Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

સિધ્ધપુર હાઇવે પરથી ડીઝલ ચોરીનું કૌભાંડ ઝડપાયું ૯૧ લાખના મુદ્દામાલ સાથે ૧૨ શખ્સોની અટકાયત

પાટણ તા.૧૮: સિદ્ધપુરના નેશનલ હાઇવે ઉપર ઓઇલ ડેપો ઉપરથી દરરોજ લાખો લીટર ડીઝલ ટેન્કરો મારફતે અલગ અલગ સ્થળએ મોકલવામાં આવે છે જેમાં ઓઇલ ડેપોમાં ટેન્કર સીલ થયા બાદ તુરત જ ડીઝલ અને પેટ્રોલની ચોરી કરતી ગેંગ દ્વારા હાઇવે ઉપર આવેલી હોટલોના પાછળના ભાગે ટેન્કરો લઇ જઇને તેના શીલ ખોલી ડ્રાઇવરો અને ડીઝલ ચોરો કેટલાક જથ્થો ટેન્કરમાંથી કાઢીનાખી ડીઝલ અને પેટ્રોલના ટેન્કરોને પોતાની જગ્યા પર લાવી ટેન્કરઓના શીલ ખોલીને ડ્રાઇવરોની મદદથી ડિઝલની ચોરી કરી અંડર ગ્રાઉન્ડ ટાંકીમાં સંગ્રહ કરવામાં આવતું હતું. જોકે આ કેસમાં રમજુભાઇ કાસમભાઇ સુમરા પાસેથી ટેન્કરના લોક ખોલવા માટેની માસ્ટર ચાવી પણ મળી આવી હતી. આ ચોરી કરેલું ડીઝલ લોકોને બજાર ભાવ કરતા ૧૦ થી ૧૫ રૂપિયા પ્રતિ લીટર સસ્તા ભાવે વેચી મારવાનું કૌભાંડ ચાલી રહ્યું હતું જેની ચોક્કસ બાતમી ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ બ્રાન્ચને મળતા ગુરૂવારે મોડી સાંજે અચાનક આ સ્થળે છાપો માર્યો હતો અને આ કૌભાંડનો પર્દાફાશ થયો હતો.

ઝડપાયેલા શખ્સો વિનોદસિંહ માધુસિંહ ઝાલા (રાજપુર,આંબાવાડી. સિદ્ધપુર), દિલીપસિંહ મેરૂજી ઠાકોર (રાજપુર, સિદ્ધપુર, જી,પાટણ),નરેશકુમાર સોમાલાલ ચાવડા (પસવાદળ,વડગામ, જી.બનાસકાંઠા), રમજુભાઇ કાસમભાઇ સુમરા (ગુલિસ્તાન પાર્ક, સિદ્ધપુર)રાહુલસિંહ કરણસિંહ સોલંકી (રાજપુર, ખટિયામાં,સિદ્ધપુર), રાહુલસિંહ કરણસિંહ સોલંકી (રાજપુર, ખટિયામાં, સિદ્ધપુર), મહિપતસિંહ દીવાનજી ઠાકોર (રાજપુર, આંબાવાડી સિદ્ધપુર), સલીમભાઇ કરીમભાઇ સુમરા (કાલોલ કોલોની, સિદ્ધપુર), અકબરભાઇ હુસેનભાઇ સુમરા (હનુમાનપુર, સિદ્ધપુર), હરિવંશરામ રામક્રિપાલ પાંડે (રાજગઢ, ઊંઝા, જી.મહેસાણા), શશિરંજન હરિવંશરામ પાંડે (રાજગઢ,ઊંઝા,જી.મહેસાણા), વિનોદ દુર્ગાપ્રસાદ યાદવ (ગુજરાત હાઉસિંગ બોર્ડ, ચાંદખેડા,અમદાવાદ) અને નાશી ગયેલ આરોપીમાં, અમરતભાઇ કરશનભાઇ દેસાઇ (પસવાદળ, વડગામ, જી.બનાસકાંઠા)નો સમાવેશ થયેલ.

રેડ દરમ્યાન સીઆઇડી ક્રાઇમની ટીમે સ્થળ ઉપરથી ચાર ટેન્કર એક જીપ અને પેટ્રોલ ડીઝલનો જથ્થો મળી રૂ.૮૯,૯૬,૫૮૧ તેમજ રાજપુર ગામે દિલીપસિંહ મેરૂજી ઠાકોરના મકાનની બાજુમાં સંગ્રહ કરેલ ડીઝલ અને પેટ્રોલનો જથ્થો કી.રૂ.૧,૭૩,૨૦૦ મળી કુલ રૂપિયા ૯૧,૬૯,૭૮૧ લાખ તેમજ ચોરી કરવા માટે ઉપયોગમાં લેવાતા કેરબા, પીપ,પાઇપો, પ્લાસ્ટિકની ડોલો સહીતનો મુદામાલ જપ્ત કરી ૧૨ શખ્સોની અટકાયત કરી હતી જયારે એક ઇસમ નાશી  છૂટ્યો હતો આ અંગે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ હાથ ધરી છે.

(3:35 pm IST)