Gujarati News

Gujarati News

News of Wednesday, 19th June 2019

વડોદરામાં સ્‍કૂલ વાનની અટકાયતના વિરોધમાં સ્‍કૂલ વાન ચાલકોએ હડતાલ પાડતા વિદ્યાર્થીઓની મદદે આવી પોલીસ

વડોદરા :અમદાવાદમાં ચાલુ વાનમાંથી ત્રણ વિદ્યાર્થીઓ પડી જવાના મામલે વડોદરામાં ગઈકાલથી ટ્રાફિક પોલીસ અને આરટીઓએ સ્કુલ વર્ધીચાલકો સામે કાર્યવાહી કરી તેમના વાહનો ડિટેઈન કર્યા છે. જેના વિરોધમાં વડોદરામાં સ્કુલ વર્ધી એસોસિયેશને બે દિવસની હડતાળ પાડી છે. આજથી કોઈ પણ વાનચાલક વિદ્યાર્થીઓ લેવા નથી ગયા, કે તો સ્કૂલમાંથી લાવવા ગયા છે. જેના કારણે સવાર સવારમાં વાલીઓને પોતાના બાળકને સ્કુલ પર છોડવા આવવાની નોબત આવી હતી. ત્યારે હડતાળ અને વાલીઓને પડી રહેલી હાલાકી વચ્ચે પોલીસની અનોખી મદદ સામે આવી છે.

એકાએક સ્કુલ વાન ચાલકોની હડતાળના કારણે વાલીઓ રોષે ભરાયા છે. મહત્વની વાત છે કે, ટ્રાફિક પોલીસે ગઈકાલે નિયત સંખ્યા કરતા વધુ સંખ્યામાં બાળકો બેસાડી લઈ જતા વાન ચાલકો, રીક્ષા ચાલકો અને કાયદાનુ પાલન કરનારા સ્કુલ બસ ચાલકો સામે કાર્યવાહી કરી 31 વાહનો ડિટેઈન કર્યા હતા. ત્યારે સ્કુલ વાન ચાલકો હડતાળ પર ઉતરી ગયા હતા. કારણે આજે વડોદરા પોલીસનો માનવતા ભર્યો અભિગમ જોવા મળ્યો હતો. મોબાઈલ અને પીસીઆર વાન ચાલકોએ વિદ્યાર્થીઓના તેમના ઘરેથી સ્કુલ અને સ્કુલથી ઘરે છોડવાના નિર્ણય લીધો છે. વાન ચાલકોના મનમાનીના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા છે. સાથે વાલીઓ હડતાળને અયોગ્ય ઠેરવી પોલીસની કાર્યવાહી યોગ્ય ગણી રહ્યા છે.

વડોદરામાં સ્કુલ વર્ધી ચાલકો બે દિવસની હડતાળ પર ઉતરતા વડોદરા ટ્રાફિક પોલીસ વાલી અને વિધાર્થીઓના વહારે આવી છે. વડોદરા ટ્રાફિક પોલીસે હડતાળના પગલે સવારથી વિદ્યાર્થીઓ અને વાલીઓને તેમના ઘરેથી સ્કુલ અને સ્કૂલથી ઘરે મૂકવાનુ માનવતાભર્યુ કામ કર્યુ છે. વડોદરા ટ્રાફિક પોલીસની 8 બોલેરો, 1 બસ, 21 PCR વાન અને 63 બાઈક વિદ્યાર્થીઓને પહોંચાડવામાં મદદે આવી છે. જે વિદ્યાર્થીઓ અને વાલીઓની મદદ કરી રહ્યા છે. પોલીસે 400થી વધારે વિદ્યાર્થી અને વાલીઓને તેમના ઘરેથી સ્કુલ અને સ્કુલેથી ઘરે લઈ જવા મદદ કરી. વાલીઓએ પોલીસની કામગીરીને બિરદાવી.

(5:09 pm IST)