Gujarati News

Gujarati News

News of Sunday, 19th May 2019

એરપોર્ટ પર ફલાઇટ્સના શીડ્યુલ ખોરવાતા મુશ્કેલી

દર રવિવારે રન-વે બંધ રહેતા ફ્લાઈટોમાં ડખા : છેલ્લા ૧૫ દિનથી નેશનલ અને ઇન્ટરનેશનલ ફલાઇટ્સ પાંચથી છ કલાક મોડી પડી રહી છે : મુસાફર ભારે ખફા

અમદાવાદ,તા. ૧૮ : છેલ્લા પંદર દિવસથી અમદાવાદ એરપોર્ટ પર આવતી નેશનલ-ઈન્ટરનેશનલ ફ્લાઈટ્સ ૫ાંચથી છ કલાક મોડી પડી રહી છે અને હજુ એક મહિનો મોડી પડે તેવી પ્રબળ શકયતાઓ પ્રવર્તતી હોઇ મુસાફરોની હાલત કફોડી બની છે. અમદાવાદથી અખાતી દેશોમાં જતી ઇન્ટરનેશનલ ફ્લાઇટો પાકિસ્તાનના બાલાકોટમાં ભારતીય વાયુદળની એર સ્ટ્રાઇક પછી પાકિસ્તાનની એરસ્પેસ હજુ સુધી બંધ હોવાના કારણે મોડી પડી રહી છે. જેના કારણે અમદાવાદથી વિદેશ જતા હજારો મુસાફરોના શેડ્યુલ ખોરવાઈ ગયા છે. એર સ્ટ્રાઈકને દોઢ મહિના જેટલો સમય થયો હોવા છતાં હજુ પણ એક મહિના સુધી ફ્લાઈટો મુંબઇ અને દિલ્હીના એર ટ્રાફિક કંટ્રોલના રડારમાંથી પસાર થઇને જઇ રહી છે. ફ્લાઇટ ડાઇવર્ટ થવાના કારણે પેસેન્જરોની મુસાફરીમાં એક કલાકનો સમય વધી ગયો છે. જેને પગલે રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય ફલાઇટ્સના પેસેન્જર્સ પણ ભારે હાલાકીનો ભોગ બની રહ્યા છે. ટ્રુ જેટ એરલાઈન્સના સાત કર્મચારીએ સામૂહિક રાજીનામું આપી દેતા તમામ ફ્લાઈટના શીડયુલ ખોરવાઈ ગયા હતા. અમદાવાદથી પોરબંદર, જેસલમેર, ઇન્દોર, કંડલા અને ઓઝર(નાસિક) જતી ફ્લાઈટ્સ ૩૦ મિનિટથી બે કલાક મોડી પડી હતી. આજે પણ ટ્રુ જેટની ફ્લાઈટ્સ મોડી પડી શકે છે. શુક્રવારે અમદાવાદ આવતી જતી ૧૦ ઇન્ટરનેશનલ સહિત ૨૭ ફ્લાઈટ્સ એક કલાકથી છ કલાક મોડી પડી હતી. દિલ્હીમાં વાતાવરણ ખરાબ થતાં અમદાવાદથી દિલ્હીની ઇન્ડિગોની ફ્લાઈટ લખનઉ ડાયવર્ટ કરાઈ હતી. દર રવિવારે રન-વે બંધ હોવાથી ડોમેસ્ટિક ફ્લાઈટના શેડ્યુલ પણ ખોરવાઇ ગયા છે. જેના કારણે વહેલી સવારથી દસ વાગ્યા સુધી ટેક ઓફ થતી ડોમેસ્ટીક ફ્લાઇટોના પેસેન્જરોને વહેલા એરપોર્ટ પર આવીને ચેકીંગ કરાવીલેવું પડે છે. અમદાવાદથી ટેક ઓફ થયા બાદ ફ્લાઇટોના હાલ રૂટ મુજબ, મુંબઇ અને દિલ્હી એટીસીના સંપર્કમાં થઇ ઉડાન ભરી રહી છે. જેના કારણે ફ્લાઇટોના લેન્ડિંગમાં ૨૫ મિનિટ જેટલો સમય લાગી જાય છે એટલે કે લેટ પડી રહી છે. એટલું જ નહિ કતાર, એરઇન્ડિયા અને એમીરેટ્સ એરલાઇન્સના એરાઇવલ ટાઇમ વચ્ચે ૨૫ મિનિટનું અંતર હોવાથી ઇન્ટરનેશનલ ટર્મિનલ બિલ્ડીંગના એરાઇવલ હોલમાં પેસેન્જરોની ભારે ભીડ થઇ જાય છે. છેલ્લા કેટલાક દિવસોથી શીડ્યુલ ખોરવાઇ જવાના કારણે  ફલાઇટ્સના પેસેન્જર્સ  હાલાકીનો ભોગ બની રહ્યા છે.

(9:05 pm IST)