Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

પાલનપુર ખાતે મોડી સાંજે વાવાઝોડુ : હોર્ડિંગ્સ તુટ્યા

ઠેર ઠેર વૃક્ષોની ડાળીઓ તુટી પડી : વરસાદનું ભારે ઝાપટું પડતા શહેરીજનોને થયેલી રાહત

પાલનપુર,તા.૧૮ : પાલનપુરમાં આજે મોડી સાંજે તીવ્ર પવન સાથે વાવાઝોડુ આવ્યું હતું અનેક જગ્યાઓએ હોર્ડિંગ્સ તુટી પડ્યા હતા. વૃક્ષોની ડાળીઓ પણ તુટી પડી હતી. તોફાની પવનના કારણે અફડાતફડી સર્જાઈ હતી. રાજ્યના સરહદી જિલ્લા બનાસકાંઠામાં છેલ્લા બે દિવસથી પડોશી દેશ પાકિસ્તાનમાં સર્જાયેલ અપર સાયકલોનના પગલે સરહદી છેવાડાના વાવ- થરાદ અને લાખણી-ધાનેરા સહીતના અનેક વિસ્તારોમાં ફુંકાયેલા વાવાઝોડામાં વિજળી પડવાની ઘટનાથી જાનહાની, પશુ ખુવારી સાથે વરસાદી ઝાપટાથી ભારે નુકશાન પહોંચ્યું છે. ત્યારે આજે જિલ્લા મથક પાલનપુર શહેર અને આજુબાજુના ગ્રામ્ય પંથકમાં બપોરે આકરી ગરમીથી ત્રાહીમામ પોકારી ગયેલા લોકો છેલ્લા એકાદ મહિનાથી ૪૨ થી ૪૫ ડીગ્રી ગરમીના પારાથી ત્રાહીમામ પોકારી ગયેલ. લોકો શહેરમાં મોડી સાંજે જોરદાર પવન સાથે ભારે વાવાઝોડું આવતાં શહેરીજનોમાં ભારે દોડધામ મચી જવા પામી હતી. આમ એકા એક વાતાવરણમાં ભારે પલ્ટો આવતાં રાહદારીઓ ટુવ્હીલર ચાલકોને ભારે આંધી પવનનો સામનો કરવો પડેલ. શહેરના અનેક વિસ્તારમાં નગરપાલિકા અને જે તે બિલ્ડીંગવાળાઓની સાંઠગાંઠથી લગાવેલા જાહેરાતોના હોર્ડિંગ્સો પણ અનેક જગ્યાએ તુટી અને ઉડ્યો હોવાના અહેવાલો છે. શહેરમાં ઠેર ઠેર જાહેર રોડ અને રહેણાંક વિસ્તારમાં કચરો ઉડતાં વૃક્ષોની ડાળીઓ પડતા ભારે અફડા તફડી સર્જાઇ હતી.

વાવાઝોડાની ગતી અંદાજે ૨૦ કિ.મી. પ્રતિ મિનિટે હતી. ત્યારબાદ વરસાદનું ભારે ઝાપટું પડતાં શહેરીજનો અબોલ પશુ પંખીઓએ ભારે ઠંડક અનુભવી હતી. વેકેશનમાં બાળકો વરસાદી છાંટણાથી ખુશીથી ઝુમી ઉઠ્યા હતા.

(9:04 pm IST)