Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

ગુજરાત : અકસ્માત સંખ્યામાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થયો

અકસ્માતો ઘટ્યા પણ મોતનો આંકડો વધી ગયોઃ ૨૦૧૭માં ગુજરાતમાં ૧૯૦૮૧ અકસ્માતોમાં ૭૨૮૯ લોકોના મોત થયા અને ૧૬૮૦૨ લોકો ઘાયલ : અહેવાલ

અમદાવાદ, તા.૧૯, ગુજરાતમાં વાહન અકસ્માતોની સંખ્યામાં ૨૦૦૭ અને ૨૦૧૭ વચ્ચેના ગાળામાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો થઈ ચુક્યો છે પરંતુ પ્રતિ ૧૦૦ ટ્રાફિક અકસ્માતોમાં મોતની સંખ્યામાં ઉલ્લેખનિય વધારો થયો છે. આ સંખ્યા ૩૧ ટકાથી વધીને ૩૮ ટકા સુધી પહોંચી ગઈ છે. એક્સીડેન્ટ ફેટેલિટી રેટમાં ઉલ્લેખનિય વધારો થયો છે. ૨૦૧૭ની વાત કરવામાં આવે તો ૨૦૧૭માં ૧૯૦૮૧ અકસ્માતો થયા હતા. જે પૈકી ૭૨૮૯ લોકોના મોત થયા હતા. આવી જ રીતે ૨૦૧૬માં ૨૧૮૫૯ અકસ્માતો થયા હતા. જેમાં ૮૧૩૬ લોકોના મોત થયા હતા. રાજ્ય પરિવહન વિભાગ દ્વારા આપવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે કે ૨૦૦૭માં ગુજરાતમાં ૩૩૬૨૩ માર્ગ અકસ્માતો થયા હતા. જ્યારે ૨૦૧૭માં આ આંકડો ઘટીને ૧૯૦૮૧ ઉપર પહોંચ્યો હતો પરંતુ ૨૦૦૭માં માર્ગ અકસ્માતોમાં મોતનો આંકડો ૬૯૧૫નો રહ્યો હતો. જે ૨૦૧૭માં વધીને ૭૨૮૯ સુધી પહોંચી ગયો છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરવામાં આવ્યા બાદ સ્પષ્ટ થાય છે કે ગુજરાતમાં માર્ગ અકસ્માતોમાં ફેટેલિટીનો આંકડો સતત વધી રહ્યો છે. અધિકારીઓના કહેવા મુજબ પ્રતિ ૧૦૦ અકસ્માતોમાં મોતનો આંકડો છેલ્લા પાંચ વર્ષના ગાળામાં ૩૦ થી વધીને ૩૮ ઉપર પહોંચ્યો છે. ફેટલ અકસ્માતોમાં આંકડો ટુ વ્હીલર્સનો વધારો રહ્યો છે. જોકે જોખમી હોવા છતાં ટુ વ્હીલર્સની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. જાણકાર લોકોનું કહેવું છે કે ગુજરાતમાં જુદા જુદા વર્ષના ગાળા દરમિયાન ઘાયલ થયેલા લોકોની સંખ્યા પણ વધી છે. ૨૦૧૭માં ઘાયલ લોકોની સંખ્યા ૧૬૮૦૨ નોંધાઈ હતી. જ્યારે ૨૦૧૭માં પ્રતિ ૧૦૦ અકસ્માતોમાં મોતનો આંકડો ૩૮ નોંધાયો હતો. ૨૦૧૬માં આ આંકડો ૩૭નો હતો. એકંદરે તેમાં વધારો થવા પામ્યો છે. એક અગ્રણી અંગ્રેજી અખબારમાં આ અંગેના અહેવાલ પ્રકાશિત કરાયા બાદ લોકોમાં આની ચર્ચા જોવા મળી રહી છે.

(9:27 pm IST)