Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

સરકારે આપી ગુજરાત સહિત 6 રાજ્યોમાં દુષ્કાળની ચેતવણી

ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના મુખ્ય સચિવોને કેન્દ્ર સરકાર દ્વારા પત્ર લખી ચેતવણી આપવામાં આવી

દેશમાં ગુજરાત સહિત છ રાજ્યો દુકાળની પકડમાં છે. આ રાજ્યોમાં, ગ્રામીણ વિસ્તારોમાં જળસંકટ વધી રહ્યો છે. ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુના મુખ્ય સચિવોને કેન્દ્ર સરકાર દ્વારા પત્ર લખી ચેતવણી આપવામાં આવી છે. તે પત્રમાં કહેવામાં આવ્યું છે કે પાણીનો ઉપયોગ સમજદારી પૂર્વક કરો.' આ વખતે ગુજરાતમાં તો પાણીની કટોકટી એપ્રિલથી શરૂ થઈ છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, રાજ્યના ડઝન જેટલા જિલ્લાઓને દુષ્કાળગ્રસ્ત જાહેર કરાયા છે.

સચિવાલયના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે, પત્રમાં ગુજરાતના મુખ્ય સચિવને કહેવામાં આવ્યું છે કે રાજ્યમાં પાણીનું વ્યવસ્થાપન હોવું જોઈએ જેથી પીવાના પાણી અને ખેતરના પાણીમાં કોઈ સમસ્યા ન આવે. કેન્દ્રીય સરકારે મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તેલંગણા અને તમિલનાડુને આ ચેતવણી ડેમમાં ઘટતા પાણીના સ્તરને જોઈને આપી છે. સેન્ટ્રલ વૉટર કમિશન (સીડબલ્યુસી) ના સભ્યે આ વિશેની માહિતી આપી હતી.

જણાવી દઈએ કે રાજ્યોમાં દુષ્કાળગ્રસ્ત ત્યારે જાહેર કરવામાં આવે છે, જ્યારે છેલ્લા દસ વર્ષોની તુલનામાં જળાશયોમાં પાણીનું સ્તર 20% ઓછું હોય. તે કેન્દ્રના પત્રમાં લખવામાં આવ્યું છે કે, જ્યાં સુધી બીજો બંધ બાંધવામાં ન આવે ત્યાં સુધી પાણીનો ઉપયોગ માત્ર પીવા માટે કરવામાં આવવો જોઈએ. સેન્ટ્રલ વૉટર કમિશન દેશના 91 મુખ્ય જળાશયોના ભંડારનું નિરીક્ષણ કરે છે. કમિશનની રિપોર્ટ મુજબ, જળાશય હાલમાં 35.99 બિલિયન ક્યુબિક મીટર છે, જે જળાશયની ક્ષમતાના 22 ટકા છે. ગુજરાત અને મહારાષ્ટ્રનો પશ્ચિમી પ્રદેશ પીવાના પાણીની સમસ્યાનો સામનો કરી રહ્યો છે.

(4:14 pm IST)