના સૂત્રોએ જણાવ્યું કે, ૧૨ વર્ષથી નાની બાળકી સાથે દુષ્કર્મ અને ગેંગરેપ કરનારને આજીવન કેદની સજા ફટકારવામાં આવશે.

રાજય સરકારે દુષ્કર્મ કેસની તપાસ કરી રહેલા પોલીસ અધિકારીઓને આદેશ આપ્યો છે કે, બે મહિનામાં કેસની તપાસ પૂરી થઈ જવી જોઈએ સાથે જ ટ્રાયલ ૬ મહિનામાં પૂરો થવો જોઈએ. જામીનના નિયમો પણ વધુ કડક બનાવાયા છે. સીનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું કે, 'આરોપીએ જામીન અરજી કરવાના ૧૫ દિવસ પહેલા સરકારી વકીલને આ અંગે જાણ કરવી પડશે. આરોપીને જામીન અરજીની પ્રક્રિયામાં પીડિતાના વકીલની હાજરી મહત્વની છે.'

એડિશનલ DGP અનિલ પ્રથમે કહ્યું કે, 'દુષ્કર્મ કેસના ટ્રાયલ ઝડપથી પુરા થાય તે માટે સ્પેશિયલ કોર્ટની વ્યવસ્થા કરવા અમે સરકારને રજૂઆત કરી છે. ૨૬ જિલ્લાઓમાં મહિલાઓ સાથે થતા ગુનાની તપાસ કરવા માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન યુનિટ શરૂ કર્યા છે. દુષ્કર્મ કેસમાં પૂછપરછ કઈ રીતે કરવી તે અંગે અમે પોલીસને ટ્રેનિંગ આપીશું. સાયન્ટિફિક પુરાવા એકઠા કરીને બે મહિનામાં તપાસ કઈ રીતે પૂરી કરી શકાય તે શીખવીશું.'

એડિશનલ DGP અનિલ પ્રથમે વધુમાં કહ્યું કે, 'સમગ્ર રાજયમાં ટ્રેનિંગ સેંટરમાં ઝડપી તપાસ પૂરી કરવા ટ્રેનિંગ આપવામાં આવશે. ફોરેન્સિક અને લીગલ ડિપાર્ટમેન્ટના એકસપર્ટ્સ દ્વારા પોલીસને ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ પોલીસકર્મીઓને દુષ્કર્મ કેસ કેવી રીતે હેન્ડલ કરવા તેની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે.'(૨૧.૫)

(10:23 am IST)