Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

હરતી ફરતી ખાદ્ય પ્રયોગશાળા અમલી બનાવવાની વિચારણા

સુરતમાં ફુડ સેફ્ટી ઓન વ્હીલનું લોકાર્પણ : ૪૦ લાખની અદ્યતન વાનમાં સ્થળ પર દૂધ, પાણી, તેલ સહિતની ખાદ્ય ચીજોનું નાગરિકોને પરીક્ષણ કરી અપાશે

અમદાવાદ,તા. ૧૯ : રાજયમાં હવે નાગરિકોને ઘરઆંગણે અને સ્થળ પર જ દૂધ, પાણી, તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ કરી અપાય તે માટે હવે હરતી ફરતી ખાદ્ય પ્રયોગશાળાની સીસ્ટમ અમલી બનાવવાની સક્રિય વિચારણા હાથ ધરાઇ છે. પ્રાયોગિક ધોરણે આજે સુરતમાં ફુટ સેફ્ટી ઓન વ્હીલ-હરતી ફરતી ખાદ્ય પ્રયોગશાળાનું રાજયકક્ષાના આરોગ્યમંત્રી કિશોર કાનાણીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજયના આરોગ્ય કમિશનર એચ.જી.કોશીયા,  સ્થાનિક ધારાસભ્યો સહિતના મહાનુભાવો ખાસ હાજર રહ્યા હતા. કેન્દ્ર સરકાર (ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓથોરીટી ઓફ ઇન્ડિયા) દ્વારા રૂ.૪૦ લાખની કિંમતની અપાયેલી અદ્યતન અને હાઇટેક વાન(હરતી ફરતી ખાદ્ય પ્રયોગશાળા) મારફતે નાગરિકોને સ્થળ પર જ દૂધ, પાણી, તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ કરી આપવામાં આવશે. રાજયના અન્ય જિલ્લા-તાલુકાઓમાં પણ આ પ્રકારની હરતી ફરતી ખાદ્ય પ્રયોગશાળાની સીસ્ટમ અમલી બનાવવાની દિશામાં પણ સરકાર દ્વારા વિચારણા થઇ રહી છે કે જેથી નાગરિકોને ઘરઆંગણે અને સ્થળ પર જ ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ અને પૃથ્થકરણ અપાશે. કેન્દ્ર સરકાર દ્વારા દેશના ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, મધ્યપ્રદેશ, ચેન્નાઇ સહિતના સાત રાજયોમાં ફુડ સેફ્ટી અને તેના કાયદાની સારી અને અસરકારક કામગીરી થઇ રહી છે ત્યાં આ હરતી ફરતી ખાદ્ય પ્રયોગશાળા આપવામાં આવી છે. આ અંગે રાજયના આરોગ્ય કમિશનર એચ.જી.કોશીયાએ જણાવ્યું હતું કે, આ અદ્યતન અને હાઇટેક હરતી ફરતી પ્રયોગશાળાથી હવે ફુટ સેફ્ટી ઓન વ્હીલના કન્સેપ્ટ પર નાગરિકોને ઘરઆંગણે અને સ્થળ પર જ દૂધ, પાણી, તેલ સહિતની ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણની સુવિધા પ્રાપ્ય બનશે. જેમાં નાગરિકોને દૂધમાં યુરિયા, ડિટર્જન્ટ સહિતના પાંચ પ્રકારના કેમીકલ-તત્વોની ભેળસેળ માલૂમ પડી જશે. એટલું જ નહી, ફુડ જયુશમાં સુગરનું પ્રમાણ કે અન્ય ભેળસેળ જાણી શકાશે. તો, નાગરિકોને પીવાનું પાણી આરોગ્યપ્રદ છે કે નહી અને તેમાં હાર્ડનેસ, બેઝીક કવોલિટી સહિતની બાબતો પરીક્ષણમાં જાણી શકાશે. આ સિવાય આ હાઇટેક વાનમાં તેલના ખાસ પરીક્ષણ માટે એક વિશેષ મશીન મૂકવામાં આવ્યું છે, જેના મારફતે ફરસાણના વેપારીઓ સહિતના વેપારીઓ તળેલા તેલનો એકથી વધુ વખત ઉપયોગ કરતાં હોય છે, જે નાગરિકોના આરોગ્ય માટે ગંભીર અને હાનિકારક બની રહેતુ હોય છે, તેથી તેના પરીક્ષણ મારફતે તેલની સ્થિતિ જાણી શકાશે. જો ૨૫ ટકાથી ટોટલ પોલરાઇઝ ઓફ કમ્પાઉન્ડ(ટીપીસી) વધુ હોય તો તેવું તેલ હાનિકારક હોય છે, તેથી આ પ્રયોગશાળામાં તેલનું પરીક્ષણ પણ સ્થળ પર જ થઇ શકશે. રાજયના આરોગ્ય કમિશનર એચ.જી. કોશીયાએ વધુમાં ઉમેર્યું હતું કે, રાજયના અન્ય શહેરો અને જિલ્લા-તાલુકા કક્ષાએ આ પ્રકારની હરતી ફરતી પ્રયોગશાળાના અમલીકરણ માટે અને નાગરિકોને ઘરઆંગણે જ ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ કરી આપી તેમના જાહેર આરોગ્ય અને સુખાકારી માટે તે દિશામાં સક્રિય વિચારણા ચાલી રહી છે ભવિષ્યમાં તેનું આયોજન હાથ ધરાશે.

(8:18 pm IST)