Gujarati News

Gujarati News

News of Friday, 19th June 2020

અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલની ઘોર બેદરકારી :દર્દીએ દરવાજા પર જ તોડ્યો દમ : 45 મીનિટ સુધી જોવડાવી રાહ

મોટી સંખ્યામાં દર્દીનો પરિવાર હોસ્પિટલમાં પહોચી ગયો હતો અને હોબાળો મચાવ્યો

અમદાવાદ: શહેરમાં રાજસ્થાન હોસ્પિટલના દરવાજે 45 મીનિટ સુધી જીવન મરણ વચ્ચે જંગ લડતા 72 વર્ષીય વૃદ્ધે દમ તોડ્યો હતો. હોસ્પિટલના સ્ટાફે બેદરકારીની હદ વટાવી હોવાનો આક્ષેપ મૃતકના પરિવારજનોએ કર્યો છે. બનાવને પગલે મોટી સંખ્યામાં દર્દીનો પરિવાર હોસ્પિટલમાં પહોચી ગયો હતો અને હોબાળો મચાવ્યો હતો.

દરિયાપુરના વાડીગામ ખાતે રહેતા હરીશચંદ્ર કડીયાને 20 દિવસ અગાઉ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા એસવીપી હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે ત્યાં જગ્યા ન હોવાથી ખાનપુરની લાઈફ કેર હોસ્પિટલમાં હરીશચંદ્રને દાખલ કર્યા હતા. 20 દિવસની સારવાર દરમિયાન દર્દી હરીશચંદ્ર એકદમ સ્વસ્થ થઈને વાતો કરવા લાગ્યા હતા. સાત દિવસ પહેલા હોસ્પિટલમાં તેવોએ જન્મદિવસની ઉજવણી કરી અને પોતે સામાન્ય શ્વાસની તકલીફ સિવાય સ્વસ્થ હોવાનો વીડિયો વાયરલ કર્યો હતો.

લાઇફ કેર હોસ્પિટલમાં વેન્ટિલેટર ન હોવાથી હોસ્પિટલ તરફથી દર્દી હરીશચંદ્રને અન્ય હોસ્પિટલ લઈ જવા ડૉક્ટરોએ પરિવારને જણાવ્યું હતું. આજે રાત્રે દર્દીને લઈને પરિવારજનો રાજસ્થાન હોસ્પિટલ શાહીબાગ પહોંચ્યા હતા. હોસ્પિટલના સ્ટાફે દરવાજો ના ખોલતા પરિવારે દર્દીને એડમિટ કરવા અંદર લઈ લેવા સ્ટાફને જણાવ્યું હતું. જોકે, હાજર કર્મચારીએ ચાવી ખોવાઈ ગયાનું બહાનું બતાવી 45 મીનીટ સુધી દરવાજો ના ખોલતા હોસ્પિટલના ગેટ પર વૃદ્ધ હરિષચંદ્રએ દમ તોડ્યો હતો. હરિશચંદ્રના કૌટુંબિક પૌત્ર હર્ષ કડીયાએ આ સમગ્ર બાબત જણાવતા કહ્યું હતું કે,લાઈફ કેર હોસ્પિટલના ડૉકટરે તેમના ત્યાં વેન્ટિલેટર ન હોવાથી રાજસ્થાન હોસ્પિટલના ડૉકટર સાથે વાત કરી અમને મારા દાદાને શિફ્ટ કરવા કીધું હતું. જોકે અમે રાજસ્થાન હોસ્પિટલ આવ્યા તો સ્ટાફે મારા દાદાને એડમિટ કર્યા ન હતા. રાજસ્થાન હોસ્પિટલની બેદરકારીથી મારા દાદાનું મોત થયું છે.

(1:00 am IST)