Gujarati News

Gujarati News

News of Saturday, 19th May 2018

કાલે વિજયભાઇ રૂપાણી સુરતમાં અનેકવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશેઃ સુજલામ સુફલામ જળઅભિયાનમાં હાજરી ‘‘સુરત સ્માર્ટ સીટી સમીટ અને સ્ટાર્ટ અપ ફેસ્ટીવલ-૨૦૧૮’’: અડાજણ : એસ.ટી.ડેપોનું ઉદ્દધાટન: સુરત મનપાના પ્રકલ્પોની તકતીઅનાવરણવિધિઃ: મહારાણા પ્રતાપની પ્રતિમાનું અનાવરણ

ગાંધીનગર : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી  તા.૨૦/૫/૨૦૧૮ના રોજ સવારે ૧૧.૦૦ વાગે સુરત એરપોર્ટ પર ઉતરાણ કરી ૧૧.૩૦ વાગે સરથાણા ખાતે સુજલામ સુફલામ જળઅભિયાનના કાર્યક્રમમાં હાજરી આપશે. બપોરે ૧.૦૦ વાગે સુરત સરકીટ હાઉસ ખાતે આવશે. ત્યાર બાદ બપોરે ૩.૦૦ વાગે સરસાણા કોન્વેન્શન સેન્ટર ખાતે ‘‘સુરત સ્માર્ટ સીટી સમીટ અને સ્ટાર્ટ અપ ફેસ્ટીવલ-૨૦૧૮’’માં ઉપસ્થિત રહેશે. સાંજે ૪.૩૦ વાગે અડાજણ એસ.ટી.બસ ડેપોનું ઉદ્દધાટન કરી ૫.૧૫ વાગે શ્રી રામ ચોક, કોસાડ ખાતે સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજીત વિવિધ વિકાસકીય પ્રકલ્પોને ખુલ્લા મૂકશે. રાત્રે ૭.૦૦ વાગે ગોડાદરા મહારાણા પ્રતાપ ચોક ખાતે મહારાણા પ્રતાપના સ્ટેચ્યુનું અનાવરણ કરી ૭.૩૦ વાગે એરપોર્ટ પરથી અમદાવાદ જવા રવાના થશે.  

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૦મીએ અડાજણના જુના બસ સ્ટેન્ડની જગ્યા પર જ પીપીપી ધોરણે નવનિર્મિત આધુનિક સુવિધા સાથે તૈયાર કરાયેલા નવા બસ સ્ટેશનનું લોકાર્પણ  કરવામાં આવશે. ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન (GSRTC) દ્વારા શહેરના અડાજણ વિસ્તારમાં ૬૦ કરોડના ખર્ચે અત્યંત આધુનિક સુવિધાથી સજ્જ બસ સ્ટેશન સાકાર થઇ ચૂક્યું છે. જેમાં એરપોર્ટની માફક લગેજ ટ્રોલી, જીપીએસ, દિવ્યાંગો માટે વ્હીલચેર, આઈડલ બસ પાર્કિંગ જેવી સુવિધાથી સુસજ્જ આ બસ સ્ટેશનને અડાજણ બસ પોર્ટ નામ અપાયું છે. સુરતનું બસ સ્ટેશન ગુજરાતના અત્યાધુનિક બસ સ્ટેશનો પૈકીનું એક છે.

આ સ્ટેશનમાં હાર્ટ શેપ આકારમાં નિર્મિત સેલ્ફી પોઇન્ટ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બની રહેશે. ઉપરાંત ડિજીટલ ડિસ્પ્લે સાથે બસોના આવાગમનની માહિતી, યાત્રાળુ માહિતી કેન્દ્ર, વેરિયેબલ સાઈન બોર્ડ, સીસીટીવી કેમેરા, પબ્લિક એનાઉસમેન્ટ, રાઉન્ડ ધ કલોક સિકયુરિટી ઉપરાંત વિદ્યાર્થી પાસ, મુસાફર પાસ અને ઓનલાઇન બુકીંગ જેવી સુવિધાઓ ઉભી કરવામાં આવી છે.

કોમર્શિયલ હેતુ માટે બસ સ્ટેશનમાં રિટેલ સુપર માર્કેટ, વિવિધ શો-રૂમ તેમજ ભોજન અને નાસ્તા માટે ફૂડ કોર્ટ, રેસ્ટોરન્ટ દ્વારા મુસાફરો ખરીદી અને ખાણી-પીણીનો લાભ લઇ શકશે.

ખાસ કરીને ભોંય તળિયે ક્લોક રૂમ, ટોઇલેટ-બાથરૂમ અને પહેલા માળ પર વી.આઇ.પી. કક્ષ, રેસ્ટ રૂમ, સ્ટોર રૂમ, પાર્સલ રૂમ અને ડ્રાઇવર કંડક્ટર રૂમ ઉપરના માળે પેસેન્જર ડોરમેટરીની પણ સુવિધા ઉભી કરાઈ છે.

એસ.ટી. નિગમના સુરત ડિવિઝનના વિભાગીય નિયામકશ્રી આર.ડી.ગલચર આ મોડેલ સ્ટેશન વિષે જણાવે છે કે, વર્ષ ૨૦૧૧ માં અડાજણ સ્થિત નવા બસ પોર્ટનું નિર્માણ કાર્ય શરૂ થયું હતું. બિલ્ટ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) મોડેલ હેઠળ નિર્માણ પામેલા અડાજણના બસ સ્ટેશનના બે પ્લેટફોર્મ પરથી રાજયના વિવિધ શહેરોની ૨૩૨ ટ્રીપનું આયોજન કરવામાં આવ્યું છે. અડાજણ બસ પોર્ટ પરના કુલ ૧૨ પ્લેટફોર્મ પરથી ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઓલપાડ, નર્મદા જિલ્લા અને સુરતના ઇન્ડસ્ટ્રીયલ એરિયા હજીરા સુધી બસો બસ મળી શકશે. ખાસ તો બસ સ્ટેશનમાં જ મુસાફરોને રહેવા માટે બજેટ પોસાય તેવા દરોમાં હોટેલની પણ સુવિધા ઉપલબ્ધ છે. 

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આગામી તા.૨૦મીના રોજ સુરત મહાનગરપાલિકાના રૂા.૪૨૯.૬૦ કરોડના ખર્ચના વિવિધ પ્રકલ્પોની લોકાર્પણ/ખાતમુહૂર્તની તકતીઓની અનાવરણવિધિ સંપન્ન થશે. મુખ્યમંત્રી તા.૨૦મીના રોજ સવારે ૧૦.૦૦ વાગે સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત સરથાણા ઈન્ટેકવેલ ખાતે શહેરની સ્વૈચ્છિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, સામાજિક સંસ્થાઓ, શહેરીજનો શ્રમદાનમાં જોડાવાની અપીલ કરશે. સાંજે ૫.૦૦ વાગે શ્રીરામ ચોકડી પાસે, કોસાડ ખાતે સુરત બી.આર.ટી.એસ. ફેઝ-૨ અંતર્ગત કોસાડ બસ ડેપો અને વર્કશોપનું લોકાર્પણ તથા બી.આર.ટી.એસ. બસને પ્રસ્થાન કરાવશે.

         મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ૨૦મીએ વેસુ ખાતે રૂ.૩૦.૨૪ કરોડના ખર્ચે ગ્રીન કન્સેપ્ટથી નવનિર્મિત સુડા ભવનનું લોકાર્પણ કરવામાં આવશે. ગ્રીન બિલ્ડીંગના માપદંડો પ્રમાણે સુરત શહેરી વિકાસ સત્તામંડળના આ ભવનમાં વરસાદી પાણીનો સંગ્રહ માટે તેમજ પાણીની બચત માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. બિલ્ડીંગના સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપિત કરવામાં આવ્યો છે, જેમાંથી દર વર્ષે આશરે ૮૧૨૦૦ યુનિટ વીજળી મળશે. રીન્યુએબલ એનર્જી અને સૂર્યપ્રકાશના યોગ્ય વપરાશ દ્વારા ખર્ચ ઘટાડવાનો પ્રયાસ કરાયો છે. ભવનમાં વાતાવરણને અનુકુળ એવી બિલ્ડીંગ સામગ્રીનો વપરાશ કરાયો છે.

વરસાદી પાણી માટે હાર્વેસ્ટિંગ સિસ્ટમ, વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે ભૂગર્ભ જળની ટાંકી તેમજ ઓવરહેડ પાણીની ટાંકી બાંધવામાં આવી છે. ૧૦૦  kwp  ગ્રીડ ટાઈપ એસપીપીની જોગવાઈ સાથે સોલર લાઇટિંગ્સ અને ઊર્જા કાર્યક્ષમતા માટે એલઇડી લાઇટિંગ અને મોશન સેન્સર્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

બિલ્ડીંગમાં પાણીનો વપરાશ ઘટાડવા માટે સેન્સર આધારિત નળ અને લો ફ્લો ફિક્સર ફીટ કરાયા છે. જયારે મુખ્ય પ્રવેશદ્વાર પર બાયોમેટ્રિક એક્સેસ કન્ટ્રોલ મૂકવામાં આવ્યું છે. સંપૂર્ણ ભવનમાં સી.સી.ટીવી મોનિટરીંગ સિસ્ટમ હેઠળ આવરી લેવામાં આવ્યું છે.

         સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ૧૯મી એ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહન આપવાના હેતુથી સ્ટાર્ટ અપ ફેસ્ટિવલ અને ૨૦મીએ સ્માર્ટ સિટી સમિટ મેગા ઇવેન્ટ યોજવા જઈ રહી છે. બે દિવસ ચાલનારા મેગા ઇવેન્ટમાં ગુજરાત સહિત અન્ય રાજ્યોના સચિવ કક્ષાના અધિકારી, ૫દાધિકારીઓ, મહાનુભાવો, મ્યુ.કમિશનરો, વરિષ્ઠ અધિકારીઓ, મેયરો તેમજ ડેપ્યુટી મેયરો તેમજ દેશભરના વિવિધ ક્ષેત્રના નિષ્ણાંત ડેલિગેટ્સ ઉ૫સ્થિત રહેશે. રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી ૨૦મીએ સ્માર્ટ સિટી સમિટમાં વિશેષ ઉપસ્થિત રહી My Surat સિટીઝન એન્ગેજમેન્ટ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ તેમજ સુરત મની કાર્ડનું લોન્ચિંગ કરશે.

૧૯મીએ પ્રથમ દિવસે સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં દેશભરના સ્ટાર્ટ અપથી ઉદ્યોગમાં પદાર્પણ કરનાર ૧૦૦ ઉદ્યોગ સાહસિકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. જેમાંથી પસંદ થયેલા ૧૦ સ્ટાર્ટ અપ તેમના પ્રોજેક્ટ્સ જ્યુરી સમક્ષ રજૂ કરશે. ૧૦ માંથી વિજેતા બનનાર આખરી ૩ શ્રેષ્ઠ સ્ટાર્ટ અપને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવશે.

સ્ટાર્ટ અપ ફેસ્ટિવલમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના અધિકારીઓ, યુનિવર્સીટીઓ, ઇન્કયુબેશન સેન્ટર, ઇન્વેસ્ટર્સ અને વેન્ચર કેપિટાલિસ્ટ ઉપસ્થિત રહેશે. કાર્યક્રમમાં વર્કશોપ, પીચિંગ સેશન, પેનલ ડિસ્કશન, ટેકનિકલ સેશન પણ યોજાશે. મહત્વની વાત એ છે કે, પીચિંગ સેશનમાં પસંદ થયેલા ઉદ્યોગ સાહસિકો સાથે ૩૦ જેટલા ઇન્વેસ્ટર્સ વ્યક્તિગત મુલાકાત લઇ સ્ટાર્ટ અપને વિશાળ પ્લેટફોર્મ આપવા તેમને રૂ. ૫૦ લાખ સુધીનું ફંડ આપશે. આ રીતે ઉગતા યુવા ઉદ્યમીને બિઝનેસ કરવા માટે ઇન્વેસ્ટર્સનો માતબર સહયોગ મળશે. આમ, સ્ટાર્ટ અપ ફેસ્ટીવલ ઇન્વેસ્ટર્સ અને યુવા ઉદ્યમી વચ્ચે કડીરૂપ બનશે.

 ૨૦મી એ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી બપોરે ૩.૦૦ વાગ્યે સમિટને ખુલ્લી મૂકશે. મુખ્યમંત્રી સાથે વાણિજ્ય અને ઉદ્યોગ વિભાગના રાજ્ય મંત્રીશ્રી સી.આર. ચૌધરી પણ જોડાશે.  દેશભરના ૧૨ રાજ્યોમાંથી આવેલા વક્તાઓ માર્ગદર્શન આપશે. ઇવેન્ટમાં ૫૦ કંપનીઓ તેમના વિવિધ ઉત્પાદનો વિવિધ સ્ટોલમાં રજૂ કરશે.   

સુરત મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત સુરતના નાગરિકો સાથે  જનભાગીદારી વધારવા, માહિતી, વિચારો અને સૂચનોનું આદાનપ્રદાન, કન્સલ્ટેશન વિગેરે માટે mySurat સિટીઝન એન્ગેઈજમેન્ટનું ડિજિટલ પ્લેટફોર્મ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે મુજબ સોશિયલ મીડિયાના લોકપ્રિય પ્લેટફોર્મ એવા ફેસબુક, વોટસએપ, ટ્વીટર જેવા ડિજિટલ માધ્યમ મારફત સિટીઝન એન્ગેજમેન્ટ માટેના MySurat વેબ પોર્ટલ અને mySurat મોબાઈલ એપને મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે સુરત મહાનગરપાલિકા દ્વારા ૨૦મીએ આયોજિત સ્માર્ટ સિટી સમિટમાં લોન્ચ કરવામાં આવશે.

આ વેબ પોર્ટલ અને મોબાઈલ એપ વડે સુરત મહાનગરપાલિકા શહેરના નાગરિકો સાથે બ્લોગ અને ફોરમ જેવા ફીચર થકી ઈન્ટરેકટ કરી શકશે. વધુમાં પાલિકા દ્વારા પૂરી પાડવામાં આવતી સેવાઓ અને સુવિધા માટે ઓપિનિયન પોલ/સર્વે કરી નાગરિકોનો અભિપ્રાય લઇ શકાશે. આ ઉપરાંત, મનપાની કામગીરી અને શહેરને લગતા વિવિધ વિષયો ઉપર સ્લોગન રાઈટીંગ, ડ્રોઈંગ, ફોટોગ્રાફી જેવી વિવિધ કોમ્પિટિશન MySurat પ્લેટફોર્મ થકી શક્ય બનશે.

આમ, સ્માર્ટ સિટી યોજના અંતર્ગત ડિજિટલ માધ્યમ દ્વારા શહેરીજનો સાથે જનભાગીદારી માટે, સતત નાગરિક સંપર્ક અને વિચાર વિનિમય માટે MySurat પ્રોજેક્ટ અંતર્ગત Mysurat.in પોર્ટલ તથા

મોબાઈલ એપ્લીકેશન શહેરીજનોને ભારત સરકારના myGov.in પોર્ટલની જેમ વિવિધ માહિતી પૂરી પાડીને, તેમના અભિપ્રાય, સૂચનો, હરિફાઈ જેવી પ્રક્રિયાઓથી અરસપરસ સંપર્ક બનાવવામાં મદદરૂપ થશે.

 

 

(4:22 pm IST)