Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

વિજયભાઇ રૂપાણીએ દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે તળાવ ઊંડા કરવાના કામનો કરાવ્યો પ્રારંભઃ સર્વજન હિતાય-સર્વજન સુખાયનું આ ઇશ્વરીય કાર્ય સમગ્ર દેશનું સૌથી મોટું જળસંચય અભિયાન છે પાણીએ વિકાસની પ્રાથમિકતા છે. જળસંચવ અભિયાન ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ બનાવશેઃ ''જળએ જ જીવન'' પુસ્તિકાનું મુખ્યમંત્રીશ્રીએ કર્યુ વિમોચનઃ પંચામૃત ડેરી દ્વારા દાહોદ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂ.૧૧ લાખનો ચેક અર્પણ

ગાંધીનગરઃ તા.૧૮ : મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ પાણીને વિકાસની પ્રાથમિકતા જણાવતાં કહ્યું કે, ભૂગર્ભ જળસંગ્રહનું સુજલામ સુફલામ અભિયાન કોઇ રાજકીય ઇરાદા કે હેતુથી પ્રેરિત નહિ સર્વજન હિતાય-સર્વજન સુખાયની ભાવનાથી પ્રેરિત જનઅભિયાન છે.

        મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ બહુધા આદિવાસી વસતી ધરાવતા દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ લોકભાગીદારી અને મનરેગા હેઠળ તળાવ ઊંડા કરવાના કામનો શ્રમદાન કરી પ્રારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રીશ્રીએ શ્રમજીવીઓને છાતથા સુખડીનું વિતરણ કર્યું હતુ.

        શ્રી વિજયભાઇ રૂપાણીએ આ અભિયાનમાં મળી રહેલા વ્યાપક જનસહયોગની પ્રસંશા કરતાં જણાવ્યું કે, દેશનું સૌથી મોટું આ જળસંચય અભિયાન ગુજરાતના જળવૈભવ વારસાને વધુ સમૃધ્ધ કરનારૂં પથદર્શક બનશે.

        આ અભિયાનથી ખેતી અને ખેડૂત બેયની સમૃધ્ધિમાં વધારો થશે એવો વિશ્વાસ તેમણે વ્યકત કર્યો હતો.

આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ જિલ્લા પ્રશાસન દાહોદ દ્વારા તૈયાર કરવામાં આવેલ ‘‘જળ એ જ જીવન’’ પુસ્તિકાનું વિમોચન કર્યું હતું. મુખ્યમંત્રીશ્રીએ સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત બાઇક રેલીને મોટા નટવા ખાતેથી લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું.

દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના કંથાગર ગામે

        આ અવસરે પંચામૃત ડેરી દ્વારા દાહોદ જિલ્લામાં જળસંચયના કામો માટે રૂા.૧૧ લાખનો ચેક મુખ્યમંત્રીશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે કંથાગર ગામનું સિંચાઇ તળાવ ૨.૫૦ હેકટર વિસ્તાર ધરાવે છે. મનરેગા હેઠળ ગામ તળાવ ઊંડુ કરવામાં ૪૧૭ શ્રમજીવીઓ શ્રમદાન સાથે રોજગારી મેળવી રહયા છે. આ શ્રમજીવીઓને અત્યાર સુધીમાં રૂા.૨.૫૭ લાખની રકમ તેમના ખાતામાં સીધી જમા કરવામાં આવી છે. કંથાગર ગામનું તળાવ ઊંડુ થતા ૧,૭૬,૦૦૦ ઘનફૂટ જનસંગ્રહ ક્ષમતામાં વધારો થશે અને ૪૮ હેકટર વિસ્તારમાં ખેડૂતોને સિંચાઇની સુવિધા ઉપલબ્ધ થશે.

        આ રાજયવ્યાપી સુજલામ સુફલામ જળ અભિયાન હેઠળ રાજયમાં ૧૩ હજાર તળાવો ઊંડા કરવાનું કામ લોકભાગીદારીથી હાથ ધરવામાં આવ્યું છે. તેનાથી આગામી ચોમાસામાં ૧૧ હજાર લાખ ઘનફૂટ પાણીની જળસંગ્રહ ક્ષમતા વધશે અને ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બનશે અને ભાવિ પેઢી પર દુકાળના ઓછાયા પડશે નહીં, તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો.

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે રાજયના વિકાસના પાયામાં પાણી છે. વિકાસને વરેલી. આ રાજય સરકારે જ્ઞાતિ–જાતિ-વર્ગ-ધર્મ તેમજ પક્ષાપક્ષીથી દૂર રહી ગરીબો-વંચિતો-શોષિતો-પીડિતોના વિકાસ માટે સમગ્ર રાજયમાં સર્વગ્રાહી રીતે જળસંચય અભિયાન ઉપાડયું છે.

        મુખ્યમંત્રીશ્રીએ ઉમેર્યું કે આ કોઇ ચૂંટણીલક્ષી અભિયાન નથી પરંતુ સમગ્ર ગુજરાતના કલ્યાણ માટેનું લોકઅભિયાન છે. રાજય સરકારે લોક સહયોગથી બેટી બચાવો, બેટી પઢાવો, વાંચે ગુજરાત, ખેલે ગુજરાત, સ્વચ્છ ભારત જેવા સામાજીક ચેતનાના અભિયાન ઉપાડયાં છે જેના સકારાત્મક પરિણામો મળી રહયાં છે એ જ કડીમાં હવે આ અભિયાન ઉપાડીને ગુજરાતની ભાવિ પેઢીને જળસમૃધ્ધ બનાવવી છે. 

        મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે જળસંચય અભિયાન હેઠળ ૫૫૦૦ કિ.મી.ની કેનાલ સફાઇ તથા ૩૨ નદીઓને પુનઃજીવિત કરવામાં આવી રહી છે. પાણીનો વિવેકપૂર્ણ અને કરકસરપૂર્ણ ઉપયોગ કરવા નાગરિકોને તેમણે અનુરોધ કર્યો હતો.

        મુખ્યમંત્રીશ્રી ગામનું પાણી ગામમાં, સીમનું પાણી સીમમાં અને ખેતરનું પાણી ખેતરમાં સંગ્રહ કરી પાણીના ટીંપે ટીપાંનો ઉપયોગ કરી દાહોદ જિલ્લાવાસીઓને વરસાદી પાણીના સંગ્રહ માટે હાકલ કરી હતી.     પ્રારંભમાં કલેકટરશ્રી વિજયકુમાર ખરાડીએ સૌનો આવકાર કરતાં જણાવ્યું હતું કે દાહોદ જિલ્લામાં જળસંચય અને જળસંગ્રહના ૮૬૬ કામોનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી ૮૦૬ કામો પ્રગતિમાં છે અને ૨૭ કામો પૂર્ણ થયા છે. દાહોદ જિલ્લામાં જળસંચય અભિયાન હેઠળ ૯ લાખ ૫૧ હજાર માટીનો જથ્થો બહાર કાઢી ૩૩.૫૫ એમ.સી.એફ.ટી. જળસંગ્રહ ક્ષમતામાં વધારો થશે.

        અંતમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી આર.કે.પટેલે આભારવિધિ કરી હતી.

        આ અવસરે અગ્રણી શ્રી અમિતભાઇ ઠાકર, શંકરભાઇ અમલીયાર, નરેન્દ્રભાઇ સોની, ધારાસભ્ય શ્રી રમેશભાઇ કટારા, શૈલેષભાઇ ભાભોર, શ્રી દયારામ મહારાજ, શ્રી રામજી મહારાજ, બ્રહ્માકુમારી નીતાદીદી, પદાધિકારીઓ, અધિકારીઓ સહિત વિશાળ સંખ્યામાં વિસ્તારના ગ્રામજનો હાજર રહયા હતા.  

(7:35 pm IST)